રાયપુરઃ છત્તીસગઢના રાયપુર શહેરમાં બુધવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (Bengaluru)એ બૅટિંગ આપ્યા બાદ કોલકાતાએ નબળી શરૂઆત બાદ ટોટલ છેવટે 200 રનની નજીક પહોંચાડવામાં સફળતા મેળવી હતી. 20 ઓવરમાં કોલકાતા (Kolkata)એ ચાર 192 રન કર્યા હતા જેમાં અંગક્રિશ રઘુવંશી (71 રન, 46 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.
કોલકાતાએ 23મા રને ઓપનર ફિન ઍલનની અને 48મા રને કૅપ્ટન અને બીજા ઓપનર અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવી હતી એટલે કોલકાતાની ટીમ વધુ મુસીબતમાં મુકાઈ શકે એમ હતી. જોકે અંગક્રિશ ક્રીઝમાં ટકી રહ્યો હતો અને કૅમેરન ગ્રીન (32 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે તેણે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી.

116 રનના ટોટલ પર ગ્રીને વિકેટ ગુમાવી ત્યાર બાદ રઘુવંશીએ રિન્કુ સિંહ (49 અણનમ, 29 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ને જોડીદાર બનાવ્યો હતો અને તેની સાથે ચોથી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરીને કોલકાતાના સેફ ઝોનમાં લાવી દીધું હતું. અંગક્રિશ છેક 20મી ઓવરના અંતિમ બૉલ પર રનઆઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ અને ભુવનેશ્વર કુમારે તેને રનઆઉટ કર્યો હતો.
બેંગ્લૂરુના પાછલી મૅચના હીરો કૃણાલ પંડ્યાને 39 રનમાં અને જૅકબ ડફીને 48 રનમાં એક પણ વિકેટ નહોતી મળી, જ્યારે એક-એક વિકેટ ભુવનેશ્વર કુમાર, રસિખ સલામ અને જૉશ હૅઝલવૂડે લીધી હતી.