Sat Apr 18 2026

Logo

કચ્છમાં અખાત્રીજના પર્વે બાળલગ્ન અટકાવવા વહીવટી તંત્ર સજ્જ: ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

2026-04-18 14:26:20
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: તા. ૧૯ એપ્રિલના રોજ અક્ષયતૃતિયા (અખાત્રીજ)ના સપરમા દિવસે વણજોયા મુહૂર્ત પર મોટા પાયે લગ્ન પ્રસંગો યોજાતા હોય છે, ત્યારે આ પર્વે કચ્છમાં બાળલગ્નોની દુષિત પ્રથા અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે કે જો જિલ્લામાં ક્યાંય પણ બાળલગ્ન થતા હોવાનું જણાશે તો તેમાં સામેલ તમામ પક્ષો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમની જોગવાઈઓ મુજબ ૨૧ વર્ષથી ઓછી વયનો યુવક અને ૧૮ વર્ષથી ઓછી વયની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે તેમાં કોઈ પણ પ્રકારે મદદગારી કરવી એ ગંભીર અપરાધ છે. આ કાયદા હેઠળ ગુનેગારને બે વર્ષ સુધીની કેદની સજા અને રૂા. ૧ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં માત્ર વર-કન્યાના માતા-પિતા જ નહીં, પરંતુ લગ્ન કરાવનાર ગોર મહારાજ, મંડપ સર્વિસ, કેટરર્સ, ડી.જે. સંચાલકો તેમજ ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર જેવા તમામ સેવા પૂરી પાડનારા લોકોને પણ મદદગારી કરવા બદલ સહ-આરોપી ગણી તેમની સામે ગુનો નોંધવામાં આવશે. વધુમાં, જો કોઈ સમાજના સમૂહલગ્ન આયોજનમાં બાળલગ્ન જણાશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે અને તેમની સામે પણ કડક પગલાં લેવાશે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જો તેમના ધ્યાનમાં આવા કોઈ પ્રસંગો આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા મુન્દ્રા રોડ સ્થિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ બહુમાળી ભવન ખાતેની જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક કરવો. આ ઉપરાંત, મદદ માટે ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ અથવા પોલીસ કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર પર પણ જાણ કરી શકાશે. માર્ગદર્શન માટે તંત્ર દ્વારા ૦૨૮૩૨-૨૫૬૦૩૮ અને ૨૫૨૬૧૩ જેવા ટેલિફોન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)