Sun Mar 08 2026

Logo

કોઈ પણ પ્રકારની ગેરસમજણ ટાળો...

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

થોડા સમય અગાઉ એક કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા એક અધિકારીને કંપનીના માલિકો સાથે કોઈ મુદ્દે વાંધો પડ્યો. એમાંથી માલિકો અને તે અધિકારી વચ્ચે ઝઘડો થયો. વાત વધી પડી અને તે અધિકારીએ રાજીનામું આપી દીધું. જે અધિકારી પ્રત્યે વફાદાર હતા અથવા તો તે અધિકારીને કારણે જેમને નોકરી મળી હતી એવા કેટલાક કર્મચારીઓએ પણ પોતાનો વિરોધ નોંધાવવા રાજીનામું આપી દીધું તો કેટલાક કર્મચારીઓએ નોકરી છોડ્યા વિના જ માલિકો સામે પોતાનો વિરોધ નોંધાવ્યો અથવા તો રાજીનામું આપનારા અધિકારીની તરફેણમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવાનું જોખમ ઊઠાવ્યું. 

એવા કર્મચારીઓ પૈકી એક મહિલા કર્મચારીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી કે ‘સાહેબ, તમે ભલે ચાલ્યા ગયા, પણ અમે તમને ભૂલી નહીં શકીએ. તમે તો અમારા માર્ગદર્શક હતા. જે બન્યું એનાથી મને/અમને ઊંડો આઘાત લાગ્યો છે. આવજો, સાહેબ.’

એ પોસ્ટ વાંચીને તે મહિલાના સોશ્યલ મીડિયા પરના ફ્રેન્ડ્સમાંથી કોઈને લાગ્યું કે આ મહિલાના બોસ મૃત્યુ પામ્યા છે એટલે તેણે કમેન્ટ કરી: ‘ઓમ શાંતિ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરું છું.’

એ પછી તો ધડાધડ કેટલાય લોકોની એ પ્રકારની કમેન્ટ્સ શરૂ થઈ ગઈ! બધા પેલા અધિકારીને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા! તે મહિલાએ સોશ્યલ મીડિયા પર જે શબ્દોમાં પોસ્ટ લખી હતી એને કારણે લોકોને ગેરસમજણ થઈ હતી. એ પછી પેલા અધિકારીનાં સગાંવહાલાં પર લોકોના કોલ્સ જવા માંડ્યા ત્યારે ખબર પડી કે તે અધિકારી તો જીવે છે!

ગેરસમજણને કારણે કોઈ માણસ જીવતેજીવ મરી જાય એવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. વર્ષો અગાઉ એક અખબારમાં એક સાહિત્યકારના મૃત્યુના સમાચાર છપાઈ ગયા હતા અને એ અખબારના તંત્રીએ તંત્રીલેખ પણ લખી નાખ્યો હતો, જેમાં તેમણે તે સાહિત્યકારના ભરપેટ વખાણ કરીને લખ્યું હતું કે તેમના નિધનથી ન પૂરી શકાઈ એવી ખોટ પડી છે.

એ પછી પેલા તંત્રી પર બીજા દિવસે સવારે કોઈનો કોલ આવ્યો કે ‘તમે આજે તમારા અખબારમાં સમાચાર છાપ્યા છે કે ફલાણા સાહિત્યકાર મૃત્યુ પામ્યા છે’ એટલે તંત્રીએ કહ્યું કે ‘હા, બહુ દુ:ખની વાત છે કે તે સાહિત્યકારનું મૃત્યુ થયું છે. આપ કોણ બોલો છો?’

કોલ કરનાર માણસે કહ્યું કે ‘તમે જેના મૃત્યુના સમાચાર છાપ્યા છે તે સાહિત્યકાર હું છું!’

એ પછી બીજા દિવસે તે અખબારે ખુલાસો છાપ્યો હતો કે ‘અમે વાચકોને જણાવતા દિલગીરી અનુભવીએ છીએ કે ફલાણા સાહિત્યકાર હયાત છે... જેમનું મૃત્યુ થયું છે તે આ સાહિત્યકાર જેવું જ નામ ધરાવતા એક સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે એક-બે પુસ્તકો લખ્યાં હતાં, પરંતુ એક સમાચાર સંસ્થાએ આપેલા સમાચારમાં નામની સમાનતાને કારણે અમને ગેરસમજણ થઈ હતી એને લીધે અમે આ જાણીતા સાહિત્યકારના મૃત્યુના સમાચાર છાપી નાખ્યા હતા. અમે તેમની અને વાચકોની ક્ષમા માગીએ છીએ.’

આજના સમયમાં તો ગેરસમજણની અનેક પ્રકારની ઘટનાઓ વધતી જાય છે. ઘણી વાર તો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કે રીલનો અવળો અર્થ તારવીને ઘણા ગેરસમજણ કરી બેસતાં હોય છે અને વર્ષો જૂના, ક્યારેક તો દાયકાઓ જૂના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે તો ક્યારેક હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાતી હોય છે. 

