Sat Sep 05 2026

Logo

ટૅક વ્યૂહ: AI લોકો માટે ક્રિએટિવિટી પણ કંપની માટે કમાણીનો રસ્તો

2026-08-23 07:44:35
Author: Viral Rathod
ટૅક વ્યૂહ: AI લોકો માટે ક્રિએટિવિટી પણ કંપની માટે કમાણીનો રસ્તો

- વિરલ રાઠોડ

AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ....આ નામથી હવે કોઈ અજાણ્યું નથી. ટેક્નોલોજીથી એટલો પરિચિત ન રહેનારા સામાન્ય માણસને પણ ખબર છે કે, આ એક એવું જાદુઈ અલ્લાદ્દિનના ચિરાગ જેવું છે જે બધું જ કરી આપે છે, જે રીતે ચિરાગને ઘસવાથી અંદરથી જિન બહાર આવે એમ આનો ચોક્કસ શૈલીમાં ઉપયોગ કરવાથી જિન પણ ચોંકી જાય એવા પરિણામ તે આપી દે છે. દરેકને આ શૈલી ખબર હોતી નથી પણ માર્કેટમાં આના નાના-મોટા મોડલ મૂકીને ટેક કંપનીઓ કરોડોમાં કમાણી કરી રહી છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓપનએઆઈ, મેટા અને હવે સેમસંગ જેવી કંપનીઓએ પોતાના AIનાં ઉત્પાદનને વૈશ્વિક સ્તરે મૂકી દીધા છે. આ તમામ પ્લેટફોર્મ પર અમુક અંશ સુધી બધુ જ મફત છે. ફોટો, વીડિયો, ટેક્સ, મેસેજ, પ્રેઝન્ટેશન બનાવવા સ્લાઈડ, ડેટાથી લઈને ડિજિટલ કાર્ડ બનાવવા સુધી બધું જ. વાત મૂળ એવી છે કે, આ બધુ એક યુઝર માટે મફત છે તો કંપનીને શું મળતું હશે?

 બસ, અસલી ખેલ અહીંયાથી જ શરૂ થાય છે. અનેક એવી નાની-મોટી ટેક કંપનીઓ પોતાના એક કસ્ટમાઈઝ ટુલ્સનો, પ્રોગ્રામનો અને ચોક્કસ ફોર્મેટનો અત્યાર સુધી ઉપયોગ કરતી હતી. આ કાર્યશૈલીમાં અઈં આવતા એક પાયાથી પરિવર્તન આવ્યું છે. નાની-મોટી ટેક કંપનીઓએ પૈસા ખર્ચીને એવા ટુલ્સ તૈયાર કર્યા છે જે અગાઉ મેન્યુઅલી કરવા પડતા, પ્રોગ્રામ લખવા પડતા, કોડ યાદ રાખવા પડતા. હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને બિઝનેસ કે ધંધો વિકસાવવાની એક મોટી યુક્તિ મળી છે. આ યુક્તિનું નામ છે એઆઈ. દેશના દરેક મહાનગરમાં ધમધમતી આઈટી કંપનીઓ પહેલા વરસાદ બાદ જેમ બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ ખુલી ગઈ છે. આઉટસોર્સિંગમાં જે તે પ્રોબ્લેમને હાયર કરીને, લોકલ લેવલ પર એને યોગ્ય રીતે ઉકેલીને આખી સિસ્ટમ વ્યવસ્થિત કરવા માટેનો આખો બિઝનેસ અમેરિકાથી લઈને અમદાવાદ સુધી ચાલે છે. એક સમયે ડીઝાઈનિંગની પ્રાથમિકતા હતી હવે જે તે બગ્સ, ઈસ્યૂ અને સિસ્ટમને સ્મૂથલી રન કરવા માટે કામ આપવામાં આવે છે. આ માટે જે અગાઉ ટુલ્સ, પ્રોગ્રામ અને પરીક્ષણની જરૂર પડતી એમાંથી કેટલુંક કામ તો અત્યારે એઆઈ ખુદ કરી આપે છે. આ પ્રકારના હાઈ સ્કેલ માટે કંપનીઓ એઆઈના પ્રીમિયમ વર્ઝન વાપરે છે અને એક ટેકકંપની બીજી ટેક કંપનીને માગ્યા રૂપિયા ધરે છે.

 આ એક એવો અદૃશ્ય આર્થિક અન્નકુટ છે, જેનો વાર્ષિક હિસાબ ડૉલરમાં થાય છે અને આંકડો અબજોમાં પહોંચે છે. આ જ વાતને હવે એક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે સમજીએ. 

ગૂગલની સર્વિસમાં જેમીની ટેક્સ ડેટા માટે ફ્રી છે પણ દૈનિક ધોરણે 50 જેટલી  AI ઈમેજ બનાવવી હોય તો એની ક્રેડિટ ખરીદવી પડે. એ પણ ગૂગલ પાસેથી. આ માટે તે ભારતીય કરંસીમાં ચૂકવવા માટે સુવિધા આપે છે. પણ કંપનીના ખાતામાં પહોંચતા તે ડૉલરમાં ફેરવાય છે. ગૂગલ પાસે આવા હજ્જારોની સંખ્યામાં ક્લાઈન્ટ છે, જે એની સર્વિસ માટે પૈસા ચૂકવે છે. કોઈ પણ ટેક કંપની કોઈ એક સર્વિસ પર થતી આવક જાહેર કરતી નથી. ‘ઈન્ડિયન મની ઈકોનોમિકલ’ સર્વેનો રિપોર્ટ કહે છે કે, માત્ર ગૂગલ ક્લાઉડમાંથી 24.8 બિલિયન, સર્ચ એન્જિનમાં શોર્ટ એઆઈથી 63.3 બિલિયન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ટરફેસમાંથી 70.7 બિલિયનનો સીધો જ નફો કમાય છે. ડેટા સેન્ટર અને  અઈં માટે ખાસ પ્રકારની ચિપ્સ બનાવવા માટે ગૂગલે પહેલા કરોડો-અબજો રૂપિયાનું આંધણ કર્યું હતું એની સામે મળેલી આ આવક છે. ગૂગલ ક્યારેય પોતાનો ફાયનાન્સિયલ ડેટા શેર કરતી નથી માત્ર સર્વેમાંથી જ આંકડા સામે આવે છે, ગૂગલ મેપ્સના ઉપયોગ પર જે સર્વિસ પ્રોવાઈડર પાસેથી, યુટ્યૂબમાં જાહેરાતમાંથી, જેમીનીમાં તે સબસ્ક્રિપ્શનમાંથી પૈસા મેળવે છે. ચેટ જીપીટીની સ્વામિત્વ કંપની ઓપન એઆઈની વાર્ષિક રેવન્યૂ 40 બિલિયન ડૉલર છે. આ માત્ર સબસ્ક્રિપ્શન રેવન્યૂ છે. કેનવા, ક્લાઉડ, એડોબ, ફોટોપી જેવી મલ્ટિમોડલ વેબસાઈટ સાથે કોલાબથી થતો ચોખ્ખો નફો અલગ. આ આંકડો 66.3 બિલિયન સુધી પહોંચે છે એવું આર્થિક પાસા પર થયેલો સર્વે કહે છે. આ રિપોર્ટ પણ અમેરિકાથી પ્રકાશિત છે.

બીજી તરફ બિઝનેસ બર્ગનો રિપોર્ટ કહે છે કે, સેમસંગે આગામી એક દાયકા માટે  AI પાછળ 600 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે, જેમાં ખાસ પ્રકારના ચિપસેટ અને સોફ્ટવેર પ્રોગ્રામનો સમાવેશ થાય છે. હવે ફોન બનાવતી કંપનીઓ સ્માર્ટ ફોન નહીં પણ  AI ફોન બનાવવાની દિશામાં ડગ ભરી રહી છે. આ રોકાણ સામે કંપનીએ 81 બિલિયન ડૉલરનો નફો પહેલા મહિનામાં જ કમાઈ લીધો છે.

આઉટ ઓફ બોક્સ

‘ફેશમેસ’ નામના પ્લેટફોર્મ પરથી ફેસબુક બન્યું. જેનો હેતુ આખી હાવર્ડ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને, એલ્યુમની ગ્રૂપ માટે ફ્રી જગ્યા આપવાનો હતો.