હાસ્ય વિનોદ- વિનોદ ભટ્ટ
જ્યોતિષ એ એવું શાસ્ર છે જે કેટલીક વાર તો જ્યોતિષીનેય આંખે અંધારા લાવી દે. ત્રીજી ફેબ્રુઆરી 2001ના રોજ ધરતીકંપનો ભારે આંચકો આવશે એવી છાપામાં આગાહી કરનાર ગાંધીનગરના એ જ્યોતિષીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે તેનું આ ભવિષ્યકથન તેને માટે જેલયોગ ઊભો કરશે. કહેવાય છે કે જ્યોતિષીઓ દૂરનું જોઈ શકે છે એટલી સરળતાથી નજીકનું જોઈ શકતા નથી. આ જ્યોતિષીને જાણ નહોતી કે તેના સંસારમાં 7.9ની તીવ્રતાવાળો ધરતીકંપનો આંચકો આવશે, તેની પત્ની અન્ય સાથે નાસી જશે. દક્ષિણા નહીં મળતી હોવાથી જ્યોતિષીઓ મોટા ભાગે પોતાનું અંગત ભવિષ્ય જોવાનું ટાળે છે ને તે જોવાનું થાય તો પણ ઉપલકિયું જુએ છે, તેમાં ઊંડા ઊતરતા નથી. ઉ. ત. જેની પત્ની બીજા જોડે ભાગી ગઈ એ જ જ્યોતિષીને પોતાની કુંડળીના અભ્યાસમાંથી એટલું જ જાણવા મળ્યું હોવાની શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં સંસારમાં નહીં કલ્પેલું સુખ મળશે એક સર્વે પ્રમાણે જ્યોતિષીઓ દ્વારા જે ભવિષ્ય ભાખવામાં આવે છે તેમાંની માત્ર છ ટકા આગાહીઓ જ સાચી પડે છે. બાકીની ચોરાણું ટકા ખોટી, સાવ ખોટી પડે છે.
આ હકીકતની ખબર હોવાથી મોગલ બાદશાહ ઔરંગઝેબે ભવિષ્યકથન પર પ્રતિબંધ મૂકતો કડક કાયદો અમલમાં મૂક્યો હતો. જેના કારણમાં કહે છે કે શાહજહાં બીમાર પડતાં, ઔરંગઝેબના ભાઈ મુરાદબક્ષે, ગાદીએ બેસવા માટે અમદાવાદના પ્રખર જ્યોતિષીઓને બોલાવ્યા હતા. અમદાવાદમાં જ બેઠેલા મુરાદબક્ષને, 1657ના નવેમ્બરની 20મી તારીખે સૂર્યોદય બાદ ચાર કલાક ને ચોવીસ મિનિટે, ઉત્તમ મુહૂર્ત કાઢી આપીને - આવા ગ્રહોનો યોગ ઘણાં વરસે એકાદ વાર આવે છે એમ જણાવીને જ્યોતિષીઓએ આ મુહૂર્ત જલદીથી સાચવી લેવાની તાકીદ કરી હતી. આ ઉત્તમ મુહૂર્તમાં મુરાદ ઉતાવળે, ખાનગી ઓરડામાં, થોડા વિશ્ર્વાસુ માણસોની હાજરીમાં અને મિડિયાવાળાઓની ગેરહાજરીમાં ગાદીએ બેઠોને અમદાવાદમાં જાહેર દરબાર ભરી પાંચમી ડિસેમ્બરે તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ વખતે જ્યોતિષીઓએ એવી આગાહી કરી હતી કે અગાઉના તમામ બાદશાહો કરતાં રાજા મુરાદબક્ષ વધારે સુંદર ને ઉત્તમ પ્રકારનો રાજ્યવહીવટ કરશે, તેમ જ સફળ અને લોકપ્રિય રાજા લેખે ઈતિહાસમાં નામ કાઢશે... અને 1658ના જાન્યુઆરીની 19મી તારીખે મુરાદબક્ષને પકડવામાં આવ્યો ને ઔરંગઝેબે તેને રિબાવી રિબાવીને માર્યો. એ દિવસથી મુરાદબક્ષને જ નહીં, ઔરંગઝેબને પણ જ્યોતિષમાંથી શ્રદ્ધા ઊડી ગયેલી.
મુરાદબક્ષ જેવો જ કિસ્સો ભગવાન રામચંદ્રજીનો છે. અયોધ્યાના પંડિત જ્ઞાની એવા પ્રખર રાજ્ય જ્યોતિષીઓએ રામચંદ્રજીના રાજ્યાભિષેકનું ઉત્તમોત્તમ મુહૂર્ત કાઢી આપ્યું હતું. એક પણ જ્યોતિષીને કલ્પના પણ નહીં હોય કે આ રાજ્યાભિષેક-સમારંભ અનિવાર્ય કારણસર રદ થશે ને આપણે દક્ષિણા મેળવ્યા વગર, વીલા મોંએ ઘેર પાછા ફરવું પડશે! કદાચ એટલે જ, રાજા રામચંદ્રમાંથી દાખલો લઈને અત્યારના પૉલિટિશિયનો પહેલાં ખુરશી હસ્તગત કરી લે છે, ત્યારબાદ રાજ્યાભિષેક શપથવિધિ જેવી ફોર્માલિટી - ઔપચારિકતા અનુકૂળતાઓ ગોઠવે છે.
કદાચ આ જ કારણે કહેવાયું છે કે ગૉડ ઈસ ધ ઓન્લી એસ્ટ્રોલોજર - ફક્ત એક ઈશ્ર્વર જ જ્યોતિષી છે. પણ ઈશ્ર્વર માટે આપણે જો ‘દેવ’ શબ્દ વાપરીએ તો પાછો ગોટાળો ઊભો થાય. દમયંતીને વરવા માટે યમ, અગ્નિ, વરુણ અને ઇંદ્ર જેવા દેવો મેદાને પડ્યા હતા ને દમયંતી તો મનથી ને પછી તનથી નળને વરી ત્યારે દેવો તેમને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ, કોઈએ નહીં કહ્યું હોય કે પૃથ્વી પર જવાની મજૂરી કરવી રહેવા દો, તમારો ગજ દમયંતી પાસે નહીં વાગે, નાલેશી સાથે પીછેહઠ કરવી પડશે!
લગભગ પોણી સદી પૂર્વેની એક સત્યઘટના પ્રમાણે મુંબઈના એક પ્રતિષ્ઠિત રાજજ્યોતિષી હતા. રાજા-મહારાજાઓનાં જ ભવિષ્ય જોતાં, કેમ કે સાધારણ માણસોને તો ભવિષ્ય જ ક્યાં હોય છે! ભવિષ્ય કહી આપવા સામે શાહી દક્ષિણા લેતા. રાજરજવાડાંઓમાં તેમની ભારે બોલબાલા હતી.
એક દિવસ રાજસ્થાનના કોઈ મહારાજા તરફથી કહેણ આવ્યું કે રાજાસાહેબ આપને પોતાની ગ્રહદશા બતાવવા ઈચ્છે છે તો આપ મારતી ટ્રેને આવી પહોંચો.
