અવકાશી ખનન દ્વારા કઈ રીતે મેળવી શકાય બ્રહ્માંડની અખૂટ સમૃદ્ધિ...
ભરત મહેતા
બાળપણમાં આપણે સૌએ અરેબિયન નાઇટ્સની કાલ્પનિક વાર્તાઓમાં `અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ' વિશે સાંભળ્યું છે. એવો ચિરાગ જેને સામાન્ય રીતે હથેળીથી ઘસતાં જ એક શક્તિશાળી જીન પ્રગટ થતો અને પલકવારમાં દુનિયાભરની અઢળક સંપત્તિ, સોનું, હીરા અને ઝવેરાત લાવીને માલિકના કદમમાં ધરી દેતો. બાળપણમાં આ વાર્તા માત્ર એક કલ્પના લાગતી હતી, પરંતુ આજે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી એટલી હદે આગળ વધી ગઈ છે કે માનવી પાસે એક નવો, વાસ્તવિક અને વૈજ્ઞાનિક `જાદુઈ ચિરાગ' આવી ગયો છે. આ આધુનિક ચિરાગનું નામ છે એસ્ટરૉઇડ માઇનિંગ (Asteroid Mining) એટલે કે અવકાશી લઘુગ્રહો પર ખનન કરી તેની અંદર છુપાયેલી અખૂટ સંપત્તિ પૃથ્વી પર લાવવી.
એસ્ટરૉઇડ એટલે શું ?
આપણા સૌરમંડળના ગ્રહોની વચ્ચે, ખાસ કરીને મંગળ (Mars) અને ગુરુ (Jupiter) ગ્રહની કક્ષાની વચ્ચે લાખોની સંખ્યામાં નાના-મોટા પથ્થરો અને ખડકો સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યા છે. અવકાશ વિજ્ઞાનની ભાષામાં આ પથ્થરોને `એસ્ટરૉઇડ' કે લઘુગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર વધી રહેલી વસ્તી સાથે માનવીની જરૂરિયાતો વધી રહી છે અને કુદરતી સંસાધનો ઝડપથી ખૂટી રહ્યાં છે ત્યારે વિજ્ઞાનીઓની નજર આ અવકાશી પથ્થરો પર પડી છે.
વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે આ લઘુગ્રહો માત્ર નિર્જીવ કે નકામા ખડકો નથી, પરંતુ તે બ્રહ્માંડની જીવતી-જાગતી ખણખણતી તિજોરીઓ છે. આ એસ્ટરૉઇડ્સની અંદર અબજો ટન એવી ધાતુઓ અને સંસાધનો છુપાયેલાં છે જે પૃથ્વી પર અત્યંત દુર્લભ (Rare Earth Elements) માનવામાં આવે છે.
એસ્ટરૉઇડમાંથી મળતી મુખ્ય સંપત્તિમાં શું શું છે?
અતિ કીમતી ધાતુઓ: પ્લેટિનમ, શુદ્ધ સોનું, ચાંદી, ઇરિડિયમ, ઓસ્મિયમ અને પેલેડિયમ જેવી મોંઘી ધાતુઓ.
ઔદ્યોગિક અને માળખાકીય ધાતુઓ : શુદ્ધ લોખંડ, નિકલ, કોબાલ્ટ, ટાઇટેનિયમ અને ઍલ્યુમિનિયમ.
પાણી અને બરફ : લઘુગ્રહો પર થીજી ગયેલા બરફ સ્વરૂપે અબજો ગૅલન પાણી ઉપલબ્ધ છે જે ભવિષ્યના સ્પેસ મિશનો માટે સૌથી મોટું ઇંધણ સાબિત થશે.
અકલ્પનીય ખનિજ સંપત્તિની અંદાજિત કિમત કેટલી?
જ્યારે આપણે એસ્ટરૉઇડમાં રહેલી ખનિજ સંપત્તિની કિમતનો અંદાજ લગાવીએ ત્યારે પૃથ્વી પરની અર્થવ્યવસ્થાના તમામ આંકડા સાવ સૂક્ષ્મ સાબિત થાય છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો લઘુગ્રહ છે `16 સાયકી' (16 Psyche). મંગળ અને ગુરુની વચ્ચે આવેલો આ એસ્ટરૉઇડ પથ્થરનો નહીં, પણ સંપૂર્ણપણે ધાતુઓનો બનેલો છે.
