- આશુ પટેલ
એક ‘ફેસબુક’ ફ્રેન્ડ વિરુદ્ધ એક પરિચિત માણસે પોસ્ટ મૂકી. પેલો ‘ફેસબુક ફ્રેન્ડ’ પોતાની રાજકીય વિચારસરણીથી વિભિન્ન વિચારસરણી ધરાવતા હોવાથી એને વાંધો પડ્યો હતો. તેની વિરુદ્ધની પોસ્ટ પર પરિચિત માણસના સમર્થકો પણ તૂટી પડ્યા. ‘ફેસબુક ફ્રેન્ડ’ને ભયંકર ગુસ્સો આવી ગયો. તેણે ‘ફેસબુક’ પર તે પરિચિતને આકરો જવાબ આપવા માટે પોસ્ટ મૂકી એટલે સોશ્યલ મીડિયા પર વિવાદ વધ્યો ને ખાટસવાદિયાઓને મજા પડી ગઈ. પછી તો તે બન્ને પક્ષવાળા શબ્દરૂપી શસ્ત્રો લઈને સોશ્યલ મીડિયાના મેદાનમાં ઊતરી પડ્યા. એમાં વળી ‘ફેસબુક ફ્રેન્ડ’ના પરિચિતના મિત્રએ કમેન્ટ કરી કે તેને મારો નંબર આપી દો. આમ પણ અમે રાત પડે એટલે મારામારી કરવા માટે કોઈને શોધતા જ હોઈએ છીએ!’
તે ‘ફેસબુક ફ્રેન્ડે’ મને કૉેેલ કર્યો કે ‘મને સોશ્યલ મીડિયા પર મારવા માટે ધમકીઓ મળી રહી છે એટલે તમારા જેવા માણસોએ મને મદદ કરવી જોઈએ.’
મને નવાઈ લાગી : ‘આમાં હું તમારી મદદ કઈ રીતે કરી શકું?’
‘તમારે આવા માણસો વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર લખીને મને સમર્થન આપવું જોઈએ.’
મેં તેને કહ્યું : ‘હું આવા વિતંડાવાદમાં નથી પડતો. કેટલાક માણસો કોઈ કારણ વિના મારા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર લખતા હોય છે. ઘણાને એ મુદ્દેય પણ વાંધો પડતો હોય છે કે ‘તમે તમારી કૉલમમાં ફલાણા વિષયને બદલે આ વિષય પર કેમ લખ્યું?’ હું આવા માણસોને ય ક્યારેય જવાબ આપતો નથી.’
તેણે કહ્યું કે ‘પણ મારો કિસ્સો તો અલગ છે. તમે મારી જગ્યાએ હો તો ખબર પડે! મને એટલો માનસિક સંતાપ થઈ રહ્યો છે અને મારા મનમાં આક્રોશ જાગી રહ્યો છે કે હું શબ્દોમાં કહી શકતો નથી. આ માણસ મારી વિરુદ્ધ આટલું લખી રહ્યો છે. મેં તેનું કશું બગાડ્યું નથી છતાં તે વિકૃતિની હદ સુધી જઈને મારા વિરુદ્ધ પોસ્ટ મૂકી રહ્યો છે. હું કોઈ રાજકીય પક્ષને સમર્થન આપું છું તો નાગરિક તરીકે એ મારો અધિકાર છે. મેં તેને ક્યારેય કહ્યું નથી કે ‘તું મને ગમે છે એ રાજકીય પક્ષને સમર્થન આપ’ અથવા તો ‘તું શું કામ બીજા પક્ષને સમર્થન આપે છે?’ પરંતુ તે મારા વિરુદ્ધ અત્યંત હીન કક્ષાની પોસ્ટ મૂકે છે. .. હવે તે મને ક્ષોભજનક હાલતમાં મૂકવા માટે એ રીતે પાછળ પડ્યો છે કે જાણે મેં કોઈનું ખૂન કરી નાખ્યું હોય કે કોઈક જઘન્ય અપરાધ કરી નાખ્યો હોય! તે અને તેની ટોળકીના માણસોય મારી પાછળ પડી ગયા છે.’