રાજજ્યોતિષી તો રેલવે ટ્રેનના પ્રથમ વર્ગમાં બેસી ઠાઠથી રાજસ્થાનનાં ભૈરવગઢ સ્ટેશને ઊતર્યા ને તેમને તેડવા કોણ આવ્યું છે એ જોવા પ્લેટફોર્મ પર પગ મૂક્યો ત્યાં સામે રાજ્યનો પોલીસ અધિકારી મહારાજાસાહેબના હુકમ સાથે ઊભો હતો: ‘ધરપકડ કરો’. સ્તબ્ધ થઈ ગયેલી જ્યોતિષીને હાથકડી પહેરાવી સીધા જેલમાં ધકેલી દેવાયા. ‘કશીક ભૂલ થાય છે, હું તો મહારાજાનો ટેલિગ્રાફ મળ્યો એટલે આવ્યો છું. મને તેમની સાથે મેળાપ તો કરાવો...’ જ્યોતિષીએ કાકલૂદીઓ કરી. પંડિતજીને સારો એવો મેથીપાક જમાડવામાં આવ્યો. તેમને ત્રણ ત્રણ મહિના સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યા. પૂરું ખાવાનું પણ ન આપે. એક સવારે મહારાજાસાહેબનો હુકમ લઈ મુનસફ હાજર થયો: ‘રાજજ્યોતિષી ફલાણા ફલાણાને છોડી મૂકો ને મારી સમક્ષ દરબારમાં હાજર કરો.’ ‘બદમાશો, હવે તમને બધાને ખબર પડી જશે કે તમે કેટલા મહાન જ્યોતિષીને પકડવાની ભૂલ કરી હતી.’ દરબારમાં મહારાજાએ હસતાં હસતાં જ્યોતિષી મહારાજનું સ્વાગત કર્યું, એટલે પંડિતજીએ તો ગર્જના કરી: ‘મહારાજાસાહેબ, આપના આ માણસો સાવ ગધેડા છે, ગધેડા. ત્રણ મહિના સુધી મને કારાગારમાં ખોસી ઘાલ્યો. મારું કોઈ સાંભળે જ નહીં. આ લોકોને છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય એવી કડક સજા કરો.’ જ્યોતિષીને શાંત પાડતાં મહારાજાએ જણાવ્યું: ‘જ્યોતિષીવર્ય, શાંત થાઓ અને અમને ક્ષમા કરો, કેમ કે, આપનેય અમે હવે ક્ષમા જ કરી દઈએ છીએ.’ મહારાજાની મર્મવાણી સમજાઈ નહીં એટલે રાજજ્યોતિષાચાર્યે સ્હેજ ક્રોધથી પૂછયું ‘રાજરાજેન્દ્ર, કંઈક સમજાય એવું તો વદો!’ ઉત્તરમાં મહારાજા બોલ્યા: ‘જ્યોતિષીવર્ય’ આપે મુંબઈથી પ્રસ્થાન કર્યું ને ટ્રેનમાં બેઠા ત્યારે શુભ મુહૂર્ત જોયું જ નહોતું? આપની કુંડળી દ્વારા આપ જાણી શકેલા નહીં કે આપને ત્રણ માસનો કારાગારયોગ છે! આપ જો આપનું ભવિષ્ય જાણી શકતા નથી તો અમારું ભવિષ્ય શું ભાખવાના! આપ ચૂપચાપ મુંબઈની વાટ પકડો, એમાં જ આપનું હિત છે...’
લગભગ સાતેક વર્ષ અગાઉની આ પણ એક સત્ય ઘટના છે. રાજકોટ જતાં રસ્તામાં લીમડીની એક હોટેલમાં બેસીને અમે નાસ્તો કરતાં હતા. ત્યાં એક ઓળખીતા જ્યોતિષી મળ્યા. અમે તેને પૂછયું: ‘અહીં ક્યાંથી?’ તેમણે ઉત્તરમાં જણાવ્યું: ‘અમે પિસ્તાળીસ જ્યોતિષીઓ એસ્ટ્રોલોજર્સ કૉન્ફરન્સમાં જઈ રહ્યા છીએ. અહીં ગાડી બગડી એટલે બધા ઊતરી ગયા. અમદાવાદથી બીજી બસ આવશે. તેમાં જઈશું. એ બસની વાટ જોઈ રહ્યા છીએ.’
‘તો પિસ્તાળીસમાંના એક પણ જ્યોતિષીએ એવી આગાહી નહોતી કરી કે ‘બસ’ અધવચ્ચે જ ખોટવાઈ જશે ને કૉન્ફરન્સ સમયસર શરૂ નહીં થાય?’ અમે જાણવા માંગ્યું. પણ આવા અશ્રદ્ધાથી ભરેલા સવાલનો જવાબ આપ્યા વગર તે બાજુમાં ફંટાઈ ગયા.
