અમદાવાદઃ શહેરનો યુવક ગર્લફ્રેન્ડ સાથે મળીને સેક્સ રેકેટ ચલાવતો હતો. ગોવા ડ્રગ્સ કેસની તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. ગોવાના ઉચ્ચ અધિકારીએ પત્ર લખ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો હતો.
શું છે મામલો
અમદાવાદના નરોડાનો યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતો હતો. તેના ફોનમાંથી યુવતીના ફોટા-એડ્રેસ, ગ્રાહકોના લિસ્ટ અને યુવતીના પ્રાઈઝ લિસ્ટની વિગતો તથા જે હોટલમાં તે યુવતીઓ સપ્લાય કરતો હતો તેની વિગતો મળી આવી હતી. આ વિગતોના આધારે અમદાવાદ પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
નોર્થ ગોવા પોલીસે પણજીમાં દરોડો પાડી 4325 કિલો કોકેઈન સાથે નીબુ વિન્સેન્ટ, રેશ્મા વાડેકર, મંગેશ વાડેકર અને ચિરાગ દુધાતની ધરપકડ કરી હતી. ગોવા પોલીસે અમદાવાદના ચિરાગ દુધાતનો મોબાઈલ જપ્ત કરી તેને એફએસએલમાં તપાસ માટે મોકલ્યો હતો. તપાસ દરમિયાન તે સેક્સ રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે ચિરાગ અને તેની ગર્લફ્રેન્ડ સામે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે તપાસ શરૂ કરી હતી.
તપાસમાં સામે આવ્યું કે, ચિરાગ અને તેની ગર્લફ્રેન્ડ દેશના અલગ અલગ રાજ્યોમાંથી યુવતીઓને અમદાવાદ લાવતા હતા ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે દેહવેપારનો ધંધો ચલાવતા હતા. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ગ્રાહકો સાથે સંપર્ક કરવામાં આવતો હતો. તેના મોબાઈલમાંથી વિવિધ હોટલોના નામ, યુવતીઓના ફોટા તેમજ ગ્રાહકોને મોકલવામાં આવતા રેટ લિસ્ટ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલ ચિરાગ ગોવાની જેલમાં છે. તેની સાથે અન્ય કેટલા દલાલો સંકળાયેલા છે અને રેકેટ કેટલું મોટું છે તેની તપાસ શરૂ છે.