Sun Sep 13 2026

Logo

મુંબઈની ચાર વિકેટ લેનાર આ ખેલાડી અપરાધની દુનિયા વચ્ચે ઉછર્યો અને દમદાર ક્રિકેટર બન્યો

2026-04-24 17:35:18
Author: Ajay Motiwala
મુંબઈની ચાર વિકેટ લેનાર આ ખેલાડી અપરાધની દુનિયા વચ્ચે ઉછર્યો અને દમદાર ક્રિકેટર બન્યો

PTI


મુંબઈઃ રમત-ગમ્મતમાં જિંદગી બદલાઈ જતી હોય છે, પરંતુ કહેવાય છેને કે ક્યારેક કોઈ રમત કોઈની જિંદગી જ બદલી નાખે છે અને વેસ્ટ ઇન્ડિઝના સ્પિનર અકીલ હોસૈન (Akeal Hosein)ની બાબતમાં કંઈક આવું જ બન્યું છે જેના વિશે આપણે વિગતે જાણીશું.

સૌથી પહેલાં જાણી લઈએ કે કેમ અકીલ હોસૈનની વાત નીકળી છે. 32 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર અને લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અકીલ જેરોમ હોસૈને ગુરુવારે વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં પહેલાં તો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સાથી ખેલાડી અને ઓપનર સંજુ સૅમસન (101 અણનમ, 54 બૉલ, 109 મિનિટ, છ સિક્સર, દસ ફોર)ને ચેન્નઈની ઇનિંગ્સની છેલ્લી ક્ષણોમાં સેન્ચુરી પૂરી કરવામાં સારો સાથ આપ્યો હતો.

અકીલને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આ મૅચમાં રમાડવામાં આવ્યો હતો. તે 11 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને બે બૉલમાં બનાવેલા બે રને અણનમ રહ્યો હતો. ત્યાર બાદ અકીલે બોલિંગમાં કમાલ કરી નાખી હતી. તેની ચાર ઓવરમાં એક મેઇડન હતી અને 17 રનમાં ચાર વિકેટ લીધી હતી. એમાં પણ નમન ધીર (0) અને પાછલી મૅચના સેન્ચુરિયન તિલક વર્માને અકીલે ક્લીન બોલ્ડ કર્યા હતા. મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર સૅમસનને મળ્યો હતો અને એ નિર્ણય યોગ્ય હતો, પરંતુ અકીલનું પણ ચેન્નઈને 103 રનથી વિજય અપાવવામાં બહુ મોટું યોગદાન હતું. તેણે 24 બૉલમાં મુંબઈનો સંભવિત વિજય નિષ્ફળ બનાવી દીધો હતો.

PTI

બે કરોડ રૂપિયામાં સાઇન કર્યો

અકીલ એવો ખેલાડી છે જેણે ખેલકૂદ (તેના કિસ્સામાં ક્રિકેટ)ના માધ્યમ મારફત પોતાને તેમ જ પોતાના પરિવારને અપરાધની દુનિયાથી દૂર રાખ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ વતી 40 વન-ડેમાં 63 વિકેટ અને 96 વન-ડેમાં 93 વિકેટ લઈ ચૂકેલા અકીલે ત્રણ વર્ષ બાદ આઇપીએલમાં વાપસી કરી છે. અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમી ચૂકેલો અકીલ ચેન્નઈ વતી રમે છે અને ચેન્નઈનું ફ્રૅન્ચાઇઝી તેને આ વખતની આઇપીએલ રમવાના બે કરોડ રૂપિયા આપવાનું છે.

બ્રાયન લારાવાળા ટાપુ ત્રિનિદાનમાંથી ઊભર્યો અકીલ હોસૈન

અકીલ હોસૈન ટ્રિનિદાદ ઍન્ડ ટૉબેગો ટાપુના લેવંટિલ નામના નગરમાંથી ક્રિકેટના ફલક પર આવ્યો છે. ક્રિકેટના મેદાન સુધીની તેની સફર જરાય આસાન નહોતી, કારણકે તે જે જ્યાં રહેતો હતો એ વિસ્તાર ગુનાખોરી અને ગૅન્ગવૉર માટે જાણીતો હતો. આ નામચીન વિસ્તારમાં અનેક ગૅન્ગ હતી અને એમાં યુવાનોની ભરતી કરવામાં આવતી હતી. જોકે અકીલ એ અસામાજિક તત્વોની વચ્ચે જ રહીને મોટો થયો, પરંતુ એ બધાથી દૂર રહ્યો હતો, પોતાના પરિવારજનોને પણ તેમનાથી દૂર રાખ્યા હતા અને ક્રિકેટમાં કરીઅર બનાવવા પર ધ્યાન આપ્યું હતું. તે પોતાના ટાપુની સ્થાનિક ક્રિકેટમાં ખૂબ સારું રમ્યો અને વેસ્ટ ઇન્ડિઝની આંતરરાષ્ટ્રીય ટીમ સુધી અને પછી આઇપીએલ સુધી પહોંચ્યો હતો. ત્રિનિદાદ એ જ ટાપુ છે જેણે ક્રિકેટ જગતને બ્રાયન લારા સહિત ઘણા નામાંકિત ક્રિકેટરો આપ્યા છે. અકીલ હોસૈને સ્થાનિક સ્તરે ચમક્યા બાદ પાટનગર પોર્ટ ઑફ સ્પેન સુધીની સફર કરી હતી જ્યાં તેને સુનીલ નારાયણ અને કીરૉન પોલાર્ડ જેવા દિગ્ગજોએ તેને કમાણી કરવાથી માંડીને રહેવાની વ્યવસ્થા સંબંધમાં મદદ કરી હતી.