(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં ગુરુવારથી એનાલોગ ડેરી પ્રોડેક્ટ્સ પરના પ્રતિબંધનો અમલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં લગભગ 134 જેટલા વેચાણના એકમોનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ 1053 કિલોગ્રામ જેટલા એનાલોગ્સ પ્રોડેક્ટ્સનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજિત 2,82,550 થતી હોવાની માહિતી મળી છે. આ સાથે 29 નમૂના પરિક્ષણ માટે લેવાયા હોવાની માહિતી પણ મળી હતી.
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગુરુવારથી એનાલોગ ચીઝ, બટર અને પનીર જેવી પ્રોડક્ટ્સ પર લાગુ કરાયેલા પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ સેન્ટરો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન શહેરના પિઝા શૉપ ખાતે અંદાજે 12 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જપ્ત કરાયેલ પનીરનો સ્થળ પર જ નાશ કર્યો હતો તેમજ સંબંધિત સંચાલકોને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટમાં પનીરના ઉત્પાદન કરતા એકમમાં અધિકારીઓ રેડ પાડવા જતા થોડીવાર માટે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. દરમિયાન સુરતના વેપારીઓએ નિર્ણયને આવકાર્યો હતો, પરંતુ સરકારે થોડો સમય આપવો જોઈતો હતો. વેપારીઓએ એકસાથે એકાદ અઠવાડિયાનો માલ ખરીદયો હોવાથી આર્તિક નુકસાન ગયું હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન સરકારે લોકોને પણ આરોગ્યયુક્ત પ્રોડેક્ટ્સ જ આરોગવાની અપીલ કરી હતી.