પછી તેણે અચાનક ઉશ્કેરાઈને કહ્યું, ‘તે હવે મને જ્યારે સામે મળે એટલી વાર છે. હું તેને મારીમારીને અધમૂઓ કરી નાખીશ. પછી ભલે મારે જેલમાં જવું પડે.’
તેનો આક્રોશ સાંભળીને મેં કહ્યું કે ‘આપણે જ્યારે કોઈના વર્તનથી ઉશ્કેરાઈને હદ બહારનો ગુસ્સો કરી બેસીએ ત્યારે તે માણસના ગુલામ બની જતા હોઈએ છીએ. તમારી પાછળ પડેલા માણસને એટલું જ જોઈતું હોય છે. તે તમને વધુ ખરાબ ચીતરશે કે ‘જુઓ, મેં તો આ માણસ સામે શબ્દોથી મારો ગુસ્સો ઠાલવ્યો હતો, પણ તેણે તો મારા પર શારીરિક હુમલો કરી દીધો!’ ભૂંડ તમારા પર કીચડ ઉછાળે અને તમે ઉશ્કેરાઈને એની સાથે લડવા જાવ તો તમારે ગટરમાં ઊતરવું પડે. એના કરતાં બહેતર છે કે આવા દુષ્ટ અને માનસિક રીતે વિકૃત લોકોને કોઈ જવાબ જ ન આપવો. તમે તેને જવાબ આપશો તો તેને વધુ શક્તિશાળી બનાવશો.’
એ પછી મેં તેને ઓશોની એક વાત કહી :
ઓશો કહી ગયા છે કે ‘મનુષ્યનું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે તેને કોઈ ઉશ્કેરે તો તે તરત પ્રતિક્રિયા આપે છે. કોઈએ તમને એક શબ્દ કહ્યો અને તમે આગ બની ગયા! કોઈને તમારું અપમાન કર્યું અને તમે તૂટી પડ્યા. તમારો ગુસ્સો, તમારો અવાજ, તમારો આ અહંકાર એ જ ક્ષણે બહાર આવી જાય છે, પણ એક વાત યાદ રાખજો કે જેને ઉશ્કેરીને નિયંત્રિત કરી શકાય એવા માણસો ક્યારેય સ્વતંત્ર નથી બની શકતા. તમારો ગુસ્સો તમારી કમજોરી છે. તમારું મૌન તમારી શક્તિ છે. જ્યારે દુનિયા તમને ચેલેન્જ કરે, તમને દુ:ખ પહોંચાડવાની કોશિશ કરે, તમને ભડકાવે તો તરત પ્રતિક્રિયા ન આપો. ઊભા રહો- મૌન થઈ જાઓ. મૌનનો મતલબ દબાવું એવો નથી, મૌનનો મતલબ જોવાનો છે. કોઈ તમને ઉશ્કેરે કે તમારુંં અપમાન કરે ત્યારે કશી પણ પ્રતિક્રિયા આપ્યા વિના તમે ચિત્ત સ્વસ્થ રાખીને જુઓ.’
કોઈ વ્યક્તિ કે સ્થિતિ આપણને નુકસાન પહોંચાડી શકે એનાથી વધુ આપણો ક્રોધ જ આપણા માટે વધુ જોખમી સાબિત થતો હોય છે. એનાથી વિપરીત રીતે આપણે પ્રતિક્રિયા ન આપીએ, ગુસ્સો ન કરીએ તો સામેવાળાનું શસ્ત્ર બુઠ્ઠું બની જતું હોય છે. આપણને ઉશ્કેરીને ગુસ્સો કરવા મજબૂર કરતાં માણસોને આપણે આપણા મનના માલિક બનવાનો અધિકાર આપી બેસવાની ભૂલ કરી બેસીએ છીએ ,જે આગળ જતા આપણા માટે જ નુકસાનકારક સાબિત થાય છે...