અમદાવાદઃ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ મુજબ 48 કલાકમાં અમદાવાદ-ગાંધીનગર બેટમાં ફેરવાઈ શકે છે. અમદાવાદના બોપલ, શીલજ, ઘુમા, આંબલી જેવા પોશ વિસ્તારો સહિત નિકોલ, ઓઢવ, અમરાઈવાડી, ઈન્ડિયાકોલોની પર સૌથી વધુ ખતરો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અંબાલાલ મુજબ, મેઘરાજાની ધોધમાર એન્ટ્રીથી અમદાવાદ-ગાંધીનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે. સતત વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ, વાહનવ્યવહાર પર અસર અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા તેમણે અપીલ કરી હતી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે 30 જુલાઈની રાતથી વરસાદની શરૂઆત થશે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તોરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 3 ઓગસ્ટથી 13-14 ઑગસ્ટ સુધી પણ તબક્કાવાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.
અંબાલાલ પટેલ મુજબ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15 થી 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.
આવતીકાલે રાજ્યના કયા જિલ્લામાં વરસાદનું કયું એલર્ટ
રેડ એલર્ટઃ અમદાવાદ, વડોદરા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નર્મદા , તાપી, ડાંગ
ઓરેન્જ એલર્ટઃ રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ
યલો એલર્ટઃ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, મહેસાણા, વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર