ગુજરાતના અમદાવાદમાં બનેલો એક કિસ્સો આજના ડિજિટલ યુગમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદની એક 16 વર્ષની એક સગીરાને મોબાઈલ અને સોશિયલ મીડિયાનું વળગણ એટલી હદે વધી ગયું હતું કે તેને આ લતમાંથી બહાર લાવવા માટે માતા-પિતાએ સુરક્ષા બાઉન્સરોની મદદ લેવી પડી છે અને આ બાઉન્સર્સને તેના માતા-પિતા તગડો પગાર પણ આપી રહ્યા છે...
સ્થાનિક અખબારોમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમદાવાદની આ સગીરા મોબાઈલ ફોન પાછળ એટલી પાગલ થઈ ગઈ હતી કે જો તેની પાસેથી ફોન લઈ લેવામાં આવે, તો તે અત્યંત હિંસક બની જતી હતી. એટલું જ નહીં પણ તે ગુસ્સામાં ઘરનું ફર્નિચર તોડી નાખતી અને પોતાના માતા-પિતા પર પણ હુમલો કરતા અચકાતી નહોતી.
દીકરીના આવા હિંસક વર્તનથી કંટાળેલા માતા-પિતાએ આખરે દીકરી અને પોતાની સુરક્ષા માટે ઘરમાં 24 કલાક તેના પર નજર રાખવા માટે ચાર બાઉન્સરો હાયર કર્યા છે. આ બાઉન્સરો બે શિફ્ટમાં કામ કરે છે અને પરિવાર આ સુરક્ષા માટે દર મહિને આશરે 65,000 રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે.
જાણીતા મનોચિકિત્સક જણાવ્યા અનુસાર, આ સ્થિતિ પાછળ મગજમાં થતા કેમિકલ ચેન્જિસ જવાબદાર છે. મોબાઈલના સતત ઉપયોગથી મગજમાં 'ડોપામાઇન' નામના દ્રવ્યનો સ્ત્રાવ વધે છે, જે વ્યક્તિને વ્યસની બનાવી દે છે. વર્કિંગ પેરેન્ટ્સ ઘણીવાર કામની વ્યસ્તતાને કારણે બાળકને પૂરતો સમય આપી શકતા નથી. બાળક જ્યારે માતા-પિતાનું એટેન્શન ઈચ્છતું હોય અને તે ન મળે ત્યારે તેને શાંત રાખવા માટે મોબાઈલ આપી દેવામાં આવે છે, જે લાંબે ગાળે ગંભીર લત બની જાય છે.
કોરોનાકાળ પછી બાળકોમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વપરાશ ચિંતાજનક રીતે વધ્યો છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે આ સમસ્યા નિવારવા માટે સામાજિક અને કાયદાકીય કડક નિયમોની જરૂર છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર રજીસ્ટ્રેશન કરવા સામે પ્રતિબંધ હોવો જોઈએ. ભારતમાં હાલ 100 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ છે, જેમાંથી 15 કરોડ યુઝર્સ તો 11 વર્ષથી પણ ઓછી ઉંમરના બાળકો છે.
અમદાવાદના કિસ્સા પર પાછા ફરીએ તો હાલમાં પીડિત સગીરાને બિહેવિયર થેરાપી અને યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે, જેનાથી તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો સંતાનોને સમયસર યોગ્ય માર્ગદર્શન અને વાલીઓનો પૂરતો સમય ન મળે, તો મોબાઈલ જેવી સુવિધા જીવલેણ વ્યસન બની શકે છે.
ગંભીર સમસ્યા બનતા જઈ રહેલાં વિષય પર પ્રકાશ પાડતો એક વીડિયો પણ મુંબઈ સમાચારની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તમે પણ આ વીડિયો તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો...