આઈચી-નાગોયા, ટોક્યોઃ એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન સતત જારી છે. પ્રથમ દિવસે બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા બાદ, સોમવારે રમતના બીજા દિવસે પણ ભારતીય એથ્લેટ્સ મેડલ જીતવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યા છે. દેશ માટે સોમવારનો દિવસ રમતગમતના ક્ષેત્રે ખૂબ જ ખાસ રહ્યો છે, જેમાં શૂટિંગથી લઈને માર્શલ આર્ટ્સ અને ટેબલ ટેનિસ સુધી ભારતે શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે
10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં સિલ્વર પર ભારતનો કબ્જો
શૂટિંગ ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પર પોતાના નામે કર્યો છે. ભારતીય નિશાનેબાજ રૂદ્રાંક્ષ પાટિલ અને હિમાંશુ ઢિલ્લોને અદ્ભુત નિશાનેબાજી કરી હતી, જ્યારે પાર્થ માણેના મહત્વપૂર્ણ યોગદાનથી ભારતે આ સિદ્ધિ મેળવી હતી. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચીને જીત્યો હતો, જ્યારે સાઉથ કોરિયાના ફાળે બ્રોન્ઝ મેડલ આવ્યો હતો.
પાકિસ્તાનને 3-0થી હરાવી ટેબલ ટેનિસ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં
ટેબલ ટેનિસ કોર્ટ પરથી પણ ભારત માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પાકિસ્તાનને ૩-૦થી માત આપીને એકતરફી જીત મેળવી છે. સ્ટાર ખેલાડી શ્રીજા અકુલાએ પાકિસ્તાનની ફાતિમા ખાનને સીધા સેટોમાં 11-4, 11-4 અને 11-5થી ધૂળ ચાટતી કરી દીધી હતી. આ ધમાકેદાર વિજય સાથે ભારતીય ટીમે ગ્રુપ Fમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.
સુચિકા તરીયાલ મેડલ પક્કો કર્યા બાદ ગોલ્ડની રેસમાં
મિક્સ માર્શલ આર્ટ્સ (MMA)માં ભારતીય મહિલા ખેલાડી સુચિકા તરીયાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલોગ્રામ કેટેગરીમાં સેમિફાઇનલમાં પહોંચવાની સાથે જ સુચિકાએ ભારત માટે ઓછામાં ઓછો એક મેડલ પાકો કરી લીધો છે. હવે સેમિફાઇનલ મુકાબલામાં તેમનો સામનો સિંગાપોરની તેઓ હુઈ હૂન સામે થશે. સુચિકા આ મુકાબલો જીતીને ફાઇનલમાં પ્રવેશ કરવા અને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા માટે પૂરી તાકાત લગાવશે.