Tue Sep 22 2026

Logo

'કારકિર્દી પૂરી થઈ ગઈ લાગતી હતી...': IIT રૂરકીના દીક્ષાંત સમારોહ દરમિયાન અજીત ડોભાલે યાદ કર્યો એક રોમાંચક કિસ્સો

2026-09-19 19:39:47
Author: Vimal Prajapati
'કારકિર્દી પૂરી થઈ ગઈ લાગતી હતી...': IIT રૂરકીના દીક્ષાંત સમારોહ દરમિયાન અજીત ડોભાલે યાદ કર્યો એક રોમાંચક કિસ્સો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે IIT રૂરકીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના કરિયરના શરૂઆતી દિવસોનો એક એવો કિસ્સો સંભળાવ્યો, જે એક સમયે તેમના માટે કારકિર્દીનો અંત સાબિત થઈ શકે તેમ હતો. તેમણે 20 વર્ષની ઉંમરે સિક્કિમમાં બોર્ડર ઈન્ટેલિજન્સ મિશન દરમિયાન અનુભવેલી ગંભીર પરિસ્થિતિ અને તેમાંથી મેળવેલી મોટી શીખ વિશે ખુલીને વાત કરી છે.

ડોભાલે ઇન્ટેલિજન્સ સર્વિસ દરમિયાનની ઘટનાને યાદ કરી

અજીત ડોભાલે જણાવ્યું કે, ‘જ્યારે હું IPS અધિકારી હતો અને ઇન્ટેલિજન્સ સર્વિસમાં નવો હતો, ત્યારે મારી પોસ્ટિંગ સિક્કિમમાં ઈન્ટેલિજન્સ ઈનચાર્જ તરીકે થઈ હતી. તે સમયે સિક્કિમ ભારતનું સંપૂર્ણ અંગ બનવાની પ્રક્રિયામાં હતું. મારી જવાબદારી સરહદી વિસ્તારોની મોનિટરિંગ કરવાની અને ચીનની પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ની ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતી એકઠી કરવાની હતી’. આ દિવસોને યાદ કરતા તેમને મહત્વપૂર્ણ વાત યાદ કરી છે.

વધુમાં વાત કરતા ડોભાલે જણાવ્યું કે, ‘એકવાર અમે બોર્ડર નજીક એક ખાસ ગુપ્ત મિશન પર ટીમ મોકલી હતી. સામાન્ય રીતે તે ટીમે 5 થી 6 દિવસમાં પાછા ફરવાનું હતું. પરંતુ 10 દિવસ, અને પછી 15 દિવસ વીતી ગયા છતાં ટીમ પાછી ફરી નહીં. માનવતાવાદી અને પ્રોફેશનલ એમ બંને દ્રષ્ટિએ આ મારા માટે ખૂબ જ ચિંતાજનક ક્ષણ હતી, કારણ કે અમને ખબર નહોતી કે તે લોકો જીવિત છે કે મૃત્યુ પામ્યા છે’. 

આ દરમિયાન કોઈ હિમસ્ખલનના અહેવાલો પણ નહોતા, જે ચિંતામાં વધારો કરી રહ્યા હતા. એવામાં હેડક્વાર્ટર તરફથી તેમના સિનિયર અધિકારીનો ફોન આવ્યો. સિનિયરે પૂછ્યું કે શું તેમણે સરહદ પાર કોઈને મોકલ્યા છે? ડોભાલે જવાબ આપ્યો કે ટીમ પાછી આવી જવી જોઈતી હતી પરંતુ તે આવી નથી. ત્યારે સિનિયરે જણાવ્યું કે આખી ઈન્ટેલિજન્સ ટીમ ચીની સેનાના કબ્જામાં (Custody) છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ રાજદ્વારી વાટાઘાટો અને કરાર પછી ચીને તેમને મુક્ત કર્યા છે. જ્યારે ટીમ પાછી ફરી ત્યારે તેઓ શારીરિક અને માનસિક રીતે તૂટી ચૂક્યા હતા.

મને લાગ્યું કે મારી કારકિર્દી ખતમ થઈ ગઈઃ અજીત ડોભાલ

આ ઘટના બાદ વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. અજીત ડોભાલે કહ્યું, ‘મને લાગ્યું કે મારા કરિયરનો અહીં જ અંત આવી ગયો છે અને મારે હવે નવેસરથી કશુંક શરૂ કરવું પડશે. પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવ્યું કે મારી કોઈ ભૂલ નહોતી. હેડક્વાર્ટર તરફથી જે નકશાઓ અને સ્કેચ આપવામાં આવ્યા હતા તેમાં જ ખામીઓ હતી, જેના લીધે ટીમ ભૂલી પડીને ચાઇનીઝ ક્ષેત્રમાં પહોંચી ગઈ હતી’.

IIT રૂરકીના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં NSA ડોભાલે ઉમેર્યું કે, આજની યુવા પેઢી ટેકનોલોજી અને તકોની દ્રષ્ટિએ સૌથી ભાગ્યશાળી છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, જો તમારો મેપ' અને દિશા સ્પષ્ટ હશે તો સફળતા ચોક્કસ મળશે. પોતાના સમયની ઘટનાઓને યાદ કરીને અજીત ડોભાલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.