અરવિંદ વેકરિયા
મુળરાજ રાજડા પાસેથી મહેન્દ્ર બોહરા માટેનાં ‘નવા’ નાટકનાં બીજા ‘નવા’ લખેલ પાનાં લઈ ઘરે આવ્યો અને... મુળુભાએ આપેલાં પાનાં વાંચવા માટે ખોલ્યાં અને હું ચોંકી ગયો. એ બધા પાનાં સુંદર અક્ષરે લખીને આપેલાં. અક્ષરો સુંદર કાઢવામાં 22 માંથી 25 પાનાં થઈ ગયેલાં પણ લખાણ એ જ બાવીસ પાનાંવાળું હતું જે આગળ આપી ચુક્યા હતાં. બાવીસમે પાને અટકેલું નાટક હવે પચ્ચીસમે પાને અટકેલું. એનું એ લખાણ વાંચી કોઈ પણ ચોંકી જાય. થયું, આ કઈ જાતની મજાક!
મુકેશ-દેવેશને જાણ કર્યા વગર નવું નાટક શરૂ કરવાનો સ્વાર્થી વિચાર કારણભૂત હશે? સાંભળેલું કે કરેલાં કર્મોનું ફળ મળે જ છે. માટે ભગવાન પાસે માફી નહિ સદબુદ્ધિ અને સહનશક્તિ માગો. મેં નવા નાટકનો માત્ર વિચાર કરેલો હજુ શરૂ કર્યાનું ‘કર્મ’ ક્યા આદર્યું હતું. શરૂ કરતા પહેલા ‘મળે સૂર...’ બંધ કરવાની વાત તેઓને કહેવાની હિંમત ભેગી કરતો હતો ત્યાં... મુળુભાએ આવું કેમ કર્યું હશે? મેં નિરાંતે ફોન કરવા વિચાર્યું.
‘મળે સૂર...’ માટે આવતો રવિ, સાંજ તેજપાલની તારીખ મળી છે એવો વિજય રાવલનો ફોન આવ્યો ત્યારે ‘બંધ’ની વાત કહેવા ગયો પણ હિંમત ન થઈ શકી. મુળુભાને ફોન કરવાની ચટપટી થવા લાગી. મનમાં ઉચાટ થવાં લાગ્યો. પત્ની ભારતીને પૂછ્યું તો એ હંમેશની જેમ સાંત્વનાના સંદેશ કહેવા લાગી. ‘ક્યારેક તો શાંતિથી બેસવાનું રાખો, જિંદગી જીવવાની છે, જીતવાની નથી. મુળુભાનો ફોન આવશે.’ શાંતિથી બેસવું મને થોડું અહક જેવું લાગતું હતું. સુખ અને શાંતિ માટે દરેકની વ્યાખ્યા જુદી હોય છે. બુદ્ધે શાંતિની શોધમાં મહેલ છોડી દીધા અને આપણે મહેલની શોધમાં શાંતિ છોડી દીધી. હું બીજા ક્રમમાં આવું છું. છતાં ભારતીની વાત શાંતિથી વિચારી બીજે દિવસે ફોન કરવાનું વિચાર્યું.
બીજે દિવસે સવારથી એક જ વિચાર ઘુમરાયા કરતો હતો કે ‘મુળુભાએ આવું કેમ કર્યું હશે?’ અક્ષરો નક્કી બીજાનાં હતાં. મુળુભાનાં અક્ષરો હું ઓળખું. એનો આછડતો ઉલ્લેખ મેં ગયા લેખમાં કરેલો. છેવટે મેં મુળુભાને ફોન જોડ્યો. ફોન સમીરે ઉપાડ્યો. એની વાત પરથી જાણ્યું કે મુળુભા ગઈ કાલે સાંજે શૂટિંગ માટે બરોડા નીકળી ગયા હતાં. અસમંજસમાં રહી, કાલે ફોન ન કર્યાનો ખૂબ અફસોસ થયો.
