ભુજઃ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ અત્યારે સતત વધી રહી છે. સરકાર અને પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં પણ લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. આવી જ એક ઘટના ફરી કચ્છમાં બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર રૂપિયાના બંડલોની રીલ્સ બતાવી, વિદેશથી નાણાં આવતા હોવાની વાતોમાં ભોળવીને રાજસ્થાનના એક યુવકને અંજાર બોલાવી રૂપિયા 2 લાખ રોકડા પડાવીને ગઠિયો સ્વિફ્ટ કારમાં રફૂચક્કર થઈ ગયો હોવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
એકના ત્રણ કરવાની લાલચમાં યુવક છેતરાયો
મળતી વિગતો મુજબ, રાજસ્થાનના સિણધરી ખાળોત્રામાં રહેતો ડુંગરારામ વેદનારામ જાટ નામનો યુવક ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યો હતો ત્યારે ‘વિશાલ પટેલ 11’ નામની આઈડી પરથી તેની સાથે સંપર્ક થયો હતો. સામા પક્ષે રૂપિયા 1 લાખના બદલામાં રૂપિયા 3 લાખ કરી આપવાની લાલચ આપી નાણાંના બંડલોના આકર્ષક વીડિયો પણ દર્શાવ્યા હતા. દરમિયાન યુવક કામ-ધંધા અર્થે અમદાવાદ આવ્યો ત્યારે ગઠિયાએ તેને અંજાર ખાતે મુલાકાત માટે બોલાવ્યો હતો.
અંજાર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
અંજારના કળશ સર્કલ પાસે સફેદ રંગની નંબર વગરની સ્વિફ્ટ કાર લઈને આવેલા શખ્સે યુવક પાસેથી રૂપિયા 2 લાખ રોકડા લઈ લીધા હતા. ત્યારબાદ ‘હું કારની ડેકીમાંથી તમને રૂપિયા 3 લાખ કાઢી આપું છું’ તેમ કહી યુવકને નીચે ઉતારી ગઠિયો ગાડી લઈને નાસી છૂટ્યો હતો. છેતરાયાનો અહેસાસ થતાં યુવકે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગઠિયાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)