- અભિમન્યુ મોદી
કલ્પના કરો કે તમે મોબાઈલમાં કોઈ નવું ગીત સાંભળી રહ્યા છો. અવાજ બિલકુલ જાણીતો છે, શ્વાસ લેવાની લય, હરકત અને મુરકી પણ એ જ છે, જે તમે દાયકાઓથી સાંભળતા આવ્યા છો.
જોકે એક હકીકત તમને અંદરથી હચમચાવી દે છે જે ગાયકનો આ અવાજ છે તે વર્ષો પહેલા મૃત્યુ પામી ચૂક્યો છે. આ કોઈ ફિક્શન નથી, પણ એકવીસમી સદીના ત્રીજા દાયકાની નવી વાસ્તવિકતા છે. હોલિવૂડથી લઈને ગ્લોબલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સુધી અત્યારે એક નવો ખેલ શરૂ થયો છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)) ના જોરે મૃત કલાકારોને ડિજિટલ સ્વરૂપે પુનર્જીવિત કરવાનો ખેલ, જેમકે...
જેમ્સ ડીન જેવા અભિનેતાઓ દાયકાઓ પછી નવી ફિલ્મોમાં ‘એક્ટિંગ’ કરતા દેખાય છે અને જૂના ગાયકોના અવાજને ક્લોન કરીને નવા ગીતો બજારમાં ફેંકવામાં આવે છે. હમણાં જ આપણે ‘સૈયારા’ અને ‘ડન્કી’ ફિલ્મોનાં ગીતને કિશોર કુમાર અને મોહમ્મદ રફીના અવાજમાં સાંભળ્યા છે.
આ સમયમાં જર્મન ફિલસૂફ વોલ્ટર બેન્જામિનને યાદ કરવા પડે. 1935 માં બેન્જામિને એક અદ્ભુત નિબંધ લખેલો- The Work of Art in the Age of Mechanical Reproduction'.. તેમણે એક બહુ જ ગહન ક્ધસેપ્ટ આપ્યો હતો: કળાનો ‘ઓરા’. બેન્જામિનના મતે જ્યારે કોઈ કલાકૃતિ સાચી હોય છે ત્યારે તેની આસપાસ એક ‘ઓરા’ હોય છે. તે ઓરા સમય અને અવકાશમાં તેની અજોડ હાજરીનું પરિણામ છે. મોનાલીસાના અસલી ચિત્ર સામે ઊભા હોઈએ ત્યારે જે અનુભૂતિ થાય છે તે અનુભૂતિ મોનાલીસાનો ફોટો મોબાઈલની સ્ક્રીન પર જોતી વખતે નથી થતી, કારણ કે નકલમાંથી ‘ઓરા’ ગાયબ થઈ જાય છે.
જ્યારે ટેકનોલોજી માત્ર નકલ જ નથી કરતી, પણ કલાકારના અસ્તિત્વની જ ઉઠાંતરી કરે છે ત્યારે કળાના પાયા હચમચી જાય છે. ગયા મહિને જ જ્યારે આશા ભોંસલે જેવી મહાન ગાયિકાએ વિદાય લીધી ત્યારે આપણે માત્ર એક અવાજને નહિ, પણ ભારતીય સંગીતના એક જીવંત, શ્વાસ લેતા યુગની વિદાયનો શોક મનાવ્યો હતો. તેમના અવાજમાં જે દર્દ, જે ઊંડાણ અને જે નજાકત હતી તે તેમના દાયકાઓના સંઘર્ષ, અંગત અનુભવો અને માનવીય સંવેદનાઓમાંથી નીતરીને આવતી હતી. એ અવાજનો પોતાનો એક ઐતિહાસિક ‘ઓરા’ હતો. હવે ધારો કે કોઈ મ્યુઝિક કંપની AI ના અલ્ગોરિધમમાં ડેટા ફીડ કરીને આજે એ જ સ્વરમાં એક નવું નક્કોર ગીત જનરેટ કરે. તે ટેકનિકલી પરફેક્ટ હશે, સુર-તાલ ક્યાંય ચૂકશે નહિ, પણ તે માત્ર એક યાંત્રિક ધ્વનિ હશે. તેમાં આત્મા નહિ હોય કારણ કે તેને ગાનાર ડિજિટલ યંત્રો પાસે ધબકતું હૃદય નથી.
