Tue Oct 06 2026

Logo

અમદાવાદ: ₹20 હજારના કમિશનમાં ગોમતીપુરના યુવકે બેંક ખાતું ભાડે આપ્યું, યુપી-કેરળમાં મળ્યા ઠગાઈના તાર

2026-03-20 12:10:00
Author: Mayur Patel
અમદાવાદ: ₹20 હજારના કમિશનમાં ગોમતીપુરના યુવકે બેંક ખાતું ભાડે આપ્યું, યુપી-કેરળમાં મળ્યા ઠગાઈના તાર

અમદાવાદઃ પાલડી પોલીસે ગુરુવારે ગોમતીપુરમાં રહેતા 34 વર્ષીય વ્યક્તિ સામે મ્યુલ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાનો ગુનો નોંધ્યો હતો. આ વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ વિવિધ રાજ્યમાં સાયબર ફ્રોડ માટે થયો હતો. 
કેવી રીતે ફૂટ્યો ભાંડો?

પોલીસે જણાવ્યું કે સાયબર ક્રાઈમના ટ્રેકિંગ માટેના સેન્ટ્રલાઈઝ્ડ ડેટાબેઝ સમન્વય પોર્ટલના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું હતું કે, આ ચોક્કસ બેંક ખાતું કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી અનેક ફરિયાદો સાથે સીધું જોડાયેલું હતું. પૂછપરછ દરમિયાન, ખાતાધારકે કબૂલાત કરી હતી કે તેણે અન્ય આરોપીને ગેરકાયદેસર વ્યવહારો માટે પોતાનું ખાતું વાપરવાની મંજૂરી આપી હતી.

કમિશનની લાલચમાં ખાતું સોંપ્યું

આરોપીએ કથિત રીતે ખાતામાં ₹10.20 લાખ જમા કરાવ્યા હતા અને બદલામાં પોતાનું ATM કાર્ડ, ચેકબુક અને PIN અન્ય આરોપીઓને સોંપી દીધા હતા. આ સહકાર માટે તેને ₹20,000 કમિશન પેટે મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે તપાસથી બચવા માટે ઠગાઈના નાણાંને ટ્રાન્સફરની જટિલ જાળ દ્વારા આ ખાતામાં ફેરવવામાં આવ્યા હતા.

તપાસ અને ચેતવણી

આ ઓપરેશન પાછળના મુખ્ય માસ્ટરમાઇન્ડ્સને શોધવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.  આ ઉપરાંત નાગરિકોને  શોર્ટ કટમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં પોતાના બેંક ખાતાની વિગતો કે ક્રેડિટ કાર્ડ કોઈને ભાડે ન આપવા વિનંતી કરી છે. તે ગંભીર ગુનામાં સહભાગી ગણાશે.