Sat Sep 05 2026

Logo

અમદાવાદ મેટ્રો ધોલેરા એરપોર્ટ સુધી દોડશે, જાણો ક્યારથી શરૂ થશે કામ

2026-08-08 09:02:00
Author: Mayur Patel
અમદાવાદ મેટ્રો ધોલેરા એરપોર્ટ સુધી દોડશે, જાણો ક્યારથી શરૂ થશે કામ

Ai Image


 અમદાવાદઃ ટૂંક સમયમાં ધોલેરા એરપોર્ટ સુધી મેટ્રો દોડી શકે છે. મળતી વિગત પ્રમાણે, થલતેજ ગામ - સનાથલ કોરિડોરના બદરાબાદ સુધીના મેટ્રો ફેઝ-3 વિસ્તરણને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ પ્રી કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારની આખરી મંજૂરી મળ્યા બાદ બાંધકામ શરૂ કરવામાં આવશે.

ક્યાંથી પસાર થશે આ કોરિડોર

આ 60 કિમી લાંબો વિસ્તાર આગામી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી ભવિષ્યની મેટ્રો કનેક્ટિવિટીનો પાયો નાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્રો કોરિડોરને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની વધુ નજીક લાવીને આ વિસ્તરણ રાજ્યના લાંબા ગાળાના ટ્રાન્સપોર્ટ વિઝન સાથે સુસંગત બનાવશે. આ કોરિડોર શીલજ કેનાલ રોડ વિસ્તારમાંથી શરૂ થશે અને સરદાર પટેલ રિંગ રોડને સમાંતર ચાલીને બોપલ ક્રોસરોડ્સ, શાંતિપુરા ક્રોસરોડ્સ પરથી પસાર થઈને બદરાબાદ સુધી પહોંચશે.

આ રૂટ શીલજ ક્રોસરોડ્સ નજીક ઝડપથી વિકસતા કેનાલ રોડ બેલ્ટ પરથી પસાર થઈને થલતેજ ગામને ગોધાવી ખાતેના સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના (SWASA) સાથે પણ જોડશે. ત્યાંથી, આ રૂટ SWASA પહોંચતા પહેલા રેલવે લાઇનને સમાંતર ચાલશે. આ પ્રસ્તાવ હવે આખરી મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. કેબિનેટ મંજૂરી અને વૈધાનિક પ્રક્રિયાઓ, જમીન સંબંધિત ઔપચારિકતાઓ અને ટેન્ડરિંગ પૂર્ણ થયા બાદ સિવિલ કન્સ્ટ્રક્શન શરૂ થશે.

કેટલા એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે

પ્રસ્તાવિત ફેઝ-III નેટવર્કમાં 41 એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે. તે નવા ઉભરતા રહેણાંક, વ્યાપારી અને સંસ્થાકીય હબ માટે કનેક્ટિવિટી સુધારવા માટે તેમજ ઇન્ટરચેન્જ સ્ટેશનો દ્વારા અમદાવાદની હાલની મેટ્રો સિસ્ટમ સાથે જોડાણ મજબૂત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું હોવાથી પ્લાન કરવામાં આવ્યું છે.

વાડજથી સર્ક્યુલર કોરિડોરને પણ મંજૂરી 

પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે વાડજથી સર્ક્યુલર કોરિડોરને પણ મંજૂરી આપી છે, જે શહેરના પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભાગોને જોડતો અમદાવાદનો પહેલો લૂપ મેટ્રો રૂટ બનાવશે. આ સર્ક્યુલર કોરિડોર અખબારનગર, નારણપુરા, શિવરંજની, શ્યામલ ક્રોસરોડ્સ, જીવરાજ પાર્ક, APMC, પીરાણા ક્રોસરોડ્સ, કોઝી હોટેલ, ઈસનપુર, અમરાઈવાડી, રખિયાલ રોડ, સૈજપુર બોઘા, કલાપીનગર, ગિરધરનગર અને દુધેશ્વર થઈને વાડજ પર પરત ફરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ સર્ક્યુલર રૂટને બહુવિધ સ્થળોએ હાલના મેટ્રો નેટવર્ક સાથે ઇન્ટરસેક્ટ કરવા પ્લાન કરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરો સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાંથી પસાર થયા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે મુસાફરી કરી શકશે, જેથી મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિકનું ભારણ ઓછું થશે. ગુજરાત યુનિવર્સિટી, APMC, અમરાઈવાડી અને વાડજ ખાતે મુખ્ય ઇન્ટરચેન્જ સ્ટેશનો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જે હાલના ઇસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ મેટ્રો કોરિડોર તથા નવા ફેઝ-III નેટવર્ક વચ્ચે સીમલેસ ટ્રાન્સફરની સુવિધા આપશે.