Wed Aug 19 2026

Logo

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક: બે વર્ષમાં ૧૮૭ ફરિયાદો, કેટલા આરોપીઓની થઈ ધરપકડ?

2026-03-17 12:33:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાતમાં વ્યાજખોરી એક સૌથી મોટી સમસ્યા બનીને ઊભી છે. વ્યાજના ચક્રમાં ફસાઈને અનેક પરિવારો તબાહ થઈ ગયા છે. આ મામલે પોલીસ અને સરકાર આકરી કાર્યવાહી કરતી હોવા છતાં આ દૂષણને ડામી શકાયું નથી. ત્યારે છેલ્લા બે વર્ષમાં જ અમદાવાદમાં ૧૮૭ વ્યાજખોરીની ફરિયાદો નોંધાઈ હોવાનું વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું. 

સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં માત્ર અમદાવાદ શહેરમાં જ વ્યાજખોરીને લગતી ૧૩૮ જેટલી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ફરિયાદોના આધારે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.

આ ફરિયાદોના અનુસંધાને અમદાવાદ શહેરમાં કુલ ૩૭૫ જેટલા ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો જેવી કે ગુનાહિત કાવતરું, ધાકધમકી, છેતરપિંડી અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરાયા છે. આ ઉપરાંત, વ્યાજખોરો પર લગામ કસવા માટે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧, આર્મ્સ એક્ટ અને એટ્રોસીટી એક્ટની જોગવાઈઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તંત્ર વ્યાજખોરીના આ ચક્રને તોડવા માટે મક્કમ છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાજખોરો સામેની ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે, જ્યાં વિવિધ તાલુકાઓમાંથી અનેક ફરિયાદો મળી છે. આંકડાકીય વિગત મુજબ, ધોળકા તાલુકામાં સૌથી વધુ ૪૭ ઇસમો, બાવળામાં ૨૬, સાણંદમાં ૨૪ અને ઘાટલોડિયામાં ૧૭ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ધંધુકા, વિરમગામ, માંડલ અને દશક્રોઇ જેવા તાલુકાઓમાં પણ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુના નોંધીને વ્યાજખોરો વિરુદ્ધ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.