અહીં છે 10,000 ક્વાડ્રિલિયનનો ખજાનો...
નાસા (NASA)ના વૈજ્ઞાનિકોના મતે `16 સાયકી' પર એટલી મોટી માત્રામાં લોખંડ, નિકલ અને સોનું ઉપલબ્ધ છે કે તેની અંદાજિત કિમત 10,000 ક્વાડ્રિલિયન ડૉલર (0,000 quadrillion) એટલે કે 10ની પાછળ 19 શૂન્ય લગાવવાથી બનતી રકમ જેટલી થાય છે! જો આ આખી સંપત્તિ પૃથ્વી પર લાવીને વહેંચવામાં આવે તો પૃથ્વી પરનો દરેક સામાન્ય નાગરિક અબજોપતિ બની જાય!
આ ઉપરાંત અવકાશમાં તરતા માત્ર 100 મીટર લાંબા એક સામાન્ય એસ્ટરૉઇડની અંદર પણ આશરે 25 અબજ ડૉલરથી લઈને 100 અબજ ડૉલર (25 Billion to 100 Billion) સુધીનું શુદ્ધ પ્લેટિનમ અને અન્ય દુર્લભ ધાતુઓ મળી શકે છે. આ આંકડાઓ જ સાબિત કરે છે કે એસ્ટરૉઇડ માઇનિંગને આજના યુગનો અલાઉદ્દીનનો ચિરાગ કેમ કહેવામાં આવે છે.
ઐતિહાસિક સફળતા : સૅટેલાઇટ ને સ્પેસક્રાફ્ટનું લૅન્ડિંગ
ઘણા લોકોને આ વાત માત્ર સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગતી હશે, પરંતુ વૈજ્ઞાનિકોએ આ દિશામાં પ્રાયોગિક સફળતા મેળવી લીધી છે. માનવજાતે પૃથ્વી પરથી સૅટેલાઇટ અને સ્પેસક્રાફ્ટ મોકલીને આ લઘુગ્રહો પર સફળતાપૂર્વક લૅન્ડિંગ પણ કરાવ્યું છે, જેમાં હાયાબુસા-2 (Hayabusa2) - જાપાન (JAXA): જાપાનની સ્પેસ એજન્સીનું આ મિશન અવકાશ વિજ્ઞાનનો મોટો માઇલસ્ટોન છે. આ સ્પેસક્રાફ્ટે `ર્યુગુ' (Ryugu) નામના એસ્ટરૉઇડ પર સફળતાપૂર્વક લૅન્ડ કર્યું, તેની સપાટી પર નિયંત્રિત ધડાકો કરીને તેની અંદરના શુદ્ધ પથ્થરોના સૅમ્પલ લીધાં અને વર્ષ 2020માં તે સૅમ્પલ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછાં લાવ્યાં.
બીજો છે ઓસિરિસ-રેક્સ (OSIRIS-REx) - અમેરિકા (NASA): નાસાના આ મહત્ત્વાકાંક્ષી મિશને `બેન્નુ' (Bennu) નામના એસ્ટરૉઇડને સ્પર્શ કરીને (Touch-and-Go ટેક્નિકથી) ત્યાંથી ધૂળ અને પથ્થરોનાં કીમતી સૅમ્પલ એકઠાં કર્યાં. આ સૅમ્પલ સપ્ટેમ્બર 2023માં પૃથ્વી પર પાછાં લાવવામાં આવ્યાં છે, જેના પર હાલમાં ઊંડાણપૂર્વક સંશોધન ચાલી રહ્યું છે.
રોઝેટા મિશન (Rosetta) - યુરોપ (ESA):
આ મિશન હેઠળ ઇતિહાસમાં પહેલીવાર `ફિલે' (Philae) નામના નાના લૅન્ડરને એક ગતિશીલ ધૂમકેતુ (Comet 67P)ની સપાટી પર સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું.
