અમદાવાદઃ થોડા દિવસ પહેલાં અમદાવાદમાં પડેલા મૂશળધાર વરસાદના કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદીય મત વિસ્તાર અંતર્ગત આવતું બોપલ પાણી પાણી થઈ ગયું હતું. બે - ત્રણ દિવસ સુધી કરોડોના બંગલામાંથી પાણી ઓસર્યા નહોતા. આ વિસ્તારમાં લોકોને રેસ્ક્યુ કરવા બોટો ચલાવવી પડી હતી. તેમજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જાત નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. બોપલમાં ભરાતા પાણી મુદ્દે મુખ્યમંત્રી, મેયરને ખખડાવી નાંખ્યા હતા. પત્ર લખીને તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવા જણાવ્યું છે.
અમિત શાહે શું લખ્યું છે પત્રમાં
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર હેઠળ આવતા અમદાવાદના બોપલ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આનો કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ લાવવા વિનંતી કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યાલય મુજબ, અમિત શાહે અમદાવાદના નવા શહેરી વિસ્તારો—બોપલ, આંબલી, ઘુમા અને શીલજ, શેલામાં ભારે વરસાદ બાદ સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને ગંભીરતાથી લીધી છે.
અમિત શાહના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તેથી, અમિત શાહે મુખ્યમંત્રી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વારંવાર સર્જાતી આ સમસ્યાનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ વિસ્તારોને વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભૌગોલિક પરિસ્થિતિ અને જૂની ડ્રેનેજ સિસ્ટમ સક્ષમ ન હોવાને કારણે ભારે વરસાદ દરમિયાન અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમિત શાહે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે આનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ
અમિત શાહના નિર્દેશ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર વિસ્તારનું સર્વેક્ષણ કરાવ્યું હતું અને ઝોન મુજબ વરસાદી પાણીના નિકાલ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. આ અંતર્ગત એવા વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હાલમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સમગ્ર વિસ્તારનો હાઇડ્રોલોજિકલ સર્વે કરાવ્યો છે અને ઝોન-વાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમ પણ જણાવ્યું હતું કે આ સિવાય પાણી ભરાતા હોય તેવા સ્થળોની ઓળખ કરીને ત્યાં જરૂરી ઉપાયો કરવામાં આવશે.અમિત શાહના નિર્દેશો પર AMC દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીથી આગામી વર્ષોમાં બોપલ, આંબલી, ઘુમા અને શેલાના રહીશોને પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.