ડૉ. બળવંત જાની
પ્રસંગ ઘટનાની કથા તો એવી છે કે પાંચાલના ચોટીલા ડુંગ2ની તળેટીના રેશમિયા ગામના આહીર દંપતિનું અકસ્માતે-અકાળે નિધન થતાં, એની સાથે ઢોર-ઢાંખરને સાચવતા કચ્છના ચારણ દંપતિએ આહીર બાળને ઉછેર્યો. પોતાની પુત્રી વેજી કરતા પણ સવાઈ સાચવણી કરીને આહિર બાળકને ઉછેર્યો, કમાતો ધમાતો કરીને એને ગામ, એની જમીન જાયદાત, ઢોર-ઢાંખર સહિત રેશમિયે મૂક્યો. એને બધા રેશમિયો કહેતા. વાગડ શાખાના ભેડા આહિરે ચારણ દંપતિનાં આશીર્વાદ લીધા અને બહેન સમાન વેજીબાઈને કાપડું માગવા કહ્યું. વેજી કહે મારે જરૂર પડશે ત્યારે કાપડું માગીશ. આપ જો કહીને ચારણ પરિવાર તો પુન: સારું વરસ થતાં કચ્છમાં સ્થિર થયો.
ઘણો સમય, વર્ષો વીત્યા. ચારણ દંપતી અનંતની યાત્રાએ નીકળી ગયું. વેજીબાઈ એના પતિગૃહે જાન-માલ, ઢોર-ઢાંખર ઉપર પોતાનાં કુટુંબનું ગુજરાન ચલાવે. બે સંતાનો થયા. નાનકડી બીમારી માં આઈ વેજીબાઈના પતિનું અકાળે નિધન થયું. ઘરનો કારભાર એમને માથે આવ્યો, એમાં દુષ્કાળ પડયો. જીવન ચલાવવું આકરું થઈ પડયું.વેજીબાઈ પૂજા-પાઠ, ભજન અને કિર્તનમાં સમય વિતાવે. એમની ભક્તિથી બધા આઈમા, વેજીઆઈ સંબોધતા. એમનું સત્યનિષ્ઠ, પવિત્ર જીવન, વ્રત, તપ અને ઉપાસનાથી સમાજમાં પણ ઘણો પ્રભાવ.
દુષ્કાળનો કપરો સમય પાર ઉતારવા પોતાના માનેલા ધર્મના ભાઈ આહિર રેશમિયા ભેડા પાસે-પાસે પોતાના બાળકો અને ઢોર-માલ લઈને નીકળી. માતાજીના જાપ કરતાં-કરતાં થોડા દિવસો બાદ રેશમિયે ગામ પહોંચી. સાંજ પડવા આવી હતી.
ગામના પાદરમાં જ એક ઘોડે સવાર મળ્યો. એને પૂછયું કે રેશમિયા ભેડા આહિરનું ઘર ક્યાં આવ્યું. ઘોડેસવાર કહે આપને શું થાય. વેજીઆઈએ કહ્યું અમો તો ચારણ છીએ. કચ્છમાં દુષ્કાળ પડયો એટલે એમની પાસે અમે દુષ્કાળ ગાળવા આવ્યા છીએ.
ઘોડેસવાર પોતે જ રેશમિયાં આહિર હતો એને થયું કે આમને સાચવવા કપરું છે એટલે કહી દીધું કે રેશમિયો તો ગયા અઠવાડિયે ગુજરી ગયો અને એના ઘરના બધા પિયરિયે વયા ગયા છે. આ વાત સાંભળતા જ પવિત્ર હૃદયની ચારણ આઈ વેજીબાઈને સત ચઢયું.માથે કાળી કામળી ઓઢી પાદરમાં જ રેશમિયા ભેડાના દુહાબદ્ધ મરશિયા ગાયા. એનો કરુણભાવ, પવિત્ર હૃદયે જાણ્યું કે રેશમિયો જ પોતે છે. ત્યારે દુહાપાન સાંભળતા જ એ, બાળકો, ઢોર અને પોતે પત્થરમાં પરિવર્તિત થઈ ગયા. એ દુહા કવિતા સમજીએ.
ભેડો અમણો ભા, વાંઢયાને વરતાવશે,
વાટે અમણાં વિસામા, રોળ્યા તેં રેશમિયા.. 1
ભેડા ભાંગી ડાળ, જેને આધારે જીવતાં
કરમે કોરો કાળ, રખડાવ્યા તેં રેશમિયા.. 2
ઘોડો મૂવો ઘરગિયાં, મેલ્યા મેહૂલિયે,
રખડી રાત થિયાં, રોળ્યા અમને રેશમિયા.. 3
ટોળાં જાય ટળ્યે, નવરંગી નીરડિયું તણાં
ગોંદરે એને નંઈ ગોવાળ, રેઢા રૈ ગિયા રેશમિયા..4
ભર દરિયે કોઈ વાણ, ભેડાનું ભાંગી ગયું
પંડય થિયા પાષાણ, રસ વૈ ગ્યો રેશમિયા.. પ
મને આશા હતી કે રેશમિયો ભેડો જેવો ભાઈ છે તે અમને દુકાળમાંથી પાર ઉતારી દેશે. ત્યાં તો હે અમારા વિસામા રેશમિયા તેં તો અમને માર્ગે અધવચ્ચે રઝળાવ્યા. હે ભાઈ ભેડા જે ડાળને ટેકો માનતી, જેનો આધાર જીવવા માટે હતો એ જ ભાંગી પડી એથી અમારા કરમે કારમો દુકાળ કાઢવો-જીરવવો જ રહ્યો. હે ભાઈ ઘોડા જેવો મારો ભાઈ મરતાં મારું તો ઘર જ ભાંગી ગયું. એક તો મેહુલિયાએ રઝળતા મૂક્યા. રખડતા-રખડતા અહીંની આશા હતી એ તારા જવાથી જીવન હવે રોળાઈ ગઈ.
