Fri May 01 2026

Logo

અમદાવાદમાં સગીરે 3 પાનાની સ્યુસાઈડ નોટ લખીને કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

2026-03-17 12:07:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. સગીરે 3 પેજની સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. અંગ્રેજીમાં લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે પિતા, દાદા-દાદી અને ફોઈના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું લખ્યું છે.

શું છે મામલો

રાણીપ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે તપાસ કરતાં બેડ નીચેથી ત્રણ પેજની સ્યુસાઈડ  નોટ મળી હતી. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી, ફોઈ સામે ગુનો નોંધ્યો હતો. 

મહિલાના લગ્ન 2008માં થયા હતા. તેને 17 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી છે. લગ્ન બાદ પતિ  વારંવાર દારૂ પી આવીને તેમની તથા પુત્ર સાથે મારઝૂડ કરતા હતા. આ બાબતે જ્યારે દીકરો  તેના દાદા-દાદી અને ફોઈને જાણ કરતો, ત્યારે તેઓએ પણ મદદ કરવાની જગ્યાએ તમે બંને મરી જાવ તો સારું જેવા શબ્દોથી વધુ માનસિક ત્રાસ આપ્યો હતો. એક વખત તો પિતા સ્કૂલ બહાર ચપ્પુ લઈને દીકરાને મારવા ગયા હતા, જેના કારણે તે સતત ડર અને ટેન્શનમાં રહેતો હતો. 

9 માર્ચે મહિલા તેમની દીકરી સાથે નરોડા ખાતે બહેનના ઘરે ગયા હતા, જ્યારે પુત્ર ઘરે એકલો રહ્યો હતો. 11મી માર્ચે  તેણે માતાને ફોન કરીને જણાવ્યું કે તે રાત્રે અભ્યાસ કરીને થાક્યો હોવાથી સુઈ રહ્યો છે. બપોરે ફોન ન ઉઠાવતા પાડોશીઓને જાણ કરવામાં આવી હતી. પાડોશીઓએ બારી ખોલીને જોતા પુત્ર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન બેડ નીચેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, મારા પિતા, દાદા, દાદી અને ફોઈના સતત માનસિક ત્રાસથી કંટાળી ગયો છું, આ કારણે આકરો પગલું ભર્યું છે. પરિવારજનોના માનસિક ત્રાસથી કંટાળીને કિશોરે આવું પગલું ભરતા મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.