Fri Aug 21 2026

Logo

ઑસ્ટ્રેલિયાને મળી ગયો વૈભવ સૂર્યવંશી જેવો હાર્ડ-હિટર, આ ગુજરાતી ખેલાડી રાજકોટ આવવાનો છે

Sydney   2026-08-04 11:47:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit : ANI


સિડની: ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડનો આડકતરો દાવો છે કે એને ભારતના વૈભવ સૂર્યવંશી જેવો હાર્ડ-હિટર મળી ગયો છે. આ ટીનેજર ગુજરાતી છે અને આવતા મહિને ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ સાથે સિરીઝો રમવા ગુજરાતના પ્રવાસે આવવાનો છે.

ભારતીય મૂળનો આ ખેલાડી ગુજરાતી છે અને તેનું નામ છે નીલ પટેલ. તે ઓપનિંગ બૅટ્સમૅન છે તેમ જ સ્પિન બોલિંગથી પણ ટીમને ઉપયોગી બની શકે છે. 

Image Credit : BCCI

ભારતના ટીનેજ સેન્સેશન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) વિશે પરિચય આપવાની જરૂર નથી. ભાગ્યે જ કોઈ ટીમને આટલી નાની ઉંમરનો આવો ટૅલેન્ટેડ ખેલાડી મળે. જોકે, ટૂંકમાં જણાવી દઈએ કે મે મહિનાના અંતે પૂરી થયેલી આઈપીએલમાં તેના કુલ 776 રન તમામ બૅટ્સમેનમાં હાઈએસ્ટ હતા. તેને આયરલૅન્ડના પ્રવાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ નહોતું કરવા મળ્યું અને ઇંગ્લૅન્ડમાં તેણે કરીઅર શરૂ કરી, પરંતુ સારું નહોતો રમી શક્યો. જોકે, ઝિમ્બાબ્વેના પ્રવાસમાં તે ખૂબ જ સફળ થયો હતો. તેણે હાઈએસ્ટ 151 રનની મદદથી ભારતને 3-0થી સીરિઝ જીતાડી હતી અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર તેણે જીતી લીધો હતો.

નીલ પટેલ (Neel Patel) ઑસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ રમીને તેમ જ સ્પિન બોલિંગથી વિકેટો લઈને છવાઈ ગયો છે. હાલમાં નીલ પટેલ ઑસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ અન્ડર-19 ખેલાડીઓમાં ગણાય છે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના મતે ભારતની ટર્નિંગ પિચો પર વિદેશી ખેલાડીની સૌથી આખરી કસોટી થતી હોય છે અને નીલ પટેલ એમાં સફળ થશે.

આગામી 13મી સપ્ટેમ્બરથી 9મી ઑક્ટોબર દરમ્યાન ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમની ઇન્ડિયા અન્ડર-19 ટીમ સામે ત્રણ વન-ડે અને ચાર દિવસવાળી બે બિન સત્તાવાર ટેસ્ટ મૅચ રમાશે.

બંને દેશની અન્ડર-19 ટીમ વચ્ચેની મૅચો રાજકોટ અને અમદાવાદમાં રમાશે.