Sun Jul 26 2026

Logo

અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો; જજ બદલવાની માંગણી ચીફ જસ્ટિસે ફગાવી

2026-03-15 15:28:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ મામલે પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલે આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા પર પક્ષપાતનો આરોપ લગાવીને કેસને અન્ય બેંચમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી, જેને હાઈકોર્ટે સ્પષ્ટપણે ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, વહીવટી સ્તરે આ અરજીને અન્ય કોઈ બેંચમાં મોકલવાનું કોઈ નક્કર કારણ જણાતું નથી.

મુખ્ય ન્યાયાધીશે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ કેસ વર્તમાન રોસ્ટર મુજબ જ જસ્ટિસ શર્માને સોંપવામાં આવ્યો છે. જો જસ્ટિસ શર્મા પોતે આ મામલાની સુનાવણીથી અલગ થવા માંગતા હોય, તો તે નિર્ણય લેવાની સત્તા માત્ર તેમની પાસે છે, પરંતુ વહીવટી રીતે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ સહિત આઠ લોકોએ ૧૧ માર્ચે પત્ર લખીને આશંકા વ્યક્ત કરી હતી કે જસ્ટિસ શર્માની બેંચ હેઠળ નિષ્પક્ષ સુનાવણી થવાની શક્યતા ઓછી છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ૨૭ ફેબ્રુઆરીએ ટ્રાયલ કોર્ટે કેજરીવાલ અને અન્ય ૨૨ આરોપીઓને આરોપોમાંથી મુક્ત કર્યા હતા. આ નિર્ણયને સીબીઆઈએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી હાલમાં જસ્ટિસ શર્માની બેંચમાં ચાલી રહી છે. ૯ માર્ચે જસ્ટિસ શર્માએ ટ્રાયલ કોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી હતી જેમાં સીબીઆઈ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસના નિર્દેશ અપાયા હતા. જસ્ટિસ શર્માએ નીચલી અદાલતની કેટલીક ટિપ્પણીઓને અયોગ્ય ગણાવીને મની લોન્ડરિંગ સંબંધિત કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખવા પણ આદેશ આપ્યો હતો.

અરવિંદ કેજરીવાલની આ માંગણી નકારાતા હવે દારૂ કૌભાંડનો આ હાઈપ્રોફાઈલ કેસ જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેંચ સમક્ષ જ ચાલશે. કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ન્યાયિક પ્રક્રિયામાં વહીવટી હસ્તક્ષેપને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.