દોલતપર પ્રાચીન શિલાલેખ કચ્છ મ્યુઝિયમ આભીર સામ્રાજ્ય ભાતીગળ પ્રદેશ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના દોલતપર ગામમાંથી મળી આવેલો એક પ્રાચીન શિલાલેખ કચ્છના ઈતિહાસના અણઉકેલાયેલા પૃષ્ઠોને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ સાબિત થયો છે. ઈસવીસનની પ્રારંભિક સદીઓની બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા આ ઐતિહાસિક શિલાલેખને કચ્છ મ્યુઝિયમના પૂર્વ ક્યુરેટર દિલીપ કે.વૈદ્ય દ્વારા શોધીને પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો. આ શોધથી ક્ષત્રપ શાસન પછીના ગાળામાં કચ્છના રાજકીય ચિત્ર પરથી પડદો ઊંચકાયો છે.
જાણીતા ઈતિહાસકાર ડૉ. રસેશ જમીનદાર સહિતના વિદ્વાનો દ્વારા આ શિલાલેખનો ગહન અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંશોધન મુજબ, જ્યારે ઉજ્જૈનની પશ્ચિમી ક્ષત્રપ સત્તા નબળી પડી ત્યારે નાસિક-ખાનદેશના મહાપ્રતાપી આભીર સમ્રાટ ઈશ્વરદેવે કચ્છમાં પોતાના ન્યાયપ્રિય શાસનની સ્થાપના કરી હતી. આ શિલાલેખ એ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે કે ક્ષત્રપોના પતન બાદ કચ્છ પ્રદેશ આભીર સામ્રાજ્યનો એક સ્વાયત્ત અને ગૌરવશાળી ભાગ બન્યો હતો.
શિલાલેખમાં આભીર સમ્રાટ દ્વારા પ્રજાહિત માટે લેવાયેલા પ્રશંસનીય નિર્ણયોનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસક દ્વારા પ્રજા પરથી અન્યાયી કરવેરા નાબૂદ કરવામાં આવ્યા હતા અને પ્રદેશમાં પશુપાલન તેમજ વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કચ્છના આ પ્રાચીન રાજકીય અને સામાજિક પરિવર્તનની જીવંત સાક્ષી પૂરતો આ અજોડ પથ્થર હાલ ભુજના કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પ્રજાહિતૈષી આભીર શાસનની યાદ અપાવતો આ શિલાલેખ હાલ ઈતિહાસકારો અને પ્રાચીન શોધકર્તાઓ માટે ગહન અભ્યાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યો છે.
(ઉત્સવ વૈદ્ય)