નાગોયા (જાપાન): એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (એમએમએ) નામની રમતમાં આ વખતે પહેલી જ વખત હરીફાઈ થઈ અને એમાં ભારતને સૌપ્રથમ મેડલ અપાવનાર સુચિકા તરિયાલ ચંદ્રક મેળવવા છતાં હતાશ હતી અને રડી પડી હતી. તે એટલી બધી નારાજ હતી કે તેણે સેમિ ફાઇનલ પછી સિંગાપોરની હરીફ સ્પર્ધક હુઇ હૂન ટેઓ સાથે હાથ મિલાવવાની પણ ના પાડી હતી.
Suchika distraught pic.twitter.com/cBpo4ij5s4
— Sports Fan (@SportsFanOLY) September 21, 2026
બન્ને હરીફે સેલિબ્રેશન શરૂ કરી દીધું!
36 વર્ષની સુચિકાએ વિમેન્સ ટ્રૅડિશનલ 60 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં ભાગ લીધો હતો. એ સેમિ ફાઇનલનું પરિણામ જે રીતે નક્કી કરવામાં આવ્યું એ સામે સુચિકા અને તેના કોચનો વિરોધ હતો. સેમિ (Semi)માં બન્ને સ્પર્ધકે એકમેક સામે એકસરખી ક્ષમતા અને કૌશલ્ય બતાવ્યા હતા. બેમાંથી કોણ વિજેતા એ નક્કી કરવાનું મુશ્કેલ હતું. રેગ્યુલર ટાઇમમાં રિઝલ્ટ નક્કી ન થતાં મુકાબલો ઓવરટાઇમમાં ગયો હતો જેમાં હુઇ હૂનના છેલ્લી ઘડીના આક્રમણને સુચિકા (Suchika)એ નિષ્ફળ બનાવ્યો હતો. મુકાબલો પૂરો થયેલો ઘોષિત કરવામાં આવ્યો ત્યારે બન્ને હરીફે પોતે જ વિજેતા છે એવું સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું.
રેફરીએ પહેલાં તો હુઇ હૂનને વિજેતા જાહેર કરવામાં આવી ત્યારે ભારતના કૅમ્પમાંથી વિરોધ શરૂ થઈ ગયો હતો. આ વિરોધને પગલે મુકાબલાને ડ્રૉ જાહેર કરવામાં આવ્યો હતો અને પછી જાહેરાત કરવામાં આવી હતી કે બન્ને સ્પર્ધકના વજનને આધારે પરિણામ નક્કી કરવામાં આવ્યું છે અને એમાં હુઇ હૂન સેમિ ફાઇનલની વિજેતા છે.
સુચિકાને વધુ વજન નડ્યું, ભારતના મેડલ થયા છ
સામાન્ય રીતે હરીફાઈના દિવસે વેઇ-ઇનમાં સ્પર્ધકોનું વજન માપવામાં આવે છે અને એ મુજબ સુચિકાનું વજન હુઇ હૂન કરતાં 700 ગ્રામ વધુ હતું એવો નિષ્કર્ષ જજની પૅનલે બતાવ્યો હતો. ઓછા વજનને આધારે હુઇ હૂનને વિજેતા ઘોષિત કરાતાં તે ફાઇનલમાં પહોંચી હતી અને સુચિકાએ બ્રૉન્ઝથી સંતોષ માની લેવો પડ્યો હતો. નિયમ મુજબ બેમાંથી જે સ્પર્ધકનું વજન ઓછું હોય તેને ફાયદો થાય છે. સુચિકાના બ્રૉન્ઝ વખતે આ વખતની એશિયન ગેમ્સમાં ભારતના ચંદ્રકોની સંખ્યા છ ઉપર પહોંચી હતી જેમાં નિશાનબાજોના ચાર સિલ્વર અને એક બ્રૉન્ઝનો પણ સમાવેશ હતો.
કોચ સુચિકાને શાંત પાડીને દૂર લઈ ગયા
જજની પૅનલે પરિણામની જાહેરાત કરી એટલે રેફરીએ વિજેતાનો પરંપરા મુજબ હાથ ઊંચો કરવા માટે બન્ને સ્પર્ધકને હરીફાઈના મંચ પર બોલાવી હતી. સુચિકા પહેલાં તો રેફરી પાસે નહોતી ગઈ, પણ કોચના સમજાવવાથી ગઈ હતી. રેફરીએ હુઇ હૂનનો હાથ ઊંચો કરીને તેને વિજેતા જાહેર કરતાં જ સુચિકા મૅટ પર ઘૂંટણિયે બેસીને ખૂબ રડવા લાગી હતી. હુઇ હૂન જ્યારે હાથ મિલાવવા તેની પાસે આવી ત્યારે તેણે ના પાડી દીધી હતી. છેવટે સુચિકા પાસે એક કોચ આવી પહોંચ્યા હતા અને તેને શાંત પાડવાનો પ્રવાસ કરીને સ્પર્ધાના સ્થળેથી દૂર લઈ ગયા હતા.