લાતુર: લાતુર જિલ્લાની કોર્ટે ટ્રાયલ દરમિયાન 35 વર્ષના આરોપીએ બળાત્કારનો ભોગ બનેલી સગીરા સાથે લગ્ન કર્યાં છતાં તેની સામે કોઇ દયા દાખવી નહોતી અને તેને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી. જજ એસ.એ. સૈયદે 2 નવેમ્બરે આદેશ જારી કર્યો હતો, જેમાં સગીરાનું અપહરણ અને તેની સાથે દુષ્કર્મ આચરવા બદલ આરોપી વિપુલ સખારામ બનકરને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી વિપુલ બનકરને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
સગીરાને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવા અને 26 સપ્ટેમ્બર, 2015ના રોજ તેની સાથે દુષ્કર્મ આચરવાનો બનકર પર આરોપ છે. સગીરાના પિતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે લાતુર ગ્રામીણ પોલીસે આરોપી સામે ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ટ્રાયલ દરમિયાન તપાસકર્તા પક્ષે પીડિતા સહિત 14 સાક્ષીદારોને ચકાસ્યા હતા. બનકરે ત્યાર બાદ પીડિતા સાથે લગ્ન કરી લીધાં હતાં અને પીડિતાની ફરી જુબાની નોંધવા માટે પૂછ્યું હતું. જોકે કોર્ટે તેની વિનંતી નકારી કાઢી હતી.
.સજાથી બચવા માટે બનકરે પોતાનાં લગ્ન તેમ જ સંતાનનો હવાલો આપ્યો હતો. જોકે સરકારી વકીલ એસ.એમ. મુંદડા અને વિશેષ સરકારી વકીલ મંગેશ મહિન્દ્રકરે ધ્યાન દોર્યું હતું કે લગ્ન સંબંધી વિવાદોને કારણે દંપતી સાથે રહેતું નથી. કોર્ટે ત્યાર બાદ આરોપીને દોષી ઠેરવ્યો હતો અને સજા ફટકારી હતી. (પીટીઆઇ)