Sat Apr 18 2026

Logo

નવરંગપુરામાં બુટલેગરના પૌત્રએ કોલેજ બહાર મચાવ્યો ઉત્પાત: પોલીસ એક્શનમાં આવી...

2026-03-09 22:11:09
Author: Tejas Soni
Article Image

અમદાવાદ: શૈક્ષણિક હબ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં ધોળેદિવસે ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની ખાનગી કોલેજ પાસે ભર બપોરે અસમાજિક તત્ત્વોએ તોડફોડ કરવા સાથે વિધાર્થીઓને ધમકી આપ્યા પછી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

નવરંગપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં આ તોડફોડ પાછળ આદિત્ય નામના નબીરાનું નામ ખુલ્યું છે. આરોપ છે કે આદિત્યએ કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરેલી એક કારને નિશાન બનાવી હતી અને હથિયાર વડે તેમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આટલું જ નહીં, આરોપીએ રિવોલ્વર બતાવીને ત્યાં હાજર વિદ્યાર્થીઓને ધમકાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર છે, જેની દહેશત વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

આ પહેલીવાર નથી, જ્યારે આદિત્યનું નામ કોઈ ગુનામાં સામે આવ્યું હોય. અગાઉ પણ તે ભારે વિવાદોમાં રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં થયેલા એક ગંભીર હિટ એન્ડ રન કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો, જેમાં એક નિર્દોષ મોપેડ સવારનું મોત નીપજ્યું હતું. જૂના ગુનામાં કડક કાર્યવાહી ન થવાને કારણે આવા તત્ત્વો વધુ બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. હવે ફરી એકવાર સરેઆમ આતંક મચાવીને તેણે પોલીસને પડકાર ફેંક્યો છે.

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે આદિત્ય કોઈ પણ ડર વિના ગુંડાની જેમ આતંક મચાવી રહ્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખસો વિરુદ્ધ અગાઉ કેમ નક્કર પગલાં લેવાયા નહીં? પોલીસ દ્વારા કડક સજા કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહેશે.