Mon Aug 31 2026

Logo

ફ્લૅટમાંથી ચોરી કરનારો નોકર પકડાતાં પ્રાચીન દાગીના અને બ્રિટિશકાળના સિક્કા હસ્તગત

2026-08-07 20:48:52
Author: Yogesh C. Patel
ફ્લૅટમાંથી ચોરી કરનારો નોકર પકડાતાં પ્રાચીન દાગીના અને બ્રિટિશકાળના સિક્કા હસ્તગત

મુંબઈ: અંધેરીમાં માલિકના ફ્લૅટમાંથી 120 વર્ષ જૂના પ્રાચીન દાગીના અને બ્રિટિશકાળના ચાર સિક્કા ચોરવાના કેસમાં નોકરની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પાસેથી ચોરેલી બધી મતા હસ્તગત કરવામાં આવી હતી.અંબોલી પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રાહુલ કુમાર શફી (26) તરીકે થઈ હતી. બિહારના મધુબની ખાતે રહેતા શફીને તાજેતરમાં મુંબઈમાં ઍરપોર્ટના વેઈટિંગ એરિયામાંથી તાબામાં લેવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ચોરીની જાણ 20 જુલાઈએ થઈ હતી. ફરિયાદી આદિત્ય ઝુનઝુનવાલાની 72 વર્ષની માતાએ રસોડામાં જઈ રહેલા શફીના ખીસામાંથી પડેલી સોનાની બંગડી જોઈ હતી. બંગડી ઊંચકીને શફીએ તરત પાછી પોતાના ખીસામાં મૂકી દીધી હતી. ફરિયાદીની માતાએ શંકાને આધારે લૉકરમાં તપાસ કરતાં સોનાના એન્ટિક દાગીના અને શાહી પ્રતીકની છાપવાળા બ્રિટિશકાળના સિક્કા ગુમ હોવાનું જણાયું હતું. આ દાગીના ઝુનઝુનવાલા પરિવારને વારસામાં મળ્યા હતા અને તે 120 વર્ષ જૂના હતા. ઝુનઝુનવાલાના મોસાળ તરફના વડવાઓને આ દાગીના સોગાતમાં મળ્યા હતા અને પછી પેઢી દર પેઢી તે તેમની પાસે હતા.

આ પ્રકરણે ઝુનઝુનવાલાએ અંદાજે 46.8 લાખની મતા ચોરીની ફરિયાદ અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સાત-આઠ વર્ષથી આ પરિવારના ઘરમાં કામ કરતા શફીએ બધાનો વિશ્ર્વાસ જીતી લીધો હતો. તે બેરોકટોક ઘરમાં ક્યાંય પણ આવ-જા કરી શકતો.દરમિયાન ફરિયાદ નોંધાતાં જ શફી ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન શફી વિમાનમાં જવાનો હોવાની માહિતી મળતાં ઈમિગ્રેશન અધિકારીની મદદ લેવાઈ હતી. સિક્યોરિટી ક્લિયર કરીને શફી ઍરપોર્ટના વેઈટિંગ એરિયામાં બેઠો હતો. તે 6.45 વાગ્યાની ફ્લાઈટ પકડવાનો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસે તેને તાબામાં લીધો હતો.

શફીની બૅગમાંથી ચોરીની અમુક મતા મળી હતી. જોકે દાગીના તેણે પહેલાં જ બિહારના ગામમાં મોકલી દીધા હોવાનું જણાયું હતું. પોલીસે સંપર્ક સાધ્યા પછી શફીના પિતા દાગીના લઈ મુંબઈ પહોંચ્યા હતા અને પોલીસને સોંપ્યા હતા.