એસ્ટરૉઇડ માઇનિંગના અદ્ભુત ફાયદા
જો આ ટેક્નૉલૉજી આગામી સમયમાં વ્યાપક સ્તરે સફળ થાય તો પૃથ્વીનો નકશો બદલાઈ શકે છે. પૃથ્વીનું પર્યાવરણીય સંરક્ષણ: પૃથ્વી પર થતા માઇનિંગ (ખનન)ને કારણે જંગલો નાશ પામે છે અને પ્રદૂષણ વધે છે. જો ભારે ઉદ્યોગો અને ખનનનું કામ અવકાશમાં શિફ્ટ થઈ જાય તો પૃથ્વી ગ્રીન અને ક્લીન બની જશે. ગ્રીન ટેક્નૉલૉજીને વેગ: સ્માર્ટફોન, સોલર પૅનલ અને ઇલેક્ટ્રિક વાહનો (EV)ની બૅટરી માટે જરૂરી લિથિયમ, કોબાલ્ટ અને રેર અર્થ મેટલ્સ અવકાશમાંથી અખૂટ માત્રામાં મળી રહેશે. સ્પેસ પેટ્રોલ પંપ (Space Economy): એસ્ટરૉઇડ પર રહેલા પાણીના બરફમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન અલગ કરીને રૉકેટનું ઇંધણ અવકાશમાં જ બનાવી શકાશે. આનાથી મંગળ અને શનિ જેવા ગ્રહો પર જવા માટે પૃથ્વી પરથી ભારે બળતણ લઈ જવાની જરૂર નહીં પડે. લઘુગ્રહો ભવિષ્યના `સ્પેસ પેટ્રોલ પંપ' બનશે.
મુખ્ય પડકાર : ગુફાનાં જોખમો
જેમ વાર્તામાં અલાઉદ્દીનને ચિરાગ મેળવવા માટે જીવના જોખમે ભયાનક ગુફામાં ઊતરવું પડ્યું હતું, તેમ એસ્ટરૉઇડ માઇનિંગ પણ અત્યંત પડકારજનક છે, જેમ કે...
અતિશય અંતર અને ખર્ચ: લાખો-કરોડો કિલોમીટર દૂર સ્પેસક્રાફ્ટ મોકલવા અને ભારે મશીનરી ત્યાં પહોંચાડવાનો ખર્ચ અબજો ડૉલરનો થાય છે.
ઝીરો ગ્રેવિટી (શૂન્ય ગુરુત્વાકર્ષણ): એસ્ટરૉઇડ ખૂબ નાના હોવાથી ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી. આવા વાતાવરણમાં મશીનોને સપાટી પર ટકાવી રાખવા અને ધૂળ ઊડ્યા વગર ખોદકામ કરવું એ વિજ્ઞાન માટે મોટો પડકાર છે.
અવકાશી કાયદાની ગૂંચવણ: સ્પેસ કાયદા (Outer Space Treaty) મુજબ અવકાશની સંપત્તિ પર કોઈ એક દેશનો હક હોઈ શકે નહીં. ભવિષ્યમાં આ સંપત્તિની વહેંચણી માટે આંતરરાષ્ટ્રીય વિવાદો થવાની સંભાવના છે.
બીજી તરફ, નાસા, ઇસરો જેવી સરકારી સંસ્થાઓ અને સ્પેસ-એક્સ (SpaceX) જેવી ખાનગી કંપનીઓ અત્યારે અવકાશી ખનન માટેના રોબોટિક ટૂલ્સ અને માઇનિંગ શટલ વિકસાવવામાં રાત-દિવસ એક કરી રહી છે. સૅમ્પલ રીટર્ન મિશનોની સફળતાએ સાબિત કર્યું છે કે આ માત્ર કલ્પના નથી, પરંતુ ભવિષ્યની વાસ્તવિકતા છે.
જ્યારે પૃથ્વીનાં સંસાધનો સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે ત્યારે માનવજાતના અસ્તિત્વ અને વિકાસ માટે એસ્ટરૉઇડ માઇનિંગ જ એકમાત્ર આશાનું કિરણ હશે. આ ટેક્નૉલૉજી ખરેખર માનવજાત માટે 21મી સદીનો જાદુઈ ચિરાગ સાબિત થશે જે પૃથ્વી પરથી ગરીબી, અછત અને સંસાધનોની યુદ્ધ જેવી સ્થિતિને હંમેશાં માટે નાબૂદ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે.