Mon Sep 14 2026

Logo

અનંત અંબાણીનું અંબાજી મંદિરમાં ₹ 27.5 કરોડનું દાન: 5 વર્ષ સુધી ભક્તોને મળશે નિઃશુલ્ક ભોજન

2026-02-19 17:43:01
Author: Mumbai Samachar Team
અનંત અંબાણીનું અંબાજી મંદિરમાં ₹ 27.5 કરોડનું દાન: 5 વર્ષ સુધી ભક્તોને મળશે નિઃશુલ્ક ભોજન

અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભક્તિની સાથે સેવાની સરવાણી વહી રહી છે. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ મા અંબેના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક મોટું દાન અર્પણ કર્યું છે. અંબાણી પરિવાર વર્ષોથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યો છે, ત્યારે 'જય અંબે તિથિ ભોજન યોજના' અંતર્ગત આપવામાં આવેલી આ સહાયથી લાખો માઈભક્તોને સીધો લાભ મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવાનો છે.

અનંત અંબાણીએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને કુલ ₹27.5 કરોડનું દાન આપ્યું છે. આ ભંડોળનો ઉપયોગ આગામી 5 વર્ષ સુધી મંદિરમાં આવતા યાત્રિકોને નિઃશુલ્ક ભોજન કરાવવા માટે કરવામાં આવશે. 18 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ યોજનાને ભક્તો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે અને પ્રથમ દિવસે જ કુલ યોગદાન ₹30 કરોડને પાર કરી ગયું હતું. બનાસકાંઠા કલેક્ટરે આ ઉમદા કાર્ય માટે અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંનું એક અત્યંત મહત્વનું ધામ છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માતાજીની કોઈ મૂર્તિ નથી, પરંતુ 'શ્રી વિસા યંત્ર'ની પૂજા કરવામાં આવે છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે 1600 ફૂટની ઊંચાઈએ સ્થિત આ મંદિરમાં યંત્રના દર્શન પણ આંખે પાટા બાંધીને અથવા બંધ આંખે કરવાની પરંપરા છે. અહીંની આસ્થા અને કુદરતી સૌંદર્ય દેશભરના પ્રવાસીઓને આકર્ષે છે.

અંબાજી મંદિર તેના વિશિષ્ટ 'મોહનથાળ' પ્રસાદ માટે વિશ્વભરમાં જાણીતું છે. શુદ્ધ ઘી અને પરંપરાગત પદ્ધતિથી બનતો આ પ્રસાદ માતાજીને રાજભોગ તરીકે ધરાવવામાં આવે છે. આ ઉપરાંત, દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને માના દર્શને પહોંચે છે. દિવાળી અને પૂર્ણિમા જેવા તહેવારોમાં સમગ્ર અંબાજી નગરી રોશનીથી ઝળહળી ઉઠે છે અને ભક્તિમય માહોલ સર્જાય છે.