Thu Apr 16 2026

Logo

હવાઈ મુસાફરી થશે મોંઘી! આ એરલાઈને ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો

2026-04-07 14:38:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે ઇંધણનો પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે જેટ ફ્યુઅલના ભાવમાં પણ વધારો નોંધાયો છે, જેની અસર મુસાફરોના બજેટ પર થશે. એર ઇન્ડિયાએ એર ફેરમાં વધારાની જાહેરાત કરી છે, એરલાઈને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર ફ્યુઅલ સરચાર્જની જાહેરાત કરી છે.

ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સ એર ઇન્ડીયાએ જણાવ્યું કે નવું સરચાર્જ સ્ટ્રકચર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે 8 એપ્રિલથી અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 10 એપ્રિલ લાગુ થશે. એર લાઈને જણાવ્યું કે આ પગલાને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં મોટો વધારો થયો છે, જેના પરિણામે વિશ્વભરમાં એરલાઇન્સ ઓપરેશનનાં ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને આ સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.

મુસાફરોને વધુ રૂપિયા ચુકવવા પડશે:
ડોમેસ્ટિક ટ્રાવેલ માટે, એર ઇન્ડિયાએ ડીસ્ટંટ-બેઝ્ડ મોડેલ પર અપનાવ્યું છે. ટૂંકા અંતરના રૂટ (0-500 કિમી) માટે મુસાફરોને હવે પ્રતિ સેક્ટર વધારાના ₹299 ચૂકવવા પડશે, જ્યારે 2,000 કિમીથી વધુ લાંબા રૂટના મુસાફરો પાસેથી ₹899 સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે.

ઇન્ટરનેશનલ રૂટની ફ્લાઈટ્સના ભાડામાં વધુ વધારો થયો છે. ઇન્ડિયાએ નજીકના SAARC દેશોના શહેરો માટે $24 નો સરચાર્જ લાગુ કર્યો છે, જ્યારે ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા લાંબા અંતરના રૂટ માટે $280 સુધીનો સરચાર્જ લાગુ કર્યો છે.

એર ઇન્ડિયાએ જણાવ્યું કે ઇંધણ ખર્ચનો એક ભાગ એરલાઈન ભોગવી રહી છે, આ બફર વિના મુસાફરો માટે ભાડામાં વધુ વધારો થઈ શક્યો હોત.

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ડેટા અનુસાર, માર્ચના અંત સુધીમાં જેટ ફ્યુઅલનો પ્રતિ બેરલ ભાવ $195.19 સુધી પહોંચી ગયા છે, જે કેટલાક અઠવાડિયા પહેલા $99 પર હતાં.