Fri Sep 11 2026

Logo

ઍરલાઈન્સમાં નોકરીની લાલચે છેતરપિંડી: દહેરાદૂનના કૉલ સેન્ટરમાંથી 11 પકડાયા

2026-07-02 17:27:34
Author: Yogesh C. Patel
ઍરલાઈન્સમાં નોકરીની લાલચે છેતરપિંડી: દહેરાદૂનના કૉલ સેન્ટરમાંથી 11 પકડાયા

મુંબઈ: ઍરલાઈન્સમાં નોકરી અપાવવાની લાલચે અનેક લોકો પાસેથી નાણાં પડાવી કથિત છેતરપિંડી કરનારા દહેરાદૂનના કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી માનખુર્દ પોલીસે 11 આરોપીની ધરપકડ કરી હતી.

માનખુર્દ પરિસરમાં રહેતી એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ બાદ હાથ ધરાયેલી તપાસમાં પોલીસ કૉલ સેન્ટર સુધી પહોંચી હતી. ઍરલાઈન્સ કંપનીમાં નોકરીની ખાતરી આપી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન મહિલા સાથે છેતરપિંડી થઈ હતી, એવું માનખુર્દ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ભરતી પ્રક્રિયાના ચાર્જને બહાને મહિલાને 2.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. આ માટે આરોપીઓએ અલગ અલગ બૅન્ક ખાતાંની વિગતો મહિલાને આપી હતી અને તેમાં રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું.

રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી પણ મહિલાને નોકરી મળી નહોતી. આરોપીઓ ઉડાઉ જવાબ આપતા હતા અને પછી કૉલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ માનખુર્દ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ઉત્તરાખંડમાં ધમધમતા કૉલ સેન્ટરના માધ્યમથી આ છેતરપિંડી કરાઈ હતી. માહિતીને આધારે પોલીસની ટીમે નોકરી ઇચ્છુકોને છેતરનારા કૉલ સેન્ટર પર રેઇડ કરી હતી. કૉલ સેન્ટર સાથે સંકળાયેલા 11 જણની ધરપકડ કરી નવ લૅપટોપ, 13 મોબાઈલ ફોન્સ અને અન્ય સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)