Sat Sep 05 2026

Logo

પોલીસ જ બેઘર! 55 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે પોલીસ ચોકી, જુઓ અન્ય કચેરીઓની યાદી...

2026-02-25 17:37:00
Author: Mayur Patel
પોલીસ જ બેઘર! 55 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે પોલીસ ચોકી, જુઓ અન્ય કચેરીઓની યાદી...

અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી મોતીજી ઠાકોરે અમદાવાદમાં શહેરમાં  ભાડાની જગ્યા પર ચાલતી પોલીસ કચેરીઓ અને બે વર્ષમાં કેટલી રકમનું ભાડું ચૂકવવાનું બાકી છે તથા તેના કારણો શા છે તેવો સવાલ પૂછ્યો હતો.

રાજ્ય સરકારે જણાવ્યું, 31-12-2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં 13 પોલીસ કચેરીઓ ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર- એ ડિવિઝન 17 વર્ષથી, થલતેજ પોલીસ ચોકી 17 વર્ષથી, સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન 10 વર્ષથી, ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકી 14 વર્ષથી, નાગોરીવાડ પોલીસ ચોકી 55 વર્ષથી, કૃષ્ણનગર પોલીસ ચોકી 10 વર્ષ, સૈજપુર પોલીસ ચોકી 10 વર્ષથી, ચમનપુરા પોલીસ ચોકી 38 વર્ષથી, ચરોડીયા પોલીસ ચોકી 46 વર્ષથી, હાટકેશ્વર પોલીસ ચોકી 54 વર્ષથી, ઓઢવ જીડીઆઈડીસી પોલીસ ચોકી 32 વર્ષથી, એસ ટી પોલીસ ચોકી 10  વર્ષથી અને વેજલપુર પોલીસ ચોકી 12 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે.

આ ઉપરાંત સરકારે જણાવ્યું કે, બે વર્ષમાં રૂ. 3866 ભાડું ચૂકવવાનું બાકી છે. ભાડાપહોંચની વિગત અધૂરી હોવાથી ભાડું બાકી છે.