Thu Sep 17 2026

Logo

સુરત બાદ અમદાવાદના વેપારીઓને પણ વરસાદી નુકસાન બદલ સહાય આપશે સરકાર

2026-07-28 19:06:59
Author: Mumbai Samachar Team
સુરત બાદ અમદાવાદના વેપારીઓને પણ વરસાદી નુકસાન બદલ સહાય આપશે સરકાર

અમદાવાદઃ અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુનઃવસન સહાય જાહેર કરવામાં આવી હોવાનું પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. 
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે  આ પુનઃવસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી,રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રીટર્ન ભરેલું હોય તેવા દુકાનધારકોને રૂ. એક લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રીટર્ન ભરેલું હોય તેવા વેપારી, મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

સહાય પેકેજની જોગવાઈઓ અનુસાર લારી કે રેકડીધારકોને  ઉચ્ચક રૂ.૭,૫૦૦ ની રોકડ સહાય, 

નાની સ્થાયી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટ સુધી હોય તે)ને ઉચ્ચક રૂ.૨૫,૦૦0ની રોકડ સહાય,  મોટી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટથી વધારે હોય તે)ને ઉચ્ચક રૂ. ૫૦,૦૦૦ની રોકડ સહાય, પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય) તેમને ઉચ્ચક રૂ. ૧,૦૦,૦૦૦ની રોકડ સહાય સહિતની અન્ય સહાયનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો.