અમરેલીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. તેવામાં કેટલાક નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યાં છે તો કેટલાક નેતાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં પણ આવી રહ્યાં છે. આવું અમરેલીમાં પણ થયું છે. અમરેલીમાં ભાજપના પીઠ આગેવાન રાણાભાઈ રાદડિયા કોંગ્રેસમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે. ચૂંટણી ટાણે જ રાજકીય પક્ષોમાં આવી ઉથલ-પાથલ જોવા મળતી હોય છે. અત્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ટિકિટ માટે પક્ષ બદલવામાં આવી રહ્યાં છે.
બે દિવસ પહેલાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું
અમરેલી જિલ્લામાં ભાજપના પીઠ આગેવાન રાણાભાઇ રાદડિયાએ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. બે દિવસ પહેલાં જ રાણાભાઈ રાદડિયા અને તેમના ધર્મપત્ની હેમક્ષીબેન રાદડિયા એ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તે પછી અનેક પ્રશ્નો થઈ રહ્યાં હતા કે તેઓ કયાં પક્ષમાં જોડાશે, પરંતુ હવે કોંગ્રેસમાં જોડાયા હોવાની જાહેરાત થઈ ગઈ છે.
રાણાભાઇ રાદડિયા પત્ની સાથે કોંગ્રેસમાં જોડાયા
રાણાભાઇ રાદડિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપમાં પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેના કારણે જ બંને પતિ-પત્નીએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. હેમાક્ષીબેન રાદડિયા હાલમાં જિલ્લા પંચાયતની ઝીંઝુડા સીટના સદસ્ય તરીકે કાર્યરત થયાં હતાં. હવે રાજીનામા બાદ આજે રાણાભાઈ રાદડિયાએ કોંગ્રેસમાં સત્તાવાર પ્રવેશ કરીને રાજકીય સમીકરણોમાં હલચલ મચાવી દીધી છે.
આ બેઠક પરથી કોંગ્રેસમાંથી દાવેદારી કરશે
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ દેવાણી દ્વારા તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ, રાણાભાઈ રાદડિયા હવે અમરેલી જિલ્લાની વંડા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસમાંથી દાવેદારી કરી શકે છે. તેમના કોંગ્રેસમાં પ્રવેશને લઈને ભાજપમાં આંતરિક અસંતોષ બહાર આવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.