પં. જવાહરલાલ નેહરુએ કહ્યું છે: ‘મૂર્ખાઓ જ સંકટ સમયે જ્યોતિષીઓની સલાહ માગવા દોડી જાય છે, જયારે શાણા માણસો પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાની જ વિવેકબુદ્ધિ અને મનોબળથી લાવવા મથે છે.’ પણ મુશ્કેલીએ છે કે ‘જ્યોતિષમાં હું લેશમાત્ર માનતો નથી.’ એમ કહેનાર આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ જેવા પણ પોતાની બંડીના ખિસ્સામાં પોતાની કુંડળી રાખતા. યશોધર મહેતાએ વર્ષો અગાઉ પોતાના કોઈ પુસ્તકમાં છાતી ઠોકીને એવી આગાહી કરી હતી કે તમે જોજો, એક દિવસ મોરારજીભાઈ દેસાઈ ભારતના વડા પ્રધાન થશે. કદાચ એ દિવસથી મોરારજીભાઈએ પોતાની કુંડળી કાયમ માટે સાથે રાખવાનો નિર્ધાર કર્યો હશે - યશોધરે કહેલો દિવસ ક્યારે આવશે એ જાણવા! શ્રીમતી ઈન્દિરા ગાંધીને શક્ય છે કે કોઈ ભવિષ્યવેત્તાએ કહ્યું પણ હશે કે મૅડમ, તમે પણ તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની પેઠે એક દિવસ વડા પ્રધાનની ખુરશી સેરવી લેશો. આ ઈન્દિરાજીને જ્યોતિષશાસ્રમાં અનહદ શ્રદ્ધા હતી. એવું તેમની નજીકના લોકો કહેતા. તેમના પિતાશ્રીએે ભલે કહ્યું હતું કે મૂર્ખાઓ જ સંકટ સમયે જ્યોતિષીઓની સલાહ માગવા દોડી જાય છે. પણ આ મૂર્ખાઈ કરવાનું મેડમને ગમતું ને એટલે તો કેટલીક વાર તે જ્યોતિષીઓ પાસે જવા સંકટો ઊભાં કરતાં, પેટ ચોળીને શૂળ ઊભું કરતાં. પણ એકેય જ્યોતિષીએ તેમને 31મી ઓક્ટોબરે નહોતું કહ્યું કે બહેન, આજે તમે બુલેટપ્રૂફ જાકીટ પહેરીને પણ ઘરની બહાર ન નીકળશો.
ફ્રેન્ચ નાટ્યકાર વૉલ્ટેર 32માં વર્ષે ગુજરી જશે એવી આગાહી એક પ્રખર જ્યોતિષીએ એ વખતે કરી હતી. પણ આ નાટ્યકાર પૂરાં 84 વર્ષ સુધી જીવ્યો હતો. અને 1995માં હું ગંભીર બીમારીમાં પટકાયો હતો ત્યારે મુંબઈના એક જ્યોતિષીએ ભાખ્યું હતું કે જાતકના બચવાના ચાન્સિસ માંડ બેથી ત્રણ ટકા છે, બાકી આ માંદગીમાંથી તે બચી જશે તો પણ ‘ગુડ ફોર નથિંગ’ જેવું જ સમજવું, હલનચલન કે શારીરિક કામ કરવાની ક્ષમતા ગુમાવી દેશે. એ માંદગીને આજે 7 વર્ષ થયાં, પણ ત્યારથી આજ દિન સુધી મારું માથુંય નથી દુખ્યું - હા, મારા કારણે બીજાઓનાં માથા દુખતાં હશે, પણ એ તેમનો પ્રશ્ર્ન છે.
