(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં પડેલા વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. હવે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જનજીવનને સામાન્ય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કામગીરી દરમિયાન જીવદયા અને પર્યાવરણ સુરક્ષાનેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં જોવા મળ્યું હતું.
અહીં મુશ્કેલીમાં મુકાયેલા એક મોરના સફળ રેસ્ક્યુમાં મનપા ફાયર વિભાગની ત્વરિત કામગીરી જોવા મળી હતી, અને ગાર્ડન વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્રના સચોટ સંકલનથી આ બચાવ અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું. આપત્તિના સમયે પણ મૂંગા પશુ-પક્ષીઓ પ્રત્યેની આ કર્તવ્યનિષ્ઠા બદલ મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ફાયર અને ગાર્ડન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત, જળચર જીવસૃષ્ટિની સુરક્ષા માટે પણ મનપા દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા હતા. શહેરના એક તળાવમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ પૂરતું જળવાઈ રહે અને માછલીઓનું રક્ષણ થાય તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજન સિલિન્ડરની મદદથી એરેશન (વાયુમિશ્રણ) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે AMCની ત્વરિત અને સંવેદનશીલ કામગીરી
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 25, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા જીવદયા અને પર્યાવરણ સુરક્ષાને અગ્રતા આપે છે. તાજેતરમાં થલતેજ વિસ્તારમાં મુશ્કેલીમાં મુકાયેલા મોરના સફળ રેસ્ક્યુમાં AMC ફાયર વિભાગની ત્વરિત કામગીરી જોવા મળી હતી. આ બચાવ… pic.twitter.com/cU2h08trDN
આ સક્રિય પગલાંથી તળાવનું પર્યાવરણીય સંતુલન જળવાઈ રહેવાની સાથે તંદુરસ્ત જળચર વાતાવરણ સુનિશ્ચિત થાય છે. તદુપરાંત, ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે પણ મનપાએ સરાહનીય કામગીરી બજાવી હતી. વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોને રાહત પહોંચાડવા માટે કોર્પોરેશન દ્વારા 8,900થી વધુ ફૂડ અને નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.