Mon Sep 07 2026

Logo

"અમરાઈવાડીમાં ચાલે છે હિટલરશાહી" BJPના વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ કાઢ્યો બળાપો, સ્ક્રીનશોટ વાયરલ!

2026-03-15 10:50:00
Author: Devayat Khatana
"અમરાઈવાડીમાં ચાલે છે હિટલરશાહી" BJPના વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોએ કાઢ્યો બળાપો, સ્ક્રીનશોટ વાયરલ!

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકવાની તૈયારીઓ છે. આ સમયે સત્તાધારી ભાજપ, તેમજ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષે પણ તેની તૈયારીઓ આદરી દીધી છે. ભાજપે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મેદાનમાં  ફતેહ કરવા માટે દિગ્ગજોને શિરે જવાબદારી આપી છે, તેવા સમયે અમદાવાદ ભાજપમાં ભડકો બળ્યો છે. જેમાં અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ વિરોધનો સૂર રેલાવ્યો છે.  ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હોવાના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. 


મળતી વિગતો અનુસાર, હાલ સોશિયલ મીડિયા પર એક વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. ટીમ બીજેપી અમરાઇવાડી નામના વ્હોટ્સએપ ગ્રુપમાં ભાજપના જ ધારાસભ્ય ડો. હસમુખ પટેલ વિરુદ્ધ કાર્યકરોએ વિરોધના સૂર રેલાવ્યા છે. વાયરલ સ્ક્રીનશોટ મુજબ, એક કાર્યકરે મેસેજ કર્યો છે કે 'હર્ષ સંઘવી જ જવાબ નથી આપતા તો ધારાસભ્ય અને અન્ય હોદેદારો ને શું રજુઆત કરવી.' આગળ લખ્યું છે કે, 'કાર્યકર્તા છીએ પાર્ટી માટે કારખાનામાંથી દિવસ પાડીને પ્રચાર કરતા હોવી તેમજ પાર્ટીના હિત માટે કાર્યો કરતા હોવી નવા નવા યુવા કાર્યકતાનું જોડાણ કરતા હોવી આ બધી મેહનત કર્યા પછી જો તમને કોઇ હોદ્દેદાર જવાબ ના આપે તો કોની પાસે અપેક્ષા રાખીએ...????"

આગળ ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. જેમાં કાર્યકરે લખ્યું છે કે, 'અત્યારે અમરાવાડી વિધાનસભા હિટલરશાહી શાસન થી ચાલે છે.કોઇ કાર્યકર્તાઓનો કોઈ સાંભળવા માટે રાજી છે જ નહીં જો તમે સામે બોલો સામે પડો તો તમારી ઉપર તરત એક્શન લેવામાં આવે.' તેમજ આગળ આરોપ કર્યો હતો કે, 'અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામોમાં કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ હોય તેવું જણાતું નથી. ચૂંટાયા પછી આપ કોઈ પણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. તેના બદલે, એવું જોવા મળી રહ્યું છે કે આપનો સમય જે લોકો આપને પસંદ નથી, તેમને હેરાન પરેશાન કરવામાં વધુ ફાળવી રહ્યા છો. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિનું કામ જનતાની સેવા કરવાનું છે, નહીં કે અંગત અદાવત રાખવાનું. અમે આશા રાખીએ છીએ કે આપ આ વલણ બદલીને જનતાના પડતર પ્રશ્નો અને વિસ્તારના વિકાસ પર ધ્યાન આપશો અને ટૂંક સમયમાં જ રહીશોની મુલાકાત લેશો.'