આવું બધું હોવા છતાં એકલા ભારતમાં જ જ્યોતિષીઓની સંખ્યા છ લાખ કરતાંય વધારે છે. માત્ર સ્ત્રીઓનો જ હાથ પકડીને, તેમનું ભવિષ્ય કહેનાર જ્યોતિષીઓનો આમાં સમાવેશ થતો નથી. જે લોકો બીજા અનેક ધંધામાં નિષ્ફળ જાય છે તે આ જ્યોતિષીના ધંધામાં ખૂબ જ ફાવ્યા છે. છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને બદમાશીના અનેક ગુનાસર જેલ ભોગવી આવનાર એવા કેટલાય જણા આ ધંધાને લીધે તરી ગયા છે. આવા એક જ્યોતિષીને ઓળખું છું જેની પાસે જવા માટે આજે તેના સેક્રેટરી પાસે એપૉઈન્ટમેન્ટ લેવી પડે, તો જ તે મળી શકે. એટલે જ્યોતિષ એ સાચે જ કળા છે, માણસ બેવકૂફ બનાવવાની કળા. અહીંથી અમેરિકા કવિતા-વાચન માટે ગયેલા એક કવિએ ત્યાંથી પાછા ફર્યા બાદ અમને માહિતી આપી હતી કે ‘મને કવિતા વાંચવા કરતાં જ્યોતિષ જોવાની કમાણી વધારે થઈ.’ એ કવિની રસિક પ્રકૃતિ જોતાં મને લાગે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની હથેળી જોવાની ફી તેને વધારે મળી હશે. આમ પણ સ્ત્રીઓને પોતાનું ભવિષ્ય અને પતિનો વર્તમાન જાણવામાં ઘણો રસ હોય છે.
આ દેશમાંથી વરસે દહાડે 500 જેટલાં પંચાંગો અને 300થી વધારે જ્યોતિષ પરનાં મૅગેઝિનો પ્રગટ થાય છે. ઉપરાંત 1500 જેટલાં પુસ્તકોય પ્રગટ થાય છે. આ બધામાં કોઈક ઠેકાણે પેલી છ ટકામાંની બે-ત્રણ આગાહીઓ સાચી પડી જાય છે. હું કંઈ રૅશનાલિસ્ટ નથી કે નાસ્તિક પણ નથી, ઈશ્ર્વરથી ડરીને ચાલનારો છું. પણ એક જ્યોતિષી મિત્રે મને તેમના જ્યોતિષવિષયક જ્ઞાનથી એક વાર છક કરી નાખ્યો હતો. એક વખત એવું બન્યું કે મિનર્વાના સિંહ ગણાતા સોહરાબ મોદીએ એક પત્રકાર પરિષદ ભરી હતી જેમાં હું પણ, પત્રકાર નહીં હોવા છતાં, આમંત્રણ મળવાથી ગયો હતો. પોતાની ખરાબ ગ્રહદશાને કારણે સોહરાબ મોદી એક ગુજરાતી ફિલ્મ ઉતારવા માગતા હતા - ‘ગુજરાતનો નાથ’. કયા કલાકારને આ ફિલ્મનો નાયક-હીરો બનાવવો એ અંગે પત્રકારોની સલાહ માગવાની દુર્બુદ્ધિ તેમને સૂઝી હતી. મારી બાજુમાં એ જ્યોતિષીમિત્ર બેઠો હતો ને અમારી બિલકુલ સામે સોહરાબ મોદી બેઠા હતા. છરી-કાંટાથી કટલેસ કાપી મોંમાં મૂકતાં જ્યોતિષીમિત્ર સોહરાબ મોદી સામે જોતાં મારા કાનમાં ગણગણ્યો:
‘આ બકવાસ કરે છે...’
‘એટલે?’ મેં તેને પૂછયું.
‘આ ફિલ્મ તે બનાવી નહીં શકે, ફિલ્મ ઊતરતાં પહેલાં તે પોતે જ ઊતરી જશે.’ તે બોલ્યો.
‘જરા ધીરે બોલો, આપણે અત્યારે તેનું ધાન ખાઈ રહ્યા છીએ...’ મેં સ્હેજ સંકોચથી કહ્યું.
‘આ હું નથી બોલતો, તેની કુંડળી બોલે છે. મેં હમણાં જ તેની પ્રશ્ર્નકુંડળી મૂકી.’ તે બોલ્યો.
