- પ્રફુલ શાહ
આપણી આસપાસ સદીઓથી અનોખા જીવ હયાત છે, પણ આપણે તેમનાથી લગભગ સાવ અજાણ છીએ. આકાશ, જંગલ અને પાણીના અનેક અકલપ્ય જીવ-જંતુ-પંખીનો પરિચય જ મળ્યો નથી. આજે દરિયાની અંદર અને બહાર કમાલ બતાવતા પંખી પર ફોકસ કરીએ.
આ પંખીનું ઓરિજિનલ નામ કે ઓળખ એટલાન્ટિક પફિન છે અને વૈજ્ઞાનિક નામકરણ Fratercula arctica છે.
ભારતીય મૂળના ન હોવાથી આ પંખીનું ગુજરાતીમાં ચોક્કસ નામ નથી, પણ સમુદ્રી પંખીના વર્ગમાં દરિયાઈ પોપટ તરીકે ઓળખાય ને એમ જ હિન્દીમાં કહેવાય સમુદ્રી તોતા.
આ અદ્ભુત એટલાન્ટિક પફિન ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ઠંડા વિસ્તારોમાં જોવા મળતું એકદમ સુંદર સમુદ્રી પક્ષી છે. રંગબેરંગી ચાંચ, કાળી-સફેદ પાંખો અને રમૂજી દેખાવને કારણે ઘણી વાર તેને ‘સી પેરોટ’ અર્થાત્ સમુદ્રી પોપટ પણ કહેવામાં આવે છે.
જમીન પર થોડું અણઘડ દેખાતું આ પક્ષી હવામાં ખૂબ ઝડપથી ઉડે છે. એટલાન્ટિક પફિન ઉત્તમ તરવૈયું અને ડૂબકી મારનારુંં પક્ષી છે. પાણીની અંદર પણ પાંખોથી તરતું રહે છે! પફિન એક મિનિટમાં લગભગ 400 વખત પાંખ ફફડાવી શકે છે. તે છેક 60 મીટર સુધી પાણીની અંદર ડૂબકી મારી શકે છે.
જીવનનો મોટો ભાગ તે દરિયામાં જ વિતાવે છે.
લગભગ 25-30 સેમીનું કદ અને 300થી 500 ગ્રામ આસપાસ વજન ધરાવતા આ પંખીનું સરેરાશ આયુષ્ય 20 વર્ષ છે. પફિનની વિશેષતા એ છે કે સૌથી ખાસ ઓળખ તેની ચટક રંગો (ચટક રંગ એટલે ખૂબ જ તેજસ્વી, ઘેરા, આકર્ષક અને ઘાટા રંગ)ની મોટી ચાંચ છે. એમાંય પ્રજનન ઋતુ દરમિયાન તો ચાંચ વધુ તેજસ્વી નારંગી, પીળી અને વાદળી દેખાય છે, પણ શિયાળામાં ચાંચનો રંગ થોડો ફીકો પડી જાય છે. પફિન મુખ્યત્વે નાની માછલી અને નાના સમુદ્રી જીવ ખાય છે. તે ચાંચમાં એકસાથે ઘણી માછલીઓ પકડી શકે છે. તે ખડકાળ ટાપુઓ અથવા જમીનમાં બનાવેલા બોરોમાં માળો બનાવે છે. પફિન દર વર્ષે બહુધા માત્ર એક જ ઈંડું મૂકે છે. તેઓ ખડકીલા કિનારાઓ પર દરમાં માળા જેવું ઘર બનાવે છે. આ જમાતમાં માતા અને પિતાનો ઉછેર કરે છે. પ્રજનન ઋતુ સિવાય તેઓ વર્ષના આઠ મહિના જમીનથી દૂર સમુદ્ર પર તરતાં પસાર કરે છે.
દરિયાના જોકર તરીકે પણ ઓળખવામાં આવતા એટલાન્ટિક પફિનની વિશ્વમાં સૌથી વધુ વસ્તી આઇસલૅન્ડમાં છે. આ ઉપરાંત બ્રિટન, કૅનેડા, નૉર્વે અને ગ્રીનલૅન્ડ સમુદ્રી કિનારા અને ટાપુઓમાં પણ હોય છે. ટૂંકમાં, તેમની 90%થી વધુ વસ્તી યુરોપમાં છે.
જોકે હવામાનમાં ફેરફાર, દરિયાઈ પ્રદૂષણ અને ખોરાકની અછતને કારણે અમુક સ્થળે-જગ્યાએ પફિનની સંખ્યા ઘટવા માંડી છે. આથી કેટલાઠ દેશોમાં તેને બચાવવા માટે વિશેષા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.