Sat Nov 07 2026

Logo

જેણે ભારત પર 500 ટકા ટેરિફ લાદવાનો બનાવ્યો હતો પ્લાન, જાણો કેવી રીતે અમેરિકી ચૂંટણીમાં ધૂળ ચાટતી થઈ ગઈ તેની બહેન!

Washington, D.C.   2026-11-04 15:36:36
Author: Darshana Visaria
જેણે ભારત પર 500 ટકા ટેરિફ લાદવાનો બનાવ્યો હતો પ્લાન, જાણો કેવી રીતે અમેરિકી ચૂંટણીમાં ધૂળ ચાટતી થઈ ગઈ તેની બહેન!

વોશિંગ્ટન: યુએસ મિડટર્મ ચૂંટણી પરિણામોમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીને મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રિપબ્લિકન પક્ષના સૌથી મજબૂત ગઢ ગણાતા સાઉથ કેરોલિના રાજ્યમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. અહીં યોજાયેલી સેનેટ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર એની એન્ડ્રુઝે રિપબ્લિકન સેનેટર ડાર્લીન ગ્રેહામને કારમી હાર આપી છે.

ડાર્લીન ગ્રેહામ એ ભારતના કટ્ટર આલોચક રહેલા અને જુલાઈ, 2026માં અવસાન પામેલા પાંચ ટર્મના દિગ્ગજ સેનેટર રહી ચૂકેલાં લિન્ડસે ગ્રેહામના બહેન છે. આ જીત સાથે સાઉથ કેરોલિનામાં છેલ્લાં બે દાયકા એટલે કે વીસ વર્ષમાં પહેલી વખત કોઈ ડેમોક્રેટ ઉમેદવાર સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

બાળરોગ નિષ્ણાત સામે રિપબ્લિકન્સનો ગઢ ધ્વસ્ત
સ્થાનિક ન્યુઝ ચેનલ અનુસાર, વ્યવસાયે પીડિયાટ્રિશિયન એવા ડેમોક્રેટ ઉમેદવાર એની એન્ડ્રુઝે રિપબ્લિકન પાર્ટીના પ્રભાવશાળી ગ્રેહામ પરિવારના દબદબાનો અંત આણ્યો છે. આ પરિણામ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે માત્ર બે વર્ષ પહેલાં પ્રેસિડેન્શિયલ રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ જ સાઉથ કેરોલિનામાંથી 17 ટકાથી વધુના જંગી માર્જિનથી જીત મેળવી હતી. હવે ત્યાં ડેમોક્રેટ્સનો ઝંડો લહેરાતાં રિપબ્લિકન છાવણીમાં સોપો પડી ગયો છે.

ભારત પર 500 ટકા ટેરિફ લાદવાની ધમકી આપનાર લિન્ડસે ગ્રેહામની સીટ
જુલાઈ, 2026માં સાઉથ કેરોલિનાના પાંચ વખતના સેનેટર લિન્ડસે ગ્રેહામનું અવસાન થતાં ગવર્નર હેનરી મેકમાસ્ટરે તેમની ખાલી પડેલી સીટ પર તેમના બહેન ડાર્લીન ગ્રેહામને નિયુક્ત કર્યા હતા. દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામ ભારત વિરોધી નિવેદનો આપવા માટે કુખ્યાત હતા. 

લિન્ડસે ગ્રેહામે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ નવી દિલ્હીની આકરી ટીકા કરી હતી અને ભારત પર યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવાનો ખુલ્લેઆમ આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર અમેરિકાએ 500 ટકા ટેરિફ લાદવો જોઈએ તેવી ધમકીઓ પણ તેમણે આપી હતી.

કેન્સાસમાં 94 વર્ષ અને ટેક્સાસમાં 36 વર્ષ પછી ડેમોક્રેટ્સની ઐતિહાસિક વાપસી
સાઉથ કેરોલિના ઉપરાંત દેશભરમાંથી આવી રહેલા મિડટર્મ પરિણામો ટ્રમ્પ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યા છે. કેન્સાસ રાજ્યમાં લગભગ 94 વર્ષ બાદ ડેમોક્રેટિક પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યાં ડેમોક્રેટ એડમ હેમિલ્ટને રિપબ્લિકન રોજર માર્શલને પરાજિત કર્યા છે. 

રિપબ્લિકન્સનો સૌથી મોટો ગઢ ગણાતા ટેક્સાસમાં 36 વર્ષ પછી ડેમોક્રેટિક ગવર્નર ચૂંટાયા છે, અને 33 વર્ષ પછી પાર્ટીએ અહીં પોતાની પ્રથમ સેનેટ સીટ પર વિજય મેળવ્યો છે. મોંઘવારી, ઈરાન સાથેની યુદ્ધ જેવી સ્થિતિ અને આંતરિક નારાજગી વચ્ચે આ પરિણામો આગામી સમયમાં અમેરિકી સંસદનું સત્તા સમીકરણ સંપૂર્ણપણે બદલી શકે છે.