Thu Sep 10 2026

Logo

અમરેલીમાં વધુ એક સિંહણનું મોત, જાણો વનવિભાગે શું કર્યો દાવો

2026-06-05 11:58:00
Author: Mayur Patel
અમરેલીમાં વધુ એક સિંહણનું મોત, જાણો વનવિભાગે શું કર્યો દાવો

અમરેલીઃ રાજ્યમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને 12 સાવજના મોત થયા બાદ અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનું મોત થયું હતું. સિંહણનો બે દિવસ સુધી મૃતદેહ પડી રહ્યો હતો. ગર્ભમાં બચ્ચાનું મોત થવાના કારણે સિંહણનું મૃત્યુ થયાનો સત્તાવાર દાવો કરાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જમાં આવેલા લુવારિયા કૃષ્ણગઢ વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનો વનવિભાગે કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  હતી. દરમિયાન સ્થાનિક સ્તરે એવી ચર્ચા જાગી છે કે સિંહણનો મૃતદેહ બે દિવસથી વધુ સમયથી ત્યાં પડ્યો હતો અને ગ્રામજનો દ્વારા જાણ કરાયા બાદ વનવિભાગ  ઘટનાસ્થળે પહોંચ્યું હતું.

વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભમાં જ તેના બચ્ચાનું મોત થઈ ગયું હતું, જેના કારણે ઈન્ફેક્શન કે અન્ય તક્લીફને લીધે સિંહણનું પણ મૃત્યુ થયું હતું.  સિંહણના ગર્ભમાં બચ્ચાનું મોત થવાથી જ સિંહણનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને તેના કારણે થઈ રહેલા મૃત્યુ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા બે દિવસ પહેલાં જ વન મંત્રી અર્જુન મોઢવાડિયા જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સીસીએફ રતન નાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી અને 31 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને છેલ્લા ત્રણ દિવસથી એક પણ સિંહના મૃત્યુના સમાચાર નથી. આ  વચ્ચે જ વધુ એક સિંહણનું મોત થતાં વનવિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા હતા.

અમરેલીમાં છે સિંહોની સૌથી વધુ વસતી

ગત વર્ષે જાહેર થયેલા સિંહોની 16મી વસતી ગણતરીના આંકડા પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં વસે છે. અહીં સિંહોની સંખ્યા  339 નોંધાઈ હતી. આ આંકડો સમગ્ર ગુજરાતના કુલ સિંહની વસ્તીના આશરે 38 ટકા જેટલો હતો. અમરેલીના ધારી, ખાંભા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની વસતી સૌથી વધારે હતી.