એ મિત્ર સાવ સાચો પડ્યો. સોહરાબ મોદી ‘ગુજરાતનો નાથ’ ઉતારતાં પહેલાં જ ગુજરી ગયા. પણ એ પહેલાં તો આ જ્યોતિષીમિત્ર પણ ગ્રહોની ચાલ સમજવા ઘણે દૂર ચાલી નીકળ્યો હતો. તે ગંભીરપણે બીમાર થઈ હૉસ્પિટલમાં દાખલ થયો ત્યારે હું તેની ખબર કાઢવા ગયો હતો અને તેણે છાતી ઠોકીને કહ્યું કે ડૉક્ટરો ગમે તે બકબક કરે, પણ મારું આયુષ્ય 72 વર્ષનું છે, હજી તો મને પચાસ પણ પૂરાં થયાં નથી, તું જોજે, 72 વર્ષ સુધી મને કશું જ થવાનું નથી અને આવું ભવિષ્ય ભાખ્યાના 72 કલાકમાં જ તે અવસાન પામેલો.
એમ તો રાજીવ ગાંધીના કિસ્સામાંય તેમના ગ્રહોએ જ્યોતિષીઓને થાપ ખવડાવી દીધી હતી. એક પ્રખર અખબારી જ્યોતિષીએ છાતી ઠોકીને એવી આગાહી કરી હતી કે રાજીવ ગાંધી ફરીવાર ભારતના વડા પ્રધાન બનશે. અને ધારો કે તે વડા પ્રધાન નહીં થઈ શકે તો વિરોધ પક્ષના શક્તિશાળી નેતા તો ચોક્કસ બનશે એમાં મીનમેખ નથી. આ તો બરાબર પેલા ફૂટપાથી જ્યોતિષ જેવું જ ભવિષ્યકથન છે. એક સજ્જનનો હાથ જોઈને ફૂટપાથ પર બેસતા એક જ્યોતિષીએ જણાવ્યું કે ટૂંક સમયમાં તમારી પત્નીનું અવસાન થશે. ‘પણ મહારાજ, મારી પત્નીને ગુજરી ગયે તો આજે સાત વર્ષ થઈ ગયા.’ એ ભાઈએ માહિતી આપી, એટલે સ્હેજ પણ ક્ષોભ પામ્યા વગર જ્યોતિષીએ નવી આગાહી કરી: ‘તો તમારી છત્રી ખોવાઈ જશે.’
પણ રાજીવ ગાંધીના અવસાન અંગે માત્ર બાબાજી નામના જ્યોતિષીએ તેમના અવસાનના ત્રણ મહિના પહેલાં સ્પષ્ટપણે ભાખ્યું હતું કે ધ સ્ટડી ઑફ ધિસ હોરોસ્કૉપ શોઝ ધેટ આફ્ટર ટ્વેન્ટીએથ ઑગસ્ટ નાઈનટીન નાઈન્ટી વન, ધ હોરોસ્કૉપ ઓફ રાજીવ ગાંધી વિલ કમ્પલિટલી સીલ્ડ! (આ કુંડળીનો અભ્યાસ સૂચવે છે કે 20મી ઑગસ્ટ 1991 પછી રાજીવ ગાંધીની કુંડળી સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે) - કેટલી સચોટ આગાહી!... રાજીવજીની કુંડળી જ નહીં, હાથની રેખાઓ પણ ધુમાડો બની હવામાં ઓગળી ગઈ. જોકે આ જ બાબાની સેંકડો આગાહીઓ તદ્દન ખોટી પડી છે, પણ એમાં બાબાનો કોઈ દોષ નથી. પેટનાં જણ્યાં જ કેટલીક વાર મા-બાપના કહ્યામાં નથી રહેતાં, તો પછી અવકાશી ગ્રહો બાબાના કહ્યા પ્રમાણે ન વર્તે એમાં બાબા બિચારા શું કરે?
હું જ્યોતિષી નથી તોય બોલો, એકસો ને એક ટકા સાચી પડે એવી એક આગાહી હું કરું? - જાવ, આ લેખ અહીં પૂરો થશે.