Sun Sep 06 2026

Logo

સધર્ન ગુજરાત ચેમ્બરની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફટ કમિટી દ્વારા અમદાવાદમાં આર્ટ એકિઝબિશન યોજાયું...

2026-03-21 21:18:52
Author: Mumbai Samachar Team
સધર્ન ગુજરાત ચેમ્બરની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફટ કમિટી દ્વારા અમદાવાદમાં આર્ટ એકિઝબિશન યોજાયું...

અમદાવાદ: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફટ કમિટી દ્વારા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં ચાર દિવસીય આર્ટ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટ એકિઝબિશન તા. ૧૯થી રર માર્ચ, ર૦ર૬ દરમિયાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટ (ગુજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ ઓફ) ખાતે આરંભ થયો છે. આ એક્ઝિબિશન બપોરે 12 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લું રહેશે. આ કાર્યક્રમમાં જાણીતા આર્ટ કયુરેટર  અનુજ અંબાલાલ અને વિવેક દેસાઈ તેમજ સુરતના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઈએ આ એકિઝબિશનમાં મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી છે.

સધર્ન ગુજરાત ચેમ્બરની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફટ કમિટીના ચેરપર્સન શ્રીમતી સ્વાતિ શેઠવાલાએ જણાવ્યું હતું કે, સુરતના કલાકારો સમગ્ર ગુજરાતમાં પણ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે હેતુથી અમદાવાદ ખાતે આર્ટ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકિઝબિશન કલા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં કલા રસિકોને વિવિધ કલાકૃતિઓને નજીકથી નિહાળવાનો અવસર મળશે.

આ આર્ટ એકિઝબિશનમાં કુલ ૧૯ પ્રતિભાશાળી કલાકારો તેમની વિવિધ પ્રકારની 50થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. ચિત્રકલા, સર્જનાત્મક અભિવ્યક્તિ અને કલાના વિવિધ પ્રકારો સાથે જોડાયેલી આ કૃતિઓ કલા રસિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુલાકાતીઓને અલગ–અલગ શૈલી અને વિષયવસ્તુ ધરાવતા આર્ટ વકર્સને નજીકથી નિહાળવાની તેમજ કલાકારોની સર્જનાત્મકતાને સમજવાની ઉત્તમ તક મળશે.