થોડા સમય અગાઉ વોટ્સએપ પર એક ફ્રેન્ડે એક મેસેજ મોકલ્યો હતો. વોટ્સ એપ પર જાતજાતના મેસેજીસ આવતા રહેતા હોય છે. મોટાભાગના મેસેજીસ તો વાહિયાત હોય છે, પરંતુ ક્યારેક કોઈ રમૂજપ્રેરક મેસેજ પણ આવી જતા હોય છે. એમાંના કેટલાક મેસેજ બોધ આપનારા પણ હોય છે. આવો જ એક રમૂજપ્રેરક-બોધપ્રેરક મેસેજ એક મિત્રએ થોડા સમય અગાઉ મને મોકલ્યો હતો.

એક યુગલનાં લગ્નની વિધિ શરૂ થઈ રહી હતી. લગ્નમંડપમાં લગ્નની વિધિ કરાવવા બેઠેલા પંડિતજીએ વિધિ શરૂ કરતાં અગાઉ કહ્યું, ‘આ લગ્ન સામે કોઈને વાંધો હોય તો અત્યારથી કહી દો. નહીં તો પછી બે જિંદગી બરબાદ થશે.’

પંડિતજી આગળ કંઈ બોલવા જાય એ પહેલાં મંડપમાં સાવ પાછળ નાના બાળકને લઈને ઊભેલી એક રૂપાળી યુવતી લગ્નમંડપ તરફ ચાલવા લાગી. એ જોઈને ક્ધયાએ વરરાજાને તમાચો ઝીંકી દીધો! તે સુંદર યુવતી તેના બાળક સાથે લગ્નમંડપ સુધી પહોંચી એ દરમિયાન તો ક્ધયાનો પિતા બંદૂક લેવા માટે ઘરમાં દોડ્યો. એ દરમિયાન ક્ધયાના ભાઈઓ વરરાજાને ઝનૂનપૂર્વક ફટકારવા માંડ્યા. વરરાજા નીચે પડી ગયો. તેને લાતો મારવા માંડ્યા. ક્ધયાની માતા તો બેહોશ થઈને જમીન પર પટકાઈ પડી.

બધા મહેમાનો સ્તબ્ધ બની ગયા. વરપક્ષના લોકો તો હેબતાઈ ગયા. વરરાજાના પિતા, કાકા અને મામા સહિતના સગાંવહાલાં વરરાજાને બચાવવા દોડ્યા.

પંડિતજી પણ ચોંકી ઊઠ્યા. તેમણે મામલો થાળે પાડવાની કોશિશ કરી અને લગ્નમંડપ પાસે આવીને ઊભી રહી ગયેલી રૂપાળી યુવતીને પૂછ્યું કે ‘બેન, તને આ લગ્નથી શું તકલીફ છે?’

તે યુવતીએ કહ્યું, ‘નહીં તો! મને કોઈ તકલીફ નથી આ લગ્નથી! મને શા માટે તકલીફ હોય આ લગ્નથી? હું તો લગ્નમાં મહાલવા આવી છું. આ તો હું સાવ પાછળ હતી અને મને તમારો અવાજ સંભળાતો નહોતો એટલે તમે શું બોલી રહ્યા છો એ સાંભળવા માટે હું જરા આગળ આવી!’

દોસ્તો, આ તો એક જોક છે, પણ વાસ્તવિક જીવનમાં આવી ઘણી ઘટના પણ  બનતી હોય છે. અમુક સ્થિતિમાં માણસો કશું જાણ્યા-સમજ્યા વિના કૂદી પડતા હોય છે, લડવા-ઝઘડવા માંડતા હોય છે. પછી વાસ્તવિકતા સમજાય ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે.

આવું મીડિયા પણ ઘણી વખત કરે છે, સરકાર પણ કરે છે, વિપક્ષો પણ કરે છે. સરકારવિરોધીઓ પણ કરે છે, બૌદ્ધિકો પણ કરે છે. અને સોશિયલ મીડિયા પર તો ઘણા લોકો જાણ્યા-સમજ્યા વિના કોઈની સાઈડ લઈને કૂદી પડે છે. એ પછી સામે બીજા પક્ષના લોકો કૂદી પડે છે. અને વાતનું વતેસર થઈ જાય છે.

કોઈ પણ પ્રકારની ગેરસમજણ ટાળવી જોઈએ અને ગેરસમજણ ટાળવા માટે તરત પ્રતિક્રિયા આપવાથી બચવું જોઈએ. પહેલા વાસ્તવિકતા સમજવાની કોશિશ કરો અને પછી પ્રતિક્રિયા આપો, જેથી ભૂલ અને ગેરસમજ થવાની શક્યતા શૂન્યવત થઈ જાય...