Fri Apr 17 2026

Logo

સોશ્યલ મીડિયાની કૃત્રિમતાથી થયું છે નિર્દોષતાનું બાળમરણ!

2026-04-12 11:38:00
Author: Abhimanyu Modi
Article Image

કેનવાસ -અભિમન્યુ મોદી

વાત તો આજની કરવી છે, પણ પહેલા પ્રાચીન ઈતિહાસમાં જઈએ. રોમના કોલોઝિયમમાં ખબર છે ને કે મોટાં મોટાં  સ્ટેડિયમમાં બળવાન યોદ્ધાઓ લડાઈ કરે. આખલાઓને પણ એમાં લડાઈ કરવા ઉતારે. આવું આપણે ફિલ્મોમાં જોયું છે અને એવું પ્રાચીન રોમમાં થતું પણ ખરું. હકડેઠઠ મેદની હોય અને એમાં એક પછી એક જંગ ચાલુ હોય. રોમના રાજા - રાણી ને મહત્ત્વના દરબારીઓ પણ પ્રજા સાથે આ હિંસક સરકસ જોઈને ખુશ થતા હોય. પ્રજાને આવાં કારણ વિનાના ખર્ચાળ ઉત્સવો ગમતા આવ્યા છે. હવે આ ભવ્ય ઉત્સવોમાં મસ્ત રહેતી પ્રજાને આંજી દેવા માટે રોમન રાજાઓએ બીજો પણ એક નુસખો વિચારેલો.

ક્યારેક ક્યારેક એ એરેના (ખરો ઉચ્ચાર-અ ’રીના યુદ્ધભૂમિ અખાડો) માં અદ્ભુત દેખાતા પ્રાણીઓને છોડી દેવામાં આવતા. એ પ્રાણીઓ વચ્ચે કોઈ લડાઈ ન થતી, બસ,  પ્રજા એને જોઈને  મંત્રમુગ્ધ થતી. રોમનોએ જીરાફ કે સિંહ જોયો ન હોય એટલે આવા પ્રાણીઓ સ્ટેડિયમમાં ફરતા હોય તો પ્રજા એના પર મુગ્ધ  થઈ જતી. યુરોપમાં જે પ્રાણીઓ ન થતા તેવા પ્રાણીઓની આફ્રિકાથી પણ આયાત કરવામાં આવતી. આવા પ્રદર્શન એટલા માટે કરવામાં આવતા કે પ્રજાને વિશ્વાસ આવે કે એનો રાજા અશક્યને પણ શક્ય કરી શકે છે અને પ્રજાનું સંપૂર્ણ ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થઈ શકે. આજે ઇટલીમાં કોલોઝિયમ માત્ર ખંડેરના રૂપમાં છે પણ એરેનામાં થતા એવા સરકસ આપણી હથેળીમાં સમાઈ ગયા છે ને આપણે એને જોઈએ રાખીએ છીએ.

ઈન્ટરનેટનો ઉદ્ભવ શું કામ થયો? ઈન્ટરનેટ વિના પણ પ્લેન ઊડતા, ઍટમ બૉમ્બ ફૂટતા, ઓપરેશન થતા અને વર્લ્ડ કપ જીતી શકાતો. ઈન્ટરનેટ સમયની બચત કરીને લોકોને વધુ ઝડપથી એકબીજા સાથે જોડવાના હેતુસહ આવ્યું, પણ ત્યારે એવું કોઈએ વિચાર્યું નહીં કે જિંદગીનો ચોથો-પાંચમો ભાગ નવરી રહેનારી પબ્લિક વધુ સમય બચાવીને શું કરશે? નવરા માણસને વધુ નવરાશ આપો તો એ જોખમી સાબિત થઈ શકે - આવી એક આધુનિક કહેવત છે. ઈન્ટરનેટ પછી સોશ્યલ મીડિયા આવ્યું. ઈન્ટરનેટ માત્ર કંપનીઓ ને સંસ્થાઓ પૂરતું સીમિત હતું જ્યારે સોશ્યલ મીડિયાએ આ જગતને વ્યક્તિગત બનાવ્યું. પબ્લિક સાચે જ માનવા લાગી કે - હમ કર સકતે હૈ દુનિયા મુઠ્ઠી મેં! સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉદ્દેશ હતો જૂના મિત્રો સાથે સતત ટચમાં રહેવાનો, નવા મિત્રો બનાવવાનો અને પોતાના વિચારો કે યાદો પોતાના વર્તુળ સાથે શેર કરવાનો. માણસની જિંદગીમાં વધુ રંગો ઉમેરીને માનવતાની ઉજવણી કરવાનો ઉદ્દેશ હતો અથવા તો એ આદર્શ ઉપયોગ કહી શકાય.

શરૂઆતના સમયમાં ઓરકુટ કે ફેસબુકમાં યુવાનો શું કરતા? પોતાનાં  મનના વિચારો ઓપિનિયન  વહેતા મુકતા. નવા મિત્રો બનાવતા. ઓનલાઈન ફ્લર્ટિંગ થતું. ફોટોઝ શેર થતા. ત્યારે કોઈ અલ્ગોરિધમ ન હતું. નંબર ગેમ ન હતી. એન્ગેજમેન્ટની ચિંતા ન હતી. જેમ ગામનું પાદર હોય, દરેક શેરીનો ઓટલો હોય ને પાનની દુકાન હોય અને જે ત્યાં થતું તે અહીં ડિજિટલ રીતે થતું. હૂંસાતુંસી ન હતી કે કોઈ સ્કોરબોર્ડ લઈને ઊભું રહેતું નહીં. આજથી દસ વર્ષ પહેલાના ફેસબુકમાં કે ટ્વિટરમાં એક પ્રકારની નિર્દોષતા રહેતી. જોડાણની અનુભૂતિ થતી. 

હવે એ બધું વરાળ બનીને ઉડી ગયું. સોશ્યલ મીડિયાની નિર્દોષતા જતી રહી. ઓરકુટ બંધ થઈ ગયું. ફેસબુકનું મોનેટાઇઝેશન થઈ ગયું. તો લોકો દરેક પોસ્ટ સાથે કઈંક ડૉલરમાં કમાણી કરવા લાગ્યા. જેન-ઝી તો ઇન્સ્ટાગ્રામમાં જ છે. જે ફક્ત દેખાડા એટલે કે શો-બિઝ પર ચાલતું પ્લેટફોર્મ છે. બંને પ્લેટફોર્મ પર લોકો પંચાત કે ગોસિપ કે શેરિંગને બદલે કોન્ટેન્ટ મેકિંગ રેસમાં લાગી ગયા. સ્કૂલની સ્પર્ધા જેવું થઈ ગયું. કોણ વધુ લાઇક્સ લઈ આવે, કોને વધુ કોમેન્ટ મળે અને કોની પ્રોફાઈલમાં વધુ ફોલોઅર્સ હોય. સોશ્યલ મીડિયા પર રિચ વધારવા માટેના કલાસીસ ચાલવા મંડ્યા. જે સોશ્યલ મીડિયામાં સ્ટાર હોય કે ઈન્ફ્યુલેન્સર એને અમુક ટૂંકી દૃષ્ટિના ડિરેક્ટરો પોતાની ફિલ્મમાં પણ લેવા લાવ્યા. મેરીટ પાછળ ફેંકાઈ ગયું. ગાંડપણ જીતી ગયું. વલ્ગારિટી અને નોનસેન્સ તત્ત્વો જીતવા લાગ્યા. બુદ્ધિ, જ્ઞાન, વેલ્યુ એડિશન એ બધું બોરિંગ બકબક લાગવા લાગ્યું. ટ્રોલર્સ વધ્યા. લોકો પણ પબ્લિકને શેમાં મજા આવશે એ જ વિચારીને પોસ્ટ મુકવા મંડ્યા. સોશ્યલ મીડિયામાં શું મૂકવું એ બધી માહિતી તો હવે એ-આઈ આપે છે. માણસે પોતે વિચારવાનું કે સર્જન કરવાનું જ બંધ કરી દીધું. આજે મશીન થકી, મશીન વડે ને મશીન માટે જીવ્બી રહ્યો છે આજનો માણસ. 

આજુબાજુની દરેક વાત -બધું જ કોન્ટેન્ટ બની ગયું. કોઈનો એક્સીડેન્ટ થાય તો એ ક્ધટેન્ટ છે, કોઈ મરી જાય એ પણ ક્ધટેન્ટ છે ને કોઈ સવારે નાસ્તામાં શું ખાય એ પણ ક્ધટેન્ટ છે. સોશ્યલ મીડિયાએ માણસજાતને બેનકાબ કરીને બતાવી કે આ જાતને નચાવવી હોય-  અને નગ્ન કરવી હોય તો કેટલું સહેલું છે.      

આ બધા વચ્ચે તિકતા/સભ્યતા/સૌજન્યશીલતા ખાડામાં ગઈ.  સંતુલનનો ભાવ નથી બોલાતો. અંતિમ છેડાની વાત કરો તો વ્યૂઝ બને ને મળે ને તો તમારી પ્રોફાઈલ ઊંચકાય...  કંપનીઓ પણ રીક્રૂટ કરતા પહેલા કેન્ડિડેટની સોશ્યલ મીડિયા પરથી એને જજ કરવા લાગી ગયા.

 દરેક માણસ જિંદગીની મજા માણવાને બદલે પોતાને બ્રાન્ડ બનાવવા ચાલી નીકળ્યો  છે... 

સાદગી સ્ટ્રેટેજીમાં તબદીલ થઈ ગઈ. સંસાધાન સ્પર્ધામાં ફેરવાઈ ગયું. સોશ્યલ મીડિયાના જૂના દિવસો બહુ યાદ આવે છે. એ સાલો રોમાંચ અને નિર્દોષતા ખતમ થઈ ગયા છે.    

રોમના કોલોઝિયમમાં નિતનવા પ્રાણી જોવા માટે ઓડિયન્સ બેઠું રહેતું, જ્યારે આજની પ્રજા પોતે પ્રાણી બનીને ફરી રહી છે. આવતીકાલે કોઈ દર્શક જ નહીં બચે તો આ માનવજાતનું થશે શું?