મારું પશુધન સાવ રેઢું ચાલ્યું જાય છે એને હાંકનારો ગોવાળ મારો ધણી ગામતરે ગયો અમેં નોધારા થિયા તું જાતા અમે રેઢા થયા. ગોવાળ વગરના અમે ભાંભરીએ છીએ. હે રેશમિયા ભઈલા, અમારા જીવતરના મધદરિયે તું તારનાર-વહાણ હતો. તારા જતા અમારા પિંડ પાષણ-પથ્થર બની ગયા અને રસકસ ઊડી ગયા છે.
રેશમિયો ભેડો પોતે મરશિયા દુહા સાંભળતા ધ્રુજી ઉઠયો, ગોરજ ટાણે ગામના પાદરમાં ભાંભરડા નાખતી, હિબકા ભરતી ચારણબાઈ વેજીઆઈ છાતી-કુટતી રેશમિયાના મરશિયા ગાતી રહી. એનું સત એક-એક મરશિયા દુહે એમના છોકરાવ અને પશુધનને નિર્જીવ બનાવી રહ્યું. રેશમિયે માથેથી ફાળિયું વેજીઆઈને ચરણે ધર્યું. માફી માગી. ગુનેગાર છું, આઈ મારો ગુનો માફ કરો. આઈ વેજી તો કંઈ સાંભળ્યા વગર, કાળી કામળી માથે ઓઢીને મો વાળતા, હૈયાફાટ રૂદન કરતા, છાતી કૂટતા અને મરશિયા બોલતા જ રહ્યાં.
ભલક્યિું ભેડા, મારે કણસે કાળજ માંય
રગું રેશમિયા, વીંધાણી વાગડના ધણી.. 6
કૈંક કઢારા કાઢિયા, છોરું બાન થિયાં
આજ રેશમિયો જાતા, માથે દાણિગર રિયાં.. 7
ટોળામાંથી તારવ્યે, (જેમ) ઢાઢું દિયે ઢોર
(તેમ) કાપી કાળજ-કોર, ભેડા ભાંભરતા ભિયાં.. 8
આંખે અમરત હોય, (તો) જાતાને જીવાડીએ
ઝરવા માંડયુ હવે ઝેર, રસ વયો ગ્યો રેશમિયા.. 9
ભેડાને લેતા ભોંય, દશ્યું ચારેય ડૂલિયું
સો ગાઉના સગા, પંથ બધો માથે પડયો.. 10
હે વાગડ શાખાના ભેડા આહીર, તારા મોતના ખબર સાંભળતા જ મારા કાળજે ભાલા-બરછીના ઘા લાગ્યા. તે મારી રગ-રગને, નસે-નસને વીંધી નાખી. મારે માથે મોટું કરજ હતું, મને એમ કે મારો ભાઈ રેશમિયો ચૂક્વી દેશે. મારા છોકરાવને બાન રાખી મેં તારા વિશ્વાસે કઢારે અન્ન ખાધું તું. હે ભાઈ ભેડા જેમ ઢોરને એના ટોળામાંથી અળગું-નોખું પાડતાં એ ભાંભરડા નાખે એમ હું તારા વગર રાડયું પાડું છું તે મારા કાળજાની કોરને કાપી નાખી.
હે ભાઈ ભેડા જો મારી આંખ્યુંમાં અમૃત રહ્યું હોત તો એની એક નજર નાખી તને જીવતો કરત. જીવાડત, તારા મતલબીપણાં ઉપર મારું ધીક્કારનું ઝેર તને જીવાડશે નહીં. ભેડાને ભોંયે લેતા ચારેય દિશાઓ મારે માટે હવે પડી ગઈ. સોએક ગાઉનો પંથ કાપીને હું અહીં આવી પણ બધું નિષ્ફળ નીવડયું.
જેમ-જેમ આઈ વેજીબાઈએ મરશિયા ગાયા એમ એક પછી એક ઢોર-છોકરાઓ બાદ ખુદ રેશમિયો અને પોતે પણ પત્થર બની ગયા. આજે પણ ચોટીલાથી આણંદપુર જતા વચ્ચે રેશમિયા ગામને પાદરમાં ડુંગરાની ધારે એક ઘોડે સવાર રેશમિયાનો અને બીજો છોકરાવ સમેતી વેજીઆઈનો છે. ચારણ ગૃહિણીનું સત્, વચન, એના નિસાસા નાખતી દુહા કવિતા કેવા દુષ્પરિણામદાયી નીવડે એનું ઉદાહરણ આ મરશિયા દુહાઓ છે.