Sun Mar 08 2026

Logo

શરત સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો...

6 days ago
Author: Mumbaisamachar Team
Article Image

 

સુખનો  પાસવર્ડ - આશુ પટેલ

‘હું મારા ભત્રીજાના લગ્નમાં જઈશ તો મારી બહેન મારી સાથે બોલવાનું બંધ કરી દેશે અને મારી સાથે જિંદગીભર માટે સંબંધ તોડી નાખશે અને હું ભત્રીજાના લગ્નમાં નહીં જાઉં તો મારા ભાઈ સાથે મારો સંબંધ બગડી જશે.’ એક યુવતીએ થોડા સમય અગાઉ રડતાં-રડતાં મને કહ્યું.

 મેં તેને કહ્યું, ‘તારે તારા ભત્રીજાના લગ્નમાં જવું હોય તો એ નિર્ણય તારે તારી ઇચ્છા પ્રમાણે કરવો જોઈએ. તારી બહેનને ન ગમે એટલે તારે તારા ભાઈના દીકરાના લગ્નમાં જવાનું શા માટે ટાળવું જોઈએ?’

પેલી યુવતીએ કહ્યું, ‘મારી બહેન અને મારા ભાઈ વચ્ચે ઘણા વર્ષોથી અબોલા છે અને મારી બહેને મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તું નક્કી કરી લે કે તારે મારી સાથે સંબંધ રાખવો છે કે ભાઈ સાથે? તેણે એવી ધમકી આપી છે કે ‘તારે ભાઈના દીકરાના લગ્નમાં જવું હોય તો મને વાંધો નથી, પણ પછી મને ભૂલી જજે...’ હવે હું ભયંકર મૂંઝવણમાં મુકાઈ ગઈ છું. શું કરું એ મને સમજાતું નથી.’ એટલું કહીને તે ફરી રડવા માંડી.

મેં તેને કહ્યું, ‘આમાં મૂંઝવણની કોઈ વાત જ નથી. તારી બહેન સદંતર ખોટી છે. તારે તારા ભાઈના દીકરાના લગ્નમાં જવું કે ન જવું એનો નિર્ણય તારી બહેન કઈ રીતે કરી શકે? માની લો કે તું તારા ભાઈ સાથે ન બોલતી હોત અને તારી બહેનને તારા ભાઈના દીકરાના લગ્નમાં જવું હોત તો તેં તેને ના પાડી હોત? તું એવું કરત તો હું કહેત કે ‘તું ખોટી છે.’ એમ અત્યારે આ મુદ્દે તારી બહેન સંપૂર્ણપણે ખોટી છે. એ તને ઈમોશનલી બ્લેકમેલ કરી રહી છે એટલે તારે એ બ્લેકમેલિંગને વશ ન થવું જોઈએ.’

 તે યુવતીએ કહ્યું. ‘આ વાત તમે કહો છો એટલી મારા માટે સરળ નથી. જે બહેનની સાથે હું હસતાં-રમતાં મોટી થઈ તે બહેનમારી સાથે સંબંધ તોડી નાખે તો મારા પર જે વીતશે એ તમને નહીં સમજાય.’

મેં તેને કહ્યું, ‘તો તારી બહેને પણ આ વાત સમજવી જોઈએ કે જેની સાથે હું હસતાંરમતાં મોટી થઈ એ બહેનને મારા અહંકારને કારણે હું મુશ્કેલીમાં મૂકી રહી છું!’

જોકે, તે યુવતી એક જ વાતનું રટણ કરતી રહી કે ‘મારી બહેન સાથે સંબંધ તોડવાની હું કલ્પના પણ કરી શકતી નથી. હું રાતે ઊંઘી નથી શકતી.’

છેવટે તે યુવતીએ તેની બહેન સાથે સંબંધ જાળવી રાખવા માટે સગા ભાઈના દીકરાના લગ્નમાં જવાનું ટાળ્યું. એ ભાઈની સાથે પણ તે બાળપણથી રમીને મોટી થઈ હતી! અને વળી તેની બહેને તેના ભાઈ સાથે જે મુદ્દે સંબંધ તોડ્યો હતો એમાં તે ખોટી હતી!

આપણા સમાજમાં આવી સંખ્યાબંધ ઘટનાઓ બનતી રહે છે. ઘણી વ્યક્તિઓ લાગણી નામના શસ્ત્રનો ઉપયોગ નજીકની વ્યક્તિને બ્લેકમેલ કરવા માટે કરે છે અને લાગણીશીલ વ્યક્તિઓ બ્લેકમેલ થતી રહે છે.

કુટુંબના સભ્યો અથવા અંગત મિત્રો કે પાડોશીઓ વચ્ચે આપસમાં ઝઘડો થાય ત્યારે એ બધા નફ્ફટાઈપૂર્વક કહી દેતા હોય છે કે ‘તારે ફલાણી વ્યક્તિ સાથે સંબંધ રાખવો હોય તો હું તારી સાથે સંબંધ તોડી નાખીશ.’ એવી વ્યક્તિઓ સાથે સંબંધ શા માટે રાખવો જ જોઈએ કે જે જાહેરાતોમાં આવતી પેલી ખતરનાક ફૂદડીઓ જેવી (જેની બાજુમાં લખ્યું હોય: કન્ડિશન્ડ અપ્લાય) શરતો સાથે સંબંધો રાખતા હોય અને સંબંધોમાં પરીક્ષા લેતા હોય? જે સંબંધમાં કોઈ એક વ્યક્તિ પરીક્ષા લેતી રહેતી હોય અને બીજી વ્યક્તિએ સતત ખુલાસાઓ આપવા પડતા હોય એવા સંબંધ પર વહેલી તકે પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.

હવે તો સોશ્યલ મીડિયા પર પણ આ નફ્ફટાઈ, વિકૃતિ વધી રહી છે. સોશ્યલ મીડિયા પર કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય એ પછી મોટેભાગે એમાંથી એક વ્યક્તિ (અને ક્યારેક તો તે બંને વ્યક્તિઓ) ‘વોચ’ રાખતી હોય છે કે મારી કોઈ નજીકની વ્યક્તિ કે મારા મિત્રએ મારો જેની સાથે ઝઘડો થયો છે એની પોસ્ટસને લાઇક નથી કરી ને? અને જો કોઈએ લાઇક કમેન્ટ કરી હોય તો તો જાણે આભ ફાટી પડ્યું હોય, ધરતી રસાતાળ થઈ ગઈ હોય, મહેરામણે માઝા મૂકી દીધી હોય કે સૂરજ પશ્ર્ચિમમાં ઊગ્યો હોય એવી પ્રતિક્રિયા એ ઝઘડાખોર વ્યક્તિ તરફથી આવી જાય! એ પોતાનો જેની સાથે ઝઘડો થયો હોય એવી વ્યક્તિની પોસ્ટસ લાઈક કરવા માટે તે લાઈક કરનાર મિત્રો કે સગાંવહાલાં સાથે ઝઘડો કરે અને કહે કે ‘જો તું હવે તેની પોસ્ટ લાઈક કરીશ તો આપણા સંબંધ પૂરા થઈ ગયા એમ સમજી લેજે!’

આવું કહે એવી વ્યક્તિ સાથેના સંબંધો પર એ જ ક્ષણે પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. કારણ કે સંબંધો શરતોને આધીન ન હોવા જોઈએ.

જે સંબંધોમાં કોઈ એક વ્યક્તિ સતત પરીક્ષા લેતી રહેતી હોય એ સંબંધ તંદુરસ્ત સંબંધ ન હોઈ શકે. ઝઘડાખોર વ્યક્તિઓ ઝઘડાઓ માટે કારણો શોધતી હોય છે અને પોતે ઝઘડો કરે એ વ્યક્તિ સાથે બીજાઓએ પણ નહીં બોલવાનું ફરમાન જાહેર કરે તો એ વિકૃત માનસિકતા ગણાય. અને આપણા સમાજમાં આવી વિકૃતિ વધી રહી છે.

આપણે કોની સાથે સંબંધ રાખવો એ આપણે નક્કી કરવું જોઈએ. એ માટે કોઈ વ્યક્તિ આપણને ફરજ ન પાડી શકે. અને એવી ફરજ પાડનારી વ્યક્તિઓથી દૂર થઈ જવું જોઈએ. હા, કોઈ વ્યક્તિ આપણું હિત ઈચ્છતી હોય અને કોઈ એવી વ્યક્તિ સાથે સંબંધ રાખતા અટકાવવા ઈચ્છતી હોય કે જે કશુંક ગેરકાનૂની કૃત્ય કરતી હોય, દેશને નુકસાન પહોંચે, સમાજને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ કરતી હોય એ વિષે તેને ખબર હોય અને આપણું હિત ન જોખમાય એ માટે તે આપણને કહે કે ‘આ વ્યક્તિ સાથે સંબંધ ન રાખશો’ તો જુદી વાત છે, પરંતુ માત્ર પોતાના અહમને કારણે, પોતાના કોઈ સાથેના ઝઘડાને કારણે આપણને ગમતી વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખવા ફરજ પાડે તો એ ખોટું છે. કોઈ વ્યક્તિ આવી ધૃષ્ટતા કરે તો તેને આપણી સાથે સંબંધ રાખવા માટે નાલાયક ગણીને તેને આપણા જીવનમાંથી તગેડી મૂકવી જોઈએ.