ગાંધીનગર : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પણ અમુક બેઠકો પર વિજય મેળવ્યો છે. આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોરબંદરની કુતિયાણા અને ખેડાના કઠલાલ બેઠક પર વિજય મેળવ્યો છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ ચાલ્યો
આ અંગે મળતી માહિતી મુજબ પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ ચાલ્યો છે. તેમની પેનલે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે આ બેઠક પર શાનદાર વિજય મેળવ્યો છે. જયારે ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં પણ વિજય મેળવ્યો છે.
પક્ષના કાર્યકરોમાં ઉજવણીનો ઉત્સાહ
જોકે, કુતિયાણામાં ભાજપ અને અન્ય પક્ષોએ આ બેઠક જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ સ્થાનિક સ્તરે કાંધલ જાડેજા અને તેમના પક્ષના નેટવર્કના વ્યૂહાત્મક આયોજન સામે કોઈ ટકી શક્યું નહીં. મત ગણતરી પછી રાકેશભાઈને વિજેતા જાહેર થતાં જ પક્ષના કાર્યકરોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી
આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM એ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. ડિંડ્રોલ તાલુકા પંચાયત બેઠક પર AIMIM ના ઉમેદવારે કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવીને વિજય મેળવ્યો છે. જેમાં સિદ્ધપુર ક્ષેત્રમાં AIMIM એ પહેલીવાર પોતાનું ખાતું ખોલ્યું છે.જ્યારે અબ્બાસ અલીમાદ આસામીને 1877 મતોના માર્જિનથી ડિંડ્રોલ તાલુકા પંચાયત બેઠકના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.