અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના મોત થયા હતા. જેનો આજે FSL રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતાં મામલો વધુ પેચીદો થયો છે. જોકે હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરશે. ઘટનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ તારણ ન નીકળતા પોલીસની તપાસ પર પણ સવાલ ઉભા થયા છે.
ઢોસા ખાધા બાદ માતા-પિતાની તબિયત પણ ખરાબ થઈ હતી. બંનેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ એક પછી એક તેમને પોલીસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, અહીં તેમણે ઢોસાનું ખીરું ખરાબ હોવાનું જ રટણ કર્યું હતું. વિમલ પ્રજાપતિએ એમ પણ જણાવ્યું હતું કે અમે દીકરીઓ સાથે ઘરમાં કોઈ ભેદભાવ ન હતો રાખ્યો અને તેમની પૂરતી દેખભાળ કરતા હતા. મારા માતા-પિતા પણ તેમનું ધ્યાન રાખતા હતા. આ ઘટના બાદ મારા માતા અને પત્ની શોકમાં છે.
મૃત દીકરીઓની માતા ભાવનાબેન પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે તેમની પૂછપરછ કરી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં માતાની પૂછપરછ થઈ હતી, પરંતુ તેણે પણ પતિની જેમ બજારમાંથી લીધેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ તબિયત બગડી હોવાનું રટણ જ કર્યું હતું.
શું છે મામલો
ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિએ 1 એપ્રિલના રોજ સ્થાનિક ડેરીમાંથી ઢોસા બનાવવાનું ખીરું ખરીદ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક ખરાબ થઈ હતી. જેમાં દંપતીની બે પુત્રીઓના મોત થયા હતા. યુવકના પિતાએ જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ડેરી માલિકે જણાવ્યું કે, અમે આ પરિવાર સિવાય અન્ય અમારા ગ્રાહકોને ખીરું આપ્યું હતું. અમે રોજનું 120 કિલો જેટલું ખીરું વેચીએ છીએ. જે પરિવારને ખીરું આપ્યું હતું એ જ લોટમાંથી અમે બીજાને પણ આપ્યું હતું. બીજા ગ્રાહકોને કોઈ તકલીફ નથી થઈ. આ ઉપરાતં માલિકે કહ્યું કે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે.