Tue Oct 06 2026

Logo

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, મંદિરથી ગબ્બર સુધી રોશની અને સમગ્ર રૂટ પર સુરક્ષા

2026-09-20 15:22:00
Author: Mumbai Samachar Team
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, મંદિરથી ગબ્બર સુધી રોશની અને સમગ્ર રૂટ પર સુરક્ષા

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યભરમાંથી લાખો માઇભક્તોએ પગપાળા અંબાજી તરફ પદયાત્રા કરવાનું શરૂ કરી દીધું છે. માઈભક્તોના હૈયામાં માતાજીના દર્શનની આતુરતા છે. તો સાથે આસ્થાનો ભાવ ભરીને ભાવિકો પોતાના ડગ આગળ વધારી રહ્યા છે.  સેવાભાવી લોકોમાં પદયાત્રિઓની સેવા કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર પીવાના પાણીથી સગવડથી લઈને રાત્રીના ભોજનીયા સુધી અને ચા થી લઈ મેડિકલ સારવાર સુધીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  મેળો સુચારું રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂરી કરી દેવામાં આવી છે. 

28 જેટલી જુદી જુદી કમિટીને સોંપાઈ જવાબદારી
છેલ્લા 193 વર્ષથી ભાદરવી પૂનમનો મહા મેળો ભરાય છે. લાખો માઇભક્તો પદયાત્રા કરીને મા અંબેને નવરાત્રિમાં ઘરે પધારવા માટે આમંત્રણ આપવા પહોંચે છે.  મેળાનો ભક્તિ ભાવપૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે. ‘જય અંબે… જય અંબે’ રસ્તા ઉપર નાદ સંભળાય છે  વહીવટી તંત્ર દ્વારા 28 જેટલી સમિતિઓ બનાવાઈ છે, જુદા જુદા કામ અને સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડા તરફથી એક ટીમ તૈયાર કરીને પદયાત્રીઓના પોષાક પર નાઈટ વિઝન ટેગ લગાવવામાં આવ્યા છે.

જે મોટા વાહનોને લાઈટમાં પણ દેખાય. અંબાજી તરફના મુખ્ય માર્ગો ઉપર સ્ટ્રીટલાઈટો નાખવામાં આવી છે. તેમજ મંદિરને લાઇટિંગથી આકર્ષક શણગાર કરાયો છે. ગબ્બર પર રોશની આકર્ષણનું કેન્દ્ર બની છે. અંબાજી જતા પદયાત્રિકોની સુરક્ષા માટે વીમા કવચ લેવામાં આવ્યું છે.  એમ્બ્યુલન્સ સાથે મેડિકલ સ્ટાફ ખડે પગે છે. આ સાથે  રસ્તામાં પણ મેડિકલ સુવિધાઓ ઊભી કરાઈ છે. ખાસ કરીને કેમ્પમાં પ્રાથમિક સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ડ્રોન કેમેરા દ્વારા મોનિટરિંગી
ડ્રોન કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ માટે પોલીસે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. જેમાંથી દરેક ભક્તો પર નજર રાખવામાં આવી છે. પદયાત્રિકોને શાંતિથી ઘરે પરત ફરી શકે તે માટે રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દ્વારા એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. બસના પાર્કિંગથી મંદિર સુધી જવા માટે પણ ખાસ વાહનનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

સ્વચ્છતા રહે અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.  જટાયું મશીન દ્વારા તમામ માર્ગોની સાફ-સફાઈ કરાશે. આશરે 4000થી વધુ સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. પદયાત્રીઓ મા અંબાનો જયજયકાર કરતા આગળ વધી રહ્યા છે. સમગ્ર રૂટ પર પીવાના પાણીની ઘટ ન થાય એ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.