Thu Nov 19 2026

Logo

સાવધાન, રાજકોટના કેફેમાં મંજૂરી વિના બૉલીવુડ ગીતો વગાડાતા કોપીરાઈટનો ગુનો દાખલ, જાણો વિગતો...

2026-11-04 18:26:11
Author: Chandrakant Kanoja
સાવધાન, રાજકોટના કેફેમાં મંજૂરી વિના બૉલીવુડ ગીતો વગાડાતા કોપીરાઈટનો ગુનો દાખલ, જાણો વિગતો...

AI પ્રતીકાત્મક તસવીર


રાજકોટ: દેશમાં સામાન્ય રીતે હોટલ અને કેફેના બૉલીવુડ ગીતો વાગતા હોય છે. પરંતુ રાજકોટમાં કેફેમાં મંજૂરી વિના હેલોવિન પાર્ટીમાં ડીજે પર બોલીવુડ ગીતો વગાડવા બદલ પ્રથમ વખત કોપીરાઇટનો ગુનો દાખલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે હવે કોમર્શિયલ ધોરણે બૉલીવુડ ગીતો વગાડતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

કંપનીના પ્રતિનિધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી  

આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટમાં કોકોનટ કાઉન્ટી પાર્ટી લોન્સ કેફે સામે આવેલા ક્યુરે કાફે માં મંજૂરી વગર હિન્દી બોલિવૂડ સાઉન્ડ ટ્રેક વગાડવા બદલ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે  ફોનોગ્રાફિક પરફોર્મન્સ લિમિટેડ કંપનીના પ્રતિનિધીઓએ પોલીસમાં  ફરિયાદ નોંધાવી હતી.  

13 ગીતો ઈવેન્ટ લાઇસન્સ વગર વગાડવામાં આવ્યા 

જેમાં કંપનીના પ્રતિનિધીઓ ક્યુરે કેફેમાં હેલોવિન નાઈટ પાર્ટીની જાહેરાત જોઈ હતી.તેમજ તેમાં ડીજે પાર્ટીનું આયોજન હોવાની વિગતો પણ મળી હતી. જેની બાદ કંપનીના પ્રતિનિધીઓએ  
પાસ ખરીદીને 31 ઓક્ટોબરની રાત્રે કેફે ખાતે પહોંચ્યા હતા. જેમાં રાત્રે  કેફેમાં પીપીએલ અધિકૃત કંપનીઓના કોપીરાઇટ ધરાવતા 13  ગીતો કોઈ પણ જાતના બેકગ્રાઉન્ડ કે ઈવેન્ટ લાઇસન્સ વગર વગાડવામાં આવી રહ્યા હતા.

કેફે સંચાલકે રૂ.1.25 લાખ ફી ભરવાની થતી હતી

જેનો સ્થળ પર હાજર પ્રતિનિધીઓએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરી પુરાવા એકત્ર કર્યા હતા. તેની બાદ  રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેફેના સંચાલક-જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 51 અને 63 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કંપનીએ દાવો કર્યો હતો કે કંપનીના નિયમ મુજબ ગીતો વગાડવાના લાઇસન્સ પેટે કેફે સંચાલકે રૂ.1.25 લાખ ફી ભરવાની થતી હતી. જે ફી તેઓએ ન ભરતા તેની સામે ગુનો નોંધાવ્યો છે.

‘દીવાનિયત’, ‘સૂરજ ડૂબા હૈ’, ‘શીલા કી જવાની’ જેવા 13 ગીતો વગાડાયા 

આ ઉપરાંત કેફેમાં ‘અંગ્રેજી બીટ’, ‘દીવાનિયત’, ‘સૂરજ ડૂબા હૈ’, ‘શીલા કી જવાની’ જેવા 13 ગીતો લાઇસન્સ વગર વગાડવામાં આવ્યા હતા. તેમજ કંપનીએ જણાવ્યું હતું કે તેમની પાસે 450થી વધુ મ્યુઝિક લેબલ્સના કોપીરાઇટ અધિકારો છે. કોઈપણ વ્યવસાયિક સંસ્થા, હોટેલ કે કેફે જ્યારે પબ્લિક ઈવેન્ટમાં સંગીત કે સાઉન્ડ રેકોર્ડિંગ વગાડે ત્યારે કાયદેસરનું ઈવેન્ટ અથવા બેકગ્રાઉન્ડ લાઇસન્સ લેવું ફરજિયાત છે.