Sun Aug 23 2026

Logo

ભૂતપૂર્વ ક્રિકેટરે બાબર આઝમને સલાહ આપી, `ભાઈ, તું ઇંગ્લિશ મીડિયાથી દૂર જ રહેજે'

Karachi   2026-08-11 19:04:34
Author: Ajay Motiwala
Article Image

કરાચીઃ પાકિસ્તાનના ક્રિકેટરો 19મી ઑગસ્ટથી ઇંગ્લૅન્ડમાં ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ કરે એ પહેલાં ભૂતપૂર્વ કૅપ્ટન રાશીદ લતીફે વર્તમાન ટીમના સુકાની બાબર આઝમ માટે એક મુલાકાતમાં કેટલીક સલાહ આપી છે જેમાં તેણે કહ્યું છે કે બાબરે સિરીઝ દરમ્યાન ઇંગ્લિશ મીડિયાથી દૂર રહેવું જોઈએ.

વર્ષોથી મોટા ભાગના પાકિસ્તાની ક્રિકેટરો અંગે્રજીમાં પ્રશ્નોનો વરસાદ વરસાવતાં પત્રકારોને એ જ ભાષામાં જવાબ આપવામાં મૂંઝાતા જોવા મળ્યા છે અને કાચા તથા હાસ્યાસ્પદ અંગે્રજીને કારણે કરોડો ક્રિકેટપ્રેમીઓમાં ઉઘાડા પડ્યા છે. જોકે અહીં રાશીદ લતીફ (Rashid Latif)નું કંઈક અલગ કહેવું છે. તેણે એક મુલાકાતમાં કહ્યું છે કે `ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનના ટીમ-મૅનેજમેન્ટે પત્રકારો સામે બાબર (Babar)ને બદલે ભૂતપૂર્વ કૅપ્ટન શાન મસૂદને મોકલવો જોઈએ અને બાબરે મીડિયાથી દૂર રહેવું જોઈએ.'

લતીફનું એવું કહેવું છે કે `ઇંગ્લિશ મીડિયાને જવાબો આપવામાં બાબર કરતાં શાન મસૂદને વધુ અને સારો અનુભવ છે. પાકિસ્તાનની ટીમનો બ્રિટિશ-પ્રવાસ મુશ્કેલ થઈ શકે અને એને પગલે ઇંગ્લિશ પત્રકારો સાઇડ-સ્ટોરીઓ બનાવવા માટે કૅપ્ટન બાબરને જે સવાલો કદાચ પૂછશે એના જવાબો આપવાનું તેના માટે મુશ્કેલ થઈ શકે. તેને બદલે શાન મસૂદને પત્રકારો સામે મોકલવો જોઈએ.'

છેલ્લાં 10 વર્ષમાં ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનનો ટેસ્ટ-ક્રિકેટમાં સારો રેકૉર્ડ છે. લતીફે કહ્યું છે કે `બાબરે માત્ર સારું ક્રિકેટ રમવા પર અને કૅપ્ટન્સી સંભાળવા પર જ ધ્યાન આપવું જોઈએ.'