Fri Apr 17 2026

Logo

આંધ્ર પ્રદેશમાં ભીષણ અકસ્માત: મંત્રાલયમ જઈ રહેલા 8 શ્રદ્ધાળુના મોત, PM મોદીએ સહાયની જાહેરાત કરી

2026-04-16 21:25:44
Author: Mumbai Samachar Team
Article Image

ચિલકાલડોનાઃ આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લાના મંત્રાલયમમાં એક લાઇટ કમર્શિયલ વ્હીકલ(એલસીવી) અને ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ મહિલાઓ સહિત આઠ યાત્રાળુનાં મોત નીપજ્યા હતા. જ્યારે ૧૦ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતને દુઃખદ ગણાવતાં એક્સ પર જણાવ્યું કે હું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તે લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમજ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે લાખ અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

આ અકસ્માત યાત્રાળુઓ રાઘવેન્દ્ર સ્વામીના દર્શન માટે મંત્રાલયમ જઇ રહ્યા હતા ત્યારે થયો હતો. લગભગ ૨૦ મુસાફરોને લઇ જતું વાહન એક ટેન્કર સાથે ધડાકાભેર અથડાયું હતું. યેમ્મીગનુરના નાયબ પોલીસ અધિક્ષક(ડીએસપી) એન. ભાર્ગવીએ જણાવ્યું કે આઠ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમજ ઘાયલો વિશે જાણકારી મેળવી હતી. તેમણે કહ્યું કે અકસ્માત નેશનલ હાઇવે-૧૬૭ પર મધરાતે ૩ વાગ્યાની આસપાસ થયો હતો. 

દરમિયાન મુખ્ય પ્રધાન નાયડુએ અધિકારીઓને ઘાયલોને શક્ય તમામ શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ તેમણે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.