સાચી કળા હંમેશાં માનવીય મર્યાદાઓમાંથી જન્મે છે. સર્જન પ્રક્રિયામાં કલાકાર જે પીડામાંથી પસાર થાય છે તે કલાકૃતિને મહાન બનાવે છે. આ સમજવું હોય તો ઈરાનીયન સિનેમાના મેકર્સ તરફ નજર કરવી પડે. ઈરાનમાં સરકારની અત્યંત કઠોર સેન્સરશિપ અને સામાજિક પાબંદીઓ છે. ત્યાંના ડિરેક્ટર્સ ફિલ્મોમાં સ્ત્રીઓના ખુલ્લા વાળ કે રાજકીય બળવાઓ સીધી રીતે બતાવી શકતા નથી, પરંતુ આ જ મર્યાદાએ તેમના સિનેમાને વિશ્વનું સૌથી ઊંડું અને પ્રભાવી સિનેમા બનાવ્યું છે. એ ફિલ્મસર્જકો અત્યંત મિનિમલિઝમનો સહારો લે છે. બાળકના હાથમાં રહેલા ફુગ્ગા કે બારીમાંથી આવતા તડકા જેવા સામાન્ય રૂપકો (Metaphors) દ્વારા તે આખા દેશની પીડા અને રાજકીય ગૂંગળામણનો અહેસાસ કરાવી દે છે. આ માનવીય મનનો વિજય છે. AI ક્યારેય મર્યાદાઓ વચ્ચે રહીને આવું ગહન અને પીડાદાયક સર્જન ન કરી શકે, કારણ કે અલ્ગોરિધમ પાસે સેન્સરશિપનો ડર કે જિંદગીની તડપાપડનો કોઈ અનુભવ જ હોતો નથી.
આપણી બોલિવૂડ અને મુંબઈની મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે આ બહુ મોટો એલાર્મ છે. પહેલેથી જ આપણી ઇન્ડસ્ટ્રી ‘માસ અપીઝમેન્ટ’ (સામૂહિક તુષ્ટિકરણ) અને મેરિટીક્રેસી એટલે કે પ્રતિભાના અભાવથી પીડાઈ રહી છે. રિમેક અને રિ-મિક્સના જમાનામાં મૌલિકતા તો ક્યારનીય ઓક્સિજન પર છે. હવે જો પ્રોડ્યુસરો પૈસા બચાવવા માટે કે જૂના કલાકારોના નોસ્ટાલ્જીયા- સુખદ ભૂતકાળને વટાવવા માટે લેખકો અને ગાયકોની જગ્યાએ અઈં નો સહારો લેશે તો તે સિનેમા અને સંગીતની ઔપચારિક અંતિમવિધિ સાબિત થશે.
કળા કોઈ ગણિતનો દાખલો નથી, જેને ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકાય. એ તો એક મનુષ્યનો અવાજ છે, એક અભિવ્યક્તિ છે. માણસ અમર નથી અને માટે જ તેની કળા અમર થાય છે. જ્યારે આપણે ટેકનોલોજી દ્વારા કલાકારને ‘અમર’ કરવાનો નિરર્થક પ્રયાસ કરીએ છીએ... ભવિષ્યમાં સૌથી મોટી લક્ઝરી પરફેક્શન નહિ હોય, પરંતુ માનવીય અપૂર્ણતા હશે, કારણ કે જ્યાં ભૂલ છે, જ્યાં મર્યાદા છે ત્યાં જ મૌલિકતા જીવે છે. બાકી બધું માત્ર ડેટા છે.