આ તરફ હવે મારું ‘ફોકસ’ રવિવારના તેજપાલનાં શો પર હતું. લાઈન વાળાને આર્ટિસ્ટ ‘સેન-સાયકી’ ખબર હશે. એની પાસે નવો લે- આઉટ તૈયાર કરાવ્યો. અન્ય અખબારમાં રૂપમ પણ હતાં. મને ‘સેન’ વધુ ગમતો. એને નાટકની કથાવસ્તુ ખબર હતી. બાકી ‘સેન-સાયકી’ પાસે કામ કઢાવવું કઠણ. એ પોપકોર્નનાં દાણા જેવો, ફૂટ્યાં પછી એ કયો આકાર લેશે એ હંમેશાં સસ્પેન્સ જ હોય. આ વખતે દાવ સીધો પડ્યો.
બુધવારે તેજપાલનું બુકિંગ નવા લે-આઉટથી ખુલ્યું. તેજપાલનું એક ફિક્સ્ડ ઓડિયન્સ છે, હજી પણ. જેમને બુકિંગ ક્લાર્ક પણ ઓળખે. ફોનથી પણ આવા રોજીંદા પ્રેક્ષકોનું બુકિંગ કરે. બુધવારનું બુકિંગ ખાસ ઉત્સાહજનક નહોતું, પણ ગુરુ-શુક્રનું બુકિંગ સારું રહ્યું. મારો ઉત્સાહ તો નહોતો વધ્યો પણ એક શાતા જરૂર વળેલી કે વાંધો નહિ આવે. શનિવાર સાંજ સુધીમાં લગભગ 75 ચકા બુકિંગ થઈ ગયું. ત્યારે ‘બ્લોક-બુકિંગ’ જાજુ અસ્તિત્વમાં નહોતું. રવિવારે બુકિંગ ગોકળગાયની જેમ ચાલ્યું. બધું થઈ 85 ટકા બુકિંગ રહ્યું, જે મુકેશ-દેવેશ માટે ‘ઉત્સવ’ જેવું હતું.
ઘણાં શો પછી માંડ ટાંટિયા ભેગા થયેલાં. હાઉસ ઓછું આવ્યું હોત તો ‘બંધ’ કરવાની વાત કહી શકત પણ... કદાચ તેઓ કહી દે કે અમારે નાટક ચલાવવું છે, ચલાવીએ છીએ પછી તારે શું? મારા ગણિત પ્રમાણે આ નિર્ણય વિજય રાવલ જ લઇ શકે. એ જ અમને જોડતો તાર હતો. મેં વિજયને કહી રાખેલું કે ‘સંબંધ જો મારાથી ગૂંચવાય તો ઉકેલવામાં તું સાથ આપજે કેમ કે સંબંધનો એક છેડો તારા હાથમાં છે.’ એવું બનતું નહોતું પણ ખેંચાતું જતું હતું એ ચોક્કસ.
ખેર! મેં ફરી મુળુભાને ફોન લગાડ્યો. આ વખતે ઈન્દુમતી રાજડાએ (હયાત નથી) ઉપાડ્યો. એમણે જણાવ્યું કે મુળરાજભાઈ હજી અઠવાડિયા પછી આવશે. મેં મારો પ્રોબ્લેમ એમને જણાવ્યો. ઇન્દુભાભી, આમ ભોળા. એમણે તરત કહી દીધું કે ‘અરવિંદભાઈ, આ નાટક જલ્દી પૂરું થાય એવી આશા ન રાખતા. હમણાં ફિલ્મોમાં એટલાં વ્યસ્ત છે કે નાટક માટે સમય નહિ આપી શકે. તમને ખરાબ ન લાગે એટલે એમણે અગાઉ લખેલા 22 પાનાં મારી પાસે સારા અક્ષરે લખાવી તમને આપ્યાં. એમને ખબર હતી કે તમે એમની સામે નહિ પણ ઘરે જઈને વાંચશો અને તમારો ફોન આવશે ત્યાં સુધીમાં તો એ બરોડા રવાના થઈ ગયા હશે અને શું જવાબ આપવો એ અમને કહેતા ગયેલાં. હું સ્તબ્ધ !
ભૂરો અને ભૂરી બન્ને ઘરે ટી.વી. જોતાં હતાં. ગીત આવતું હતું...
જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે, તુમ દિનકો અગર રાત કહો... રાત કહેંગે...
ભૂરી: જુઓ, કેટલું મસ્ત ગીત છે...ગીતની ભાવના સમજો...
ભૂરો: હ..મ..મ... કવિ કહેવા માગે છે કે તારી સાથે કોણ માથાકૂટ કરે! તું